કાશ્મીરમાં સુરક્ષા કાફલા પર હુમલો : બે જવાનો શહીદ

શ્રીનગર : શ્રીનગરના પરાંવિસ્તાર પંપોરમાં આજે બપોરે આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં બે જવાન શહિદ થયા હતા અને અન્ય ૧૦ ઘવાયા હતા.ઘાયલોમાં એક નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેની હાલત ગંભીર હોવાનું મનાય છે. .લગભગ ત્રણ આતંકીઓ હુમલો કરીને જમ્મુ-કાશ્મીર આંત્રપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટની સરકારી ઈમારતમાં છૂપાઈ ગયા હોવાના અહેવાલ છે. જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

સીઆરપીએફના એક પ્રવક્તા બવીશ ચૌધરીએ જણાવ્યું હતું કે સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને આતંકવાદીઓ આ ઈમારતમાં છૂપાઈ ગયા હતા. આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર કરેલા  હુમલામાં ૧૦ જવાનોને ઈજા થઈ હતી. થોડા થોડા સમયના અંતરે સામસામા ગોળીબાર ચાલુ રહ્યા હતા અને જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આતંકવાદીઓ અથડામણ સ્થળેથી નાસી શકે નહીં તે માટે ત્યાં લાઈટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ દ્વારા ઈમારતમાંથી લોકોને હેમખેમ બહાર કાઢીને સંભવત બંધક બનાવવાની સ્થિતિને નિવારી લેવાઈ હતી. જમ્મુ-કાશ્મીરના પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ સરકારી ઈમારતમાં ફસાયેલા તમામ નાગરિકોને સહિસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સરકારી કર્મચારીઓ સહિત ૨૦ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.  આ ઉપરાંત નજીકની ઈમારતોમાંથી પણ ૮૦ જેટલાં લોકોને સહિસલામત બહાર કઢાયા હતા.

બહાર કઢાયેલા લોકો પૈકી એકે દાવો કર્યો હતો કે આતંકવાદીઓએ તેમને ઈમારતમાંથી જતા રહેવા કહ્યું હતું કારણ કે તેઓ નાગરિકોને ઈજા પહોંચાડવા માગતા નહોતા. સુરક્ષા દળોએ મહિલાઓ સહિત નાગરિકોને ઈડીઆઈ ઈમારતમાંથી બહાર કાઢવા માટે બુલેટ પ્રુફ વાહનોનો ઉપયોગ કર્યો હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલી રહેલી અથડામણમાં સીઆરપીએફના બે જવાનો શહિદ થયા હતા. પ્રવક્તાએ કહ્યું કે કાફલા પર હુમલો કર્યા પછી આ આતંકીઓ ઈમારતમાં છૂપાઈ ગયા હતા. તેમણે પાછળથી ગ્રેનેડ હુમલા ચાલુ કર્યા હતા.

ઈમારતની અંદર નાગરિકો દેખાતા જવાનોએ ગોળીબાર બંધ કરી દીધો હતો. સંસ્થાના નિયામકે જણાવ્યું હતું કે કોઈ પણ તાલિમાર્થી અથવા સ્ટાફનો સભ્ય ઈમારતની અંદર નથી. પ્રવક્તા ચૌધરીએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર હાઈવે પર સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને આ આતંકીઓ ઈડીઆઈ બિલ્ડીંગ તરફ ભાગ્યા હતા. આતંકીઓની ચોક્કસ સંખ્યા વિશે તત્કાળ માહિતી મળી નહોતી. જોકે, ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ આતંકીઓની સંખ્યા ત્રણથી પાંચની છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાનો ભોગ બનેલી સીઆરપીએફની બસ દક્ષિણ કાશ્મીરથી શ્રીનગર તરફ જતા કાફલાનો એક ભાગ હતી.૧૫ કોર્પ્સનું હેડક્વાર્ટર અથડામણ સ્થળેથી માત્ર ૧૦ કિમી.ના અંતરે આવેલું છે ત્યાંથી લશ્કરના જવાનો સ્થાનિક પોલીસ અને સીઆરપીએફને મદદ કરવા દોડી ગયા હતા.

You might also like