J-K: પહેલગામ એન્કાઉન્ટરમાં હિજબુલના 3 આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહલગાંવમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગઇ કાલે શરૂ થયેલી અથડામણ આજે સવારે સમાપ્ત થઇ ગઇ છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોને એવી માહિતી મળી હતી કે ત્રણ આતંકીઓ પહલગાંવમાં છુપાયા છે. ત્યાર બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દેતાં દળોએ પણ તેનો સજ્જડ જવાબ આપ્યો હતો. રવિવારે સાંજે શરૂ થયેલ આ એન્કાઉન્ટર આજે સવારે સમાપ્ત થયું હતું.

દ‌ક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગાંવમાં સુરક્ષાદળો અને હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાદળોની વળતી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ એકે રાઈફલ અને અન્ય શસ્ત્રો મળી આવ્યા છે. રવિવારે સાંજે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પહલગાંવ વિસ્તારના અવુરા ગામમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્તચર બાતમી મળી હતી અને ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

જ્યારે સુરક્ષાદળો સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ઓટોમેટિક શસ્ત્રોથી ફાયરિંગ શરૂ કર્યું હતું. તેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કરીને ત્રણ આતંકીઓને ઢાળી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં છુપાયેલા બેથી ત્રણ આતંકીઓને નજીકનાં મકાનમાં રહેતા લોકો સલામત સ્થળે લઇ ગયા હતા.

દરમિયાન બીજબહેરા વિસ્તારમાં યુવાનો રસ્તા પર આવી ગયા હતા અને સુરક્ષાદળો પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર આ અથડામણમાં સામેલ એક આતંકી તેમના વિસ્તારનો હતો અને તેથી તેનો બચાવ કરવા યુવાનોએ સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કરીને સર્ચ ઓપરેશનમાં ખલેલ પહોંચાડી હતી, જોકે દેખાવકારોને દૂર રાખવા વધારાના સુરક્ષાદળો અને રાજ્ય પોલીસના જવાનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

home

You might also like