પંપોરમાં અથડામણનો અંતઃ પાંચ જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

પામ્પોર :જમ્મુ-કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓ સાથે છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહેલી અથડામણનો આજે અંત આવ્યો હતો. સુરક્ષા દળોએ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓ શનિવારે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યા બાદ નજીકમાં આવેલા જમ્મુ-કાશ્મીર આંત્રપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટની ઈમારતમાં છૂપાઈ ગયા હતા. સીઆરપીએફના મહાનિદેશક પ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ હુમલામાં લશ્કર-એ-તોયબાનો હાથ હતો.

એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અથડામણ પૂરી થઈ ગઈ છે અને ત્રણેય આતંકવાદીઓના મૃતદેહો મેળવી લેવાયા છે. તેમણે ઉમેર્યું કે હવે આ ઈમારતને સુરક્ષિત જાહેર કરતા પહેલા જરૂરી તલાશી લેવામાં આવી રહી છે.  આ અથડામણ લગભગ ૪૮ કલાક સુધી ચાલી હતી અને આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક નાગરિક નું પણ મોત થયું હતું. લશ્કરની વ્યૂહનીતિ મુજબ વધુ નુક્સાન ન થાય તે માટે આ અભિયાનને લાંબુ ચલાવવામાં આવ્યુ હતું.

શ્રીનગરની ચિનાર કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆએ અગાઉ કહ્યું કે અભિયાન પુરું કરવાની કોઈ સમયમર્યાદા નહોતી. કોઈ ઉતાવળ નહોતી. અમારો મુખ્ય હેતુ અમને વધુ કોઈ નુક્સાન ન થાય તે જોવાનું છે. ઈમારતને મુક્ત કરાવવામાં જેટલો સમય લાગશે તેટલો અમે લઈશું. આ અભિયાનમાં વિશેષ દળોને લગાડવામાં આવ્યા હતા. ઈડીઆઈ સંકુલ ખૂબ વિશાળ હોવાને લીધે પણ અભિયાનનો અંત મોડો આવ્યો હતો.  લગભગ ૧૫ એકરમાં ફેલાયેલા સંકુલમાં ત્રણ ઈમારતો છે.

જે ઈમારતમાં આ આતંકીઓ છૂપાયેલા હતા તેમાં લગભગ ૫૦ રૂમ છે. જ્યારે શૌચાલયો અને નાના રૂમો સંખ્યાબંધ હતા. હુમલો થયો તે વખતે ઈમારતમાં લગભગ ૧૫૦ લોકો હતા. તેમને સહિસલામત બહાર કાઢવાની બાબત જવાનોની પ્રાથમિકતા હતી. સીઆરપીએફના મહાનિદેશક પ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ હુમલામાં લશ્કર-એ-તોયબાનો હાથ છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસથી જાણવા મળે છે કે લશ્કર-એ-તોયબાએ આ હુમલાને અંજામ આપ્યો હતો.

મિશ્રાએ કહ્યું કે આતંકીઓ મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો લઈને આવ્યા હતા.  તેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે  આ હુમલાની પહેલેથી જ તૈયારી કરી હતી અને ભારે નુક્સાન કરવા માગતા હતા.  દુઆએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સીઆરપીએફના બે જવાન શહીદ થઈ ચૂક્યા છે અને નવ જવાન ઘાયલ થયા છે. તેમણે ઉમેર્યું કે સેનાના બે કેપ્ટન સહિત ત્રણ જવાન પણ શહીદ થયા છે. આ તમામ વિશેષ દળના હતા.

સેનાના જે જવાનોએ શહીદી વહોરી હતી તેમાં કેપ્ટન તુષાર મહાજન, કેપ્ટન પવન કુમાર અને લાન્સ નાયક ઓમ પ્રકાશનો સમાવેશ થાય છે. કેપ્ટન કુમારના પાર્થિવદેહના આજે તેમના વતન હરિયાણાના જીંદ ખાતે અંતિસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે કેપ્ટન મહાજનના પાર્થિવદેહને તેમના વતન ઉધમપુર અને  લાન્સ નાયક ઓમ પ્રકાશના પાર્થિવદેહને હિમાચલ પ્રદેશના તેમના ગામે લઈ જવાયો હતો.

જમ્મુ અને કાશ્મીરનાં પામ્પોરની ઇડીઆઇ બિલ્ડિંગમાં ત્રણ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. જેની સામે ભારતીય સૈન્યનું એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. જો કે હવે તે પુરૂ થઇ ગયું હોવાની સેના દ્વારા જાહેરાત કરી દેવામાં આવ્યું છે. આ અથડામણમાં બે સૈન્ય અધિકારીઓ સહિત કુલ પાંચ જવાનો શહિદ થયા હતા. સીમા સુરક્ષા દળ દ્વારા ત્રણેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સૈન્ય દ્વારા આ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ જવાનો દ્વારા વિસ્તારને ઘેરીને ચેકિંગ કરવામા આવી રહ્યું છે.
વિક્ટર ફોર્સનાં કમાન્ડિંગ ઓફીસર મેજર જનરલ દત્તાનાં જણાવ્યા અનુસાર પામપ્રો એન્કાઉન્ટર પુરૂ થઇ ચુક્યું છે. હવે માત્ર કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઇમારતને સેનિટાઇઝ કરવાની કામગિરી ચાલી રહી છે. કોઇ આતંકવાદી છુપાયો નથી તે અંગેની ખાત્રી કરવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે ઓપરેશન પુર્ણ થયાની ઔપચારિક જાહેરાત સર્ચ ઓપરેશ બાદ કરવામાં આવશે.
સેનાનાં બે અધિકારીઓ અને એક લાન્સનાયકનું આ એન્કાઉન્ટરમાં શહિદ થયા હતા. .તે ઉપરાંત સીઆરપીએફનાં બે જવાનો પણ શહિદ થયા હતા. આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. સીઆરપીએફ અને સેના દ્વારા શખ્ય તેટલા ઓછા નુકસાને આ સંપુર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
કમાન્ડિંગ ઓફીસરનાં અુસાર હવે સેના કોઇ જ જોખમ ઉઠાવવા માંગતી નથી. બિલ્ડિંગ ખુબ જ વિશાળ છે. સેનાની સ્પેશ્યલ ટુકડી આગળ લીડ કરી રહી છે. સીઆરપીએફને બહારનાં ઘેરાની જવાબદારી સોંપવામાં આવી છે. બે બિલ્ડિંગ ક્લિયર કરી દેવાયા છે. તેમાંથી નાગરિકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. જો કે સીઆરપીએફનાં ડાયરેક્ટર પ્રકાશ મિશ્રાએ દાવો કર્યો કે પામ્પોરનાં આતંકવાદી હૂમલા પાછળ લશ્કર એ તોયબાનો હાથ છે.સુરક્ષા દળોને બે આતંકવાદીઓની લાશ મળી છે જ્યારે ત્રીજાની તપાસ ચાલી રહી છે.

દેશ માટે જીવ સટોસટની બાજી ખેલનાર શહિદો
કેપ્ટન તુષાર મહાજન, 9 પેરા કમાન્ડો, સ્પેશિયલ યુનિટ
કેપ્ટન પવન કુમાર, 10 પેરા કમાન્ડો, સ્પેશિયલ યુનિટ
લાન્સ નાયક ઓમ પ્રકાશ
હેટ કોન્સ્ટેબલ ભોલાસિંહ
કોન્ટસ્ટેબલ આર.કે રૈના

You might also like