ભારતમાં રોજગારી વધી શકે પણ…?

વિશ્વભરના દેશો અર્થતંત્રને મજબૂત બનાવવા મથી રહ્યા છે. અનેક દેશોના લોકો પાસેથી રોજગારી છીનવી લેવામાં આવે છે અને તેમાં અમેરિકા પણ બાકાત નથી. જે રીતે વસતી વધી રહી છે અને ઉદ્યોગ સંરક્ષણ નીતિઓ બની રહી છે તે જોતાં લાગે છે કે આગામી સમયમાં લોકોને રોજગારી મેળવવા ટળવળવું પડશે.

પણ હા, ભારત પ્રત્યે સો ટકા આશાવાદ રાખી શકાય તેમ છે પણ અમુક બાબતો ગંભીરતાથી વિચારવી પડશે. આ વિચાર વિશ્વની સૌથી મોટી કંપની પૈકીની એક જનરલ ઈલેક્ટ્રિકના વાઈસ ચેરમેન જ્હોન રાઈસના છે.

ભારત વિકસિત દેશ ભલે ન રહ્યો પણ આર્થિક કટોકટીમાં ટકી રહેવા માટે સક્ષમ છે. જ્યારે વૈશ્વિક મંદી આવી ત્યારે ભારત એક એવો દેશ હતો જેના અર્થતંત્રને ભારેખમ નુકસાન નહોતું થયું. રાઈસ કહે છે કે, “ભારતમાં રોજગારી વધવાની તમામ શક્યતા છે અને ભારત પાસે રોજગારી નિર્માણ કરવાનો અવસર પણ છે, પરંતુ ભારતે ‘મેક ઈન ઈન્ડિયા’ યોજનાને ‘એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયા’માં પરિવર્તિત કરવાની જરૂર છે.”

ભારતમાં રોકાણ કરવા માટે મોટીમોટી કંપનીઓ એટલા માટે ખચકાય છે, કેમ કે ચોક્કસપણે નિકાસ કરવાની નીતિઓ નથી ઘડવામાં આવી. ભારતમાં રોકાણકારો ચોક્કસ આવશે અને દરેકની નજર ભારત તરફ મંડાયેલી છે. બસ, જરૂર છે નિકાસ ધોરણ સુવિધા અપનાવવાની.

You might also like