વ્યાજદર વધારવાના બદલે EPFO હવે બોનસ આપશે

નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) વર્ષ ર૦૧પ-૧૬ માટે વ્યાજ દર વધારવાના બદલે પોતાના સબસ્ક્રાઇબર્સને રૂ.૭પ૦ કરોડનું બોનસ આપવા વિચારી રહ્યું છે. ઇપીએફઓનું આ પ્રકારનું પોતાનું આવું પ્રથમ પગલું હશે. આ અગાઉ ઇપીએફએ વર્તમાન નાણાકીય વર્ષ માટે વ્યાજ દર વધારીને ૮.૯પ કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. આ પ્રસ્તાવ આ વર્ષના સરપ્લસ અર્નિંગ હોવાના અંદાજ પર કરવામાં આવ્યો હતો. ર૦૧૩-૧૪ અને ર૦૧૪-૧પ માટે વ્યાજદર ૮.૭પ ટકા હતો.

વ્યાજદર વધારવાના પ્રસ્તાવ પર નાણાં મંત્રાલયે વાંધો ઉઠાવ્યો હતો. નાણાં મંત્રાલયની દલીલ એવી હતી કે જો વ્યાજદર વધારવામાં આવશે તો અન્ય નાની બચત યોજનાઓ પર પણ વ્યાજ વધારવાનું દબાણ આવશે અને ભવિષ્યમાં આ વ્યાજદર રાખવો શકય નહીં. તેને જોઇને ઇપીએફઓ પોતાના સભ્યોને વન ટાઇમ બોનસ પેમેન્ટ કરવાનું વિચારી રહ્યું છે.

આ પ્રસ્તાવની જાણકારી ધરાવતા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે બોનસના વિકલ્પ પર પ્રથમ વાર વિચાર કરી રહ્યા છીએ , કારણ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને વધુ સારો ફાયદો થશે. જેમને પીએફ એફ ડિડકશન માટે આમ પણ ઇન્કમટેકસમાં રાહત મળતી નથી.

જોકે બોનસ એવા જ સબસ્ક્રાઇબર્સને મળશે જેમણે સતત ૧ર મહિના સુધી કોન્ટ્રિબ્યૂશન આપ્યું હશે. ઇપીએફઓના ઇન્ટરનલ એસ્ટિમેટ અનુસાર જો પ્રસ્તાવને મંજૂરી મળશે તો પાંચ કરોડ સબસ્ક્રાઇબર્સમાંથી અંદાજે અઢી કરોડ લોકોને આ વર્ષે બોનસ મળશે.

You might also like