પારુલ યુનિ.ના કર્મચારીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં યુનિ. પર કર્યાં ગંભીર આક્ષેપ

વડોદરામાં પારુલ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. પારુલ યુનિવર્સિટીના એક કર્મચારીએ આપઘાત કરતા હોબાળો થયો છે. આ કર્મચારીએ આપઘાત પહેલા લખેલા 8 પાનાંના પત્રમાં પારુલ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા માટે વિદ્યાર્થીની હાજરી ઓછી હોવાનું કહીને પરીક્ષા ફોર્મ રોકી રાખતી હતી. ઉપરાંત યુનિવર્સિટીમાં નિયમ કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

મૃતક કર્મચારીએ લખેલા પત્રમાં ખોટા સ્કોલરશીપના પેપર, ખોટા પેશન્ટ બતાવી કેસની સંખ્યામાં વધારો કરતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકે પોતે રૂ.1.20 લાખ લેવાના મામલે નિર્દોષ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કમાટી બાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલી કારમાંથી પારુલ યુનિવર્સિટીના કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ભાઈએ પહેલેથી જ આ મામલે શંકા કરી હતી અને હવે મૃતક પાસેથી મળેલા પત્ર બાદ આ શંકાઓ વધુ ઘેરી બની છે. જોકે આ મામલે યુનિવર્સિટી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે.

You might also like