એમ્પ્લોયી ઑફ ધ મંથની યોજના કેમ હિટ નથી થતી?

કર્મચારીઓમાં પ્રોત્સાહન અને હકારાત્મક અભિગમ લાવવા માટે કંપનીઓ અવનવા નુસખા અપનાવતી હોય છે. કંપનીમાં વધુ ને વધુ પ્રેરણાત્મક વાતાવરણ બનેલું રહે તે માટે મેનેજમેન્ટ દ્વારા હીરો ઓફ ધ મંથ કે એમ્પ્લોયી ઓફ ધ મંથની પ્રોત્સાહક નીતિ અપનાવવામાં આવતી હોય છે, પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે આ ડહાપણભરી કાર્યપદ્ધતિ નકારાત્મક વાતાવરણ પણ ઊભું કરી શકે છે. અમેરિકન સંશોધકોનું કહેવું છે કે કર્મચારી અસાધારણ કામગીરી કરી શકે તે માટે આ પ્રયોગ કરવામાં આવે છે પણ આ પ્રકારની નીતિઓ સામાન્ય કામદાર પર સફળ થવાનું દબાણ વધારે છે અને તેઓ સતત ઉદાસ થવા લાગે છે.

હાર્વર્ડ કેનેડી સ્કૂલ પબ્લિક પોલિસીના એસોસિએટ પ્રોફેસર ટોડ રોજર્સ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની ગોલ્ડમેન સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના આસિસ્ટન્ટ પ્રોફેસર એવી ફેલરે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતાં ઈગ્ઝેમ્પલર ડિસ્કરિજ્મેન્ટ ઈઝ પાવરફુલ વિષય પર સંશોધનાત્મક નિબંધ તૈયાર કર્યો હતો અને સાઈકોલોજિકલ સાયન્સમાં તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

તેમના કહેવા પ્રમાણે આપણે આપણી અંદર રહેલી શ્રેષ્ઠ સર્જનાત્મકતાને બહાર કાઢવી હોય તો અન્ય કોઈને અનુસરીને તેની નકલ કરવાનો પ્રયાસ કરીએ છીએ પણ આ જ વાત આખાય જૂથમાં હાઈ-પરફોર્મર બનવા માટે કરવામાં આવે તો તેની ખરાબ અસર પડે છે. જે શ્રેષ્ઠ કામગીરી કરે છે તેને આ સન્માન મળે છે પણ તેનાથી અંદરોઅંદર પ્રતિસ્પર્ધા થવા લાગે છે અને તેમાંથી આશાવાદી અને નિરાશાવાદી જૂથો પણ અસ્તિત્વમાં આવે છે. આ સંશોધન માટે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના પરથી આ માનસિક વિજ્ઞાનનો અહેવાલ તૈયાર કરવામાં આવેલો.

You might also like