સેમીની ઇમોશનલ સ્પીચ

કોલકાતાઃ ઈંગ્લેન્ડને ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં હરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા વેસ્ટ ઇન્ડીઝનાે કેપ્ટન ડેરેન સેમી ઇમોશનલ થઈ ગયો હતો. આ સમય દરમિયાન તેણે ઘણી વાતોનો ખુલાસો કર્યો. ખાસ કરીને ડેરેન સેમીના નિશાન પર વેસ્ટ ઇન્ડીઝનું ક્રિકેટ બોર્ડ હતું. તેણે જણાવ્યું કે, ”જ્યારે અમે અહીં રમવા આવ્યા ત્યારે અમારી પાસે યુનિફોર્મ પણ નહોતો, પરંતુ અમે ચેમ્પિયન બન્યા. ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે અમારા ઘણા ઇશ્યૂ હતા. લોકોમાં શંકા હતી કે અમે વર્લ્ડકપ રમીશું કે નહીં.”

સેમીએ જણાવ્યું, ”અમારી સામે ઘણી મુશ્કેલીઓ હતી. અમે અમારા બોર્ડથી જ અપમાનિત થયા હતા. ઈંગ્લિશ કોમેન્ટ્રેટર માર્ક નિકોલસ અમારા અંગે કહી રહ્યો હતો કે અમારી ટીમ પાસે દિમાગ નથી અને આ દિમાગ વગરની ટીમે જ ઈંગ્લેન્ડને હરાવી દીધું.” વિન્ડીઝનો કેપ્ટન આટલેથી જ નહોતો અટક્યો. પોતાની ટીમના મેનેજરનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું, ”આ ટૂર્નામેન્ટમાં અમારી પાસે એક નવો મેનેજર રોલ લેવિસ હતો. તેણે આ અગાઉ કોઈ ટીમનું મેનેજમેન્ટ સંભાળ્યું નહોતું. અમે દુબઈમાં એક કેમ્પમાં હતા, પરંતુ અમારી પાસે કોઈ યુનિફોર્મ સુદ્ધાં નહોતો. જોકે તેણે પોતાનું કામ બરાબર કર્યું ને અમારા માટે કોલકાતામાં યુનિફોર્મ પણ પ્રિન્ટ કરાવ્યો.”

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટને વધુમાં જણાવ્યું કે, ”હું કોચિંગ સ્ટાફ, ખાસ કરીને ફીલ સિમન્સનો આભાર માનીશ. તેણે અમને પૂરતો સાથ આપ્યો અને અમે ચેમ્પિયન બન્યા. આ એક એવી જીત છે, જેને અમે લાંબા સમય સુધી યાદ રાખીશું. અમારી પાસે કેટલાક મેચ વિનર ખેલાડી છે, પરંતુ કોઈ અમને ફેવરિટ નહોતું માનતું. પ્રત્યેક મેચમાં કોઈ ને કોઈ ખેલાડીએ વિજેતાની ભૂમિકા નિભાવી. હું નથી જાણતો કે હું ફરી ક્યારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી રમીશ.”

વર્લ્ડકપની ટ્રોફીનો ‘પારો’ જ્યારે સેમ્યુઅલ્સના મગજમાં ચડી ગયો
કોલકાતાઃ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝની જીતનો હીરો રહેલા માર્લોન સેમ્યુઅલ્સે મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અસભ્યતાનું વરવું પ્રદર્શન કર્યું હતું. સેમ્યુઅલ્સ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા ટેબલ પર પગ રાખીને બેઠેલો જોવા મળ્યો હતો.

પ્લેયર ઓફ ધ સિરીઝ
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત થઈ ત્યારે વિરાટ પોતાના ઘેર ટીવી પર મેચ નિહાળી રહ્યો હતો. કોહલી હાજર ન હોવાથી ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ અસોસિએશન ઓફ બેંગાલના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી તરફથી આ અવોર્ડ સ્વીકાર્યો હતો.

You might also like