ઇમર્જિંગ કપઃ ભારત-પાક. માર્ચમાં ટકરાશે

નવી દિલ્હીઃ જૂનમાં ઈંગ્લેન્ડમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકબીજાનો સામનો કરતા પહેલાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માર્ચમાં ઈમર્જિંગ કપમાં ટકરાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની ઇમર્જિંગ કપ અંડર-૨૩ ખેલાડીઓ માટે યોજાય છે અને આ ટૂર્નામેન્ટ ૧૫થી ૨૬ માર્ચ દરમિયાન બાંગ્લાદેશમાં રમાવાની છે. ગત વખતે ૨૦૧૩માં સિંગાપોરમાં રમાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને ખિતાબ જીત્યો હતો. આ વખતની ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુએઈ, હોંગકોંગ અને નેપાળની અંડર-૨૩ ટીમ ભાગ લેશે.

બીસીસીઆઇના ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર એમ. વી. શ્રીધરે કહ્યું, ”ભારત આ ટૂર્નામેન્ટ માટે ટીમ મોકલી રહ્યું છે. આ એસીસીની ટૂર્નામેન્ટ છે તેથી અમારે ટીમ મોકલવી જોઈએ. આ ભારત-પાકિસ્તાન શ્રેણી નથી.” આ વખતની ટૂર્નામેન્ટમાં જોકે આયોજકોએ એક નવો નિયમ બનાવ્યો છે અને દરેક ટીમમાંથી ૨૩ વર્ષથી ઉપરના ચાર ખેલાડી રમી શકે છે. ગત વખતે આઠ ટીમે બે ગ્રૂપમાં વહેંચી દેવામાં આવી હતી. ગ્રૂપ-એમાં ભારત અને પાકિસ્તાન અને ગ્રૂપ-બીમાં શ્રીલંકા અને યુએઈએ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. આ વખતે બધી ટીમ એકબીજા સામે લીગ રાઉન્ડમાં રમશે અને ત્યાર બાદ નોક આઉટ સ્ટેજ શરૂ થશે.

પાછલા કેટલાક સમયથી ભારતીય અંડર-૧૯ ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે ઇમર્જિંગ કપ માટે એ જ ટીમના ખેલાડીઓને રમવાની તક મળશે.

૨૦૧૩માં ભારતે અક્ષર પટેલની શાનદાર બોલિંગની મદદથી સેમિફાઇનલમાં યુએઈને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાંબાબા અપરાજિતની ત્રણ વિકેટ અને મેન ઓફ ધ મેચ કે. એલ. રાહુલના અણનમ ૯૩ રનની મદદથી પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં કચડી નાખ્યું હતું. ભારતની વિજેતા ટીમનાે કેપ્ટન સૂર્યકુમાર યાદવ હતો.
http://sambhaavnews.com/

You might also like