મુંબઈથી લંડનની ફ્લાઈટમાં ધુમાડો નીકળતાં બાકુમાં ઈમર્જન્સી લેન્ડિંગ

લંડન: મુંબઈથી લંડન જઈ રહેલી બ્રિટિશ એરવેઝની એક ફ્લાઈટને સામાન્ય કટોકટીની જાહેરાત બાદ એકાએક અઝરબેજાનની રાજધાની બાકુ તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર ફ્લાઈટ નં. બીએ-૧૯૮ની ફર્સ્ટ ક્લાસ કેબિનમાં કોઈ કારણોસર ધુમાડો ભરાઈ ગયો હતો અને તેથી સામાન્ય ઈમર્જન્સી જાહેર કરીને આ ફ્લાઈટને નજીકના બાકુ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

બાકુ એરપોર્ટ પર ઉપસ્થિત ટેકનિકલ ટીમ વિમાનમાં અચાનક ધુમાડો આવવાના કારણની તપાસ કરી રહી છે અને આ ટેકનિકલ ખામી દૂર થયા બાદ વિમાન ફરી લંડન જવા ઉડાન ભરશે. વિમાન આમ પણ મુંબઈથી ૩.૪૦ કલાક મોડી ઉડાન ભરી હતી. આ વિમાનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા છવાઈ જતાં પાઈલટે તાત્કાલિક એટીસીનો સંપર્ક કર્યો હતો. વિમાનમાં ધુમાડાના કારણે યાત્રીઓમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

દરમિયાન વિમાનને અઝરબેજાનની રાજધાની બાકુમાં લેન્ડ કરાવવામાં આવ્યું હતું. બ્રિટિશ એરવેઝે આ ઘટના પર પ્રવાસીઓની માફી માગી છે. બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે ઉડાનમાં વિલંબ બદલ તેઓ પ્રવાસીઓની દિલગીરી વ્યક્ત કરે છે. એક યાત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે વિમાનના પ્રવાસીઓ બાકુમાં ફસાયા છે.

ટેકનિકલ ક્ષતિને કારણે વિમાનની ફર્સ્ટ ક્લાસ કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બ્રિટિશ એરવેઝના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમે વિમાનમાં ટેકનિકલ ક્ષતિને કારણે પ્રવાસીઓને થયેલી અસુવિધા બદલ માફી માગીએ છીએ. બાકુના એન્જિનિયર વિમાનની તપાસ કરી રહ્યા છે. આ વિમાને સાંજે ૫.૧૪ કલાકે મુંબઈથી ઉડાન ભરી હતી અને તે પોતાના નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડી હતી.

You might also like