ફ્લાઇટમાં પેસેન્જરોના શ્વાસ રુંધાયા અમદાવાદમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટનેે ગ્રહણ લાગ્યું હોય તેમ વારંવાર બર્ડ હિટ, મંકી હિટ, વરસાદ, ટાયર ફાટવું અનેક કારણોસર વિમાની મુસાફરો પર સંકટ છવાયેેલું રહે છે. આજે પણ મુંબઇથી દિલ્હી જતી સ્પાઇસ જેટની ફલાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મુંબઇથી દિલ્હી જઇ રહેલી સ્પાઇસ જેટની ફલાઇટમાં ઉડાન દરમ્યાન ચાલુ ફલાઇટે હવાનું પ્રેશર લો થઇ જતાં ૧૮૮ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા હતા.

વિમાનમાં એક લીકેજ થતાં ફલાઇટના તમામ ઓકસિજન માસ્ક ખૂલી ગયા હતા. અને તેમાં મુસાફરી કરી રહેલા ૧૮૮ મુસાફરને તાત્કાલીક અમદાવાદ એરપોર્ટ પર ઉતારીને ફલાઇટને ગ્રાઉન્ડ કરી દેવાઇ છે. પાઇલટે અમદાવાદ એરપોર્ટ પર સવારે ૭ કલાકે ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ફલાઇટમાં ઓન બોર્ડ સવાર તમામ ૧૮૮ મુસાફરને ઉડાન દરમ્યાન જ ફલાઇટમાં લો પ્રેશર સર્જાતાં શ્વાસ લેવાની તકલીફ ઊભી થઇ હતી. જેના પગલે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર સવારે ૭.૦૦ વાગ્યે ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હાલમાં તમામ મુસાફરોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રોકી રાખવામાં આવ્યા છે.

હજુ મહિના પહેલાં જ ૧લી જૂને અમદાવાદથી ઉપડતી સ્પાઇસ જેટનું ટાયર ફાટતાં દુર્ઘટના સર્જાઇ હતી અને વિમાન વ્યવહાર પર મોટી અસર પડી હતી. અમદાવાદથી ૧લી જૂને બેંગકોક થઇ રહેલી ફલાઇટનું ટાયર ફાટ્યું હતું. જોકે તમામ મુસાફરો આ ઘટનામાં સુરક્ષિત રહ્યા હતા.

ગત વર્ષે અમદાવાદ એરપોર્ટ પર રપ ફેબ્રુઆરી ર૦૧૭ના રોજ સ્પાઇસ જેટ અને ઇન્ડિગોનાં વિમાનો ટકરાતાં રહી ગયાં હતાં. જો એટીસીએ મેસેજ આપવામાં મોડું કર્યું હોત તો બંને ફલાઇટ ટકરાઇ હોત.

સુરક્ષાના દાવાઓ વચ્ચે હજુ ગત અઠવાડિયે અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની હતી. અમદાવાદથી સવારે કોલકાતા જતી ગો એર લાઇનનાં વિમાન સાથે પક્ષી અથડાવાને કારણે એરપોર્ટ ઓથોરિટીને હરકતમાં આવવું પડ્યું હતું.

અચાનક થયેલાં બર્ડ હિટને કારણે ફલાઇટનું ડાબી તરફનું એન્જિન બંધ થઇ ગયું હતું. જેના કારણે તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને આ ઘટનાના પગલે અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જેમાં ૧૬૬ મુસાફર હતા. આ ઘટનાના કારણે અન્ય મુસાફરોએ પણ ભારે હાલાકી ભોગવી હતી. ૧૦ થી વધુ ફલાઇટ બે કલાક સુધી મોડી પડી હતી.

ર૧ જૂને અમદાવાદથી મુંબઇ ઉપડેલા એર ઇન્ડિયાના વિમાનમાં પણ અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં મુંબઇ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. એ વિમાન મુંબઇ થઇ મસ્કત જવા રવાના થવાનું હતું. તેમાં ૧૭૬ યાત્રી હતા.

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ચાર મહિનામાં ત્રણ ઘટના બર્ડ હિટની બની છે. અત્યારે વરસાદી સિઝનમાં બર્ડ હિટ થવાથી જોખમ વધુ રહે છે. વરસાદી સિઝનમાં જમીનમાંથી નાનાં જીવડાં બહાર આવે છે તેને આરોગવા પક્ષીઓ સતત મંડરાય છે. તેથી બર્ડ હિટનું જોખમ વધે છે.

You might also like