શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર, ભારત-શ્રીલંકા મેચ પર સંકટના વાદળો છવાયા

કોલંબોઃ નિદહાસ ટ્રોફીની આજે પ્રથમ ટી-20 ભારત-શ્રીલંકા વચ્ચે રમાવાની છે ત્યારે શ્રીલંકાથી મોટા સમાચાર આવી રહ્યાં છે. શ્રીલંકામાં ત્યાંની સરકારે 10 દિવસ માટે કટોકટી જાહેર કરી છે. જો કે હાલમાં કટોકટી ક્યા વિસ્તારમાં જાહેર કરવામાં આવી છે તેની જાણકારી નથી. જો કે ભારત-શ્રીલંકા ટી-20 મેચ પર કોઇ મુશ્કેલી નહી પડે તેવું લાગી રહ્યું છે.

આગામી વર્ષે યોજાનારા વર્લ્ડકપની તૈયારીઓને નજરમાં રાખી રોહિત શર્માની કેપ્ટનશિપમાં યંગ ટર્ક આજે ત્રિકોણીય ટી-૨૦ શ્રેણીમાં યજમાન શ્રીલંકા સામે જંગે ચડવા મેદાનમાં ઊતરશે. આ બંને ટીમ આ સિઝનમાં ૧૮ વાર એકબીજા સામે ટકરાઈ ચૂકી છે. હવે આ ટક્કરમાં કેટલી રોચકતા રહેશે એ તો સ્ટેડિયમમાં દર્શકોની હાજરી જ બતાવી શકશે. આ શ્રેણીની ત્રીજી ટીમ બાંગ્લાદેશ છે. આજની મેચ રાત્રે ૭.૦૦ વાગ્યાથી શરૂ થશે.

યુવાઓ માટે શાનદાર તકઃ વન ડે વર્લ્ડકપ આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાવાનો છે. આથી પસંદગીકારોને આકર્ષિત કરવા માટે દિલ્હીના વિસ્ફોટક બેટ્સમેન ઋષભ પંત, ઓલરાઉન્ડર દીપક હુડા અને ફાસ્ટ બોલર મોહંમદ સિરાઝ પાસે એક સોનેરી તક છે. સિરાઝ અને પંત ભારત તરફથી આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે, જ્યારે દીપક હુડા હજુ સુધી એક પણ મેચ ટીમ ઇન્ડિયા તરફથી રમ્યો નથી.

નિદહાસ એટલે ‘આઝાદી’: શ્રીલંકામાં બોલાતી સિંહાલીઝ ભાષામાં નિદહાસનો અર્થ ‘આઝાદી’ થાય છે. શ્રીલંકા પોતાની આઝાદીનાં ૭૦માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. શ્રીલંકા ક્રિકેટે આ ટૂર્નામેન્ટનું નામ આ જ કારણે ‘નિદહાસ ટ્રોફી’ રાખ્યું છે.

ગત વર્ષ જુલાઈથી લઈને અત્યાર સુધીમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ૧૮ (છ ટેસ્ટ, આઠ વન ડે અને ચાર ટી-૨૦) મેચ રમી ચૂકી છે. આમ છતાં બીસીસીઆઇએ શ્રીલંકન બોર્ડ સાથેના જૂના સંબંધોને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટમાં રમવા સંમતિ આપી હતી.

કોણ મજબૂત છે?ઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-૨૦માં અત્યાર સુધીમાં કુલ ૧૪ વાર ટક્કર થઈ છે, જેમાંથી ૧૦ વાર ભારત અને ફક્ત ચાર વાર શ્રીલંકા જીત્યું છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ચાર ટી-૨૦માં કેપ્ટનશિપ સંભાળી છે અને એ ચારેય મેચ ટીમ ઇન્ડિયાએ જીતી છે. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલે ૨૪ મેચમાં નેતૃત્વ સંભાળ્યું છે, જેમાંથી ૧૨માં જીત અને ૧૨માં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

મેદાનની વાત કરવામાં આવે તો પણ ભારત મજબૂત સ્થિતિમાં છે. આજનો મુકાબલો આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં થવાનો છે. અહીં શ્રીલંકા ૧૪ મેચ રમ્યું છે, જેમાંથી ફક્ત બે જ મેચ શ્રીલંકાએ જીતી છે. ભારત આ મેદાન પર સાત મેચ રમ્યું છે અને છમાં વિજય હાંસલ કર્યો છે, જ્યારે ફક્ત એક જ મેચમાં ભારતનો પરાજય થયો છે. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ ભારતને નવ વિકેટે પરાજય આપ્યો હતો.

મિશન ૬૦ પૂરું થશેઃ ટીમ ઇન્ડિયાનનું મિશન ૬૦ છે કોલંબોમાં જીત. શ્રીલંકામાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં કુલ ૫૯ મેચ જીતી ચૂકી છે. વધુ એક મેચ જીતતા જ આ આંકડો ૬૦ને સ્પર્શી જશે. શ્રીલંકામાં જીતના આ આંકડા સુધી પહોંચનારી ટીમ ઇન્ડિયા પ્રથમ ટીમ બની જશે એટલું જ નહીં, ટી-૨૦માં ભારતે દરેક વખતે શ્રીલંકાની ટીમને તેમની જ ધરતી પર હરાવી છે.

રોહિતના રેકોર્ડઃ બધા એ તો જાણે જ છે કે ૧૩૬ના સ્ટ્રાઇક રેટ અને બે સદી સાથે રોહિત ટી-૨૦ ફોર્મેટનો સૌથી મોટો હિટર છે, પરંતુ એ બહુ ઓછા લોકો જાણે છે કે કેપ્ટનશિપમાં રોહિતનો રેકોર્ડ દમદાર છે. વિરાટની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ સંભાળી રહેલો રોહિત કેપ્ટનશિપમાં પણ હિટ છે.

રોહિત આઇપીએલમાં બે વાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં રોહિતે ચાર મેચમાં કેપ્ટનશિપ સંભાળી છે અને એ ચારેયમાં ભારતને જીત હાંસલ થઈ છે. ખાસ વાત તો એ છે કે ૨૦૧૭માં રોહિતે ટી-૨૦માં કેપ્ટનશિપ સંભાળતા સદી ફટકારી હતી અને એ પણ શ્રીલંકા સામે જ. રોહિત ઉપરાંત શિખર ધવન, કે. એલ. રાહુલ, સુરેશ રૈના જેવા ખેલાડીઓ સાથે ટીમની જીતની આશા ઘણી વધી ગઈ છે. જોકે નવા ખેલાડીઓએ ખુદને સાબિત કરવા શાનદાર પ્રદર્શન કરવું પડશે.

You might also like