એમાન ક્યારેય ચાલી નહીં શકે, પગના મસલ્સ ડેવલપ જ થયા નથી

મુંબઈ: એમાન અહમદ ક્યારે ચાલી શકશે તે જાણવા અાખી દુનિયા ઉત્સુક છે, પરંતુ એવું થાય તેવી શક્યતા અોછી જણાય છે. ડોક્ટરોની વાત માનીઅે તો છેલ્લાં ૨૫ વર્ષથી પથારીવશ હોવાના કારણે એમાનના પગના મસલ્સ ડેવલપ થયા જ નથી. એમાનનું વજન ઘટવાનું તો સતત ચાલુ જ રહે છે, પરંતુ તેના પગના મસલ્સ ડેવલપ થયા ન હોવાના કારણે તે ક્યારેય ચાલી નહીં શકે.

એમાન મુંબઈ સારવાર માટે અાવી ત્યારે તેનું વજન ૪૯૦ કિલો હતું. છેલ્લા બે મહિનામાં તેનું વજન અડધોઅડધ ઘટીને અાશરે ૨૫૦ કિલો થઈ ગયું છે. અોબેસિટીની ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ તેની ન્યૂરોલોજી સંબંધિત સારવાર કરવામાં અાવશે.

એમાનની સારવાર કરનારા ડોક્ટર મુઝફ્ફર લાકડાવાલાનું કહેવું છે કે એમાનનું વજન મેં અાપેલા વચન મુજબ ૬૦ ટકા ઘટ્યું છે, તેની અોબેસિટી સંબંધિત સારવાર અમે પૂરી કરી છે. હવે એમાનની બધી સમસ્યા ન્યૂરોલોજીને લઈ છે. એમાન હવે પલંગની ધાર પર અને પેટનો ટેકો લઈને બેસી શકે છે, પરંતુ તે ક્યારેય ચાલી નહીં શકે, કારણ કે તે ૧૧ વર્ષની હતી ત્યારે પેરે‌િલ‌િટક એટેક અાવ્યો ત્યારથી જ તેના પગના મસલ્સ ડેવલપ થયા નથી.

એમાનને તેના નાનકડા પગ પર ઊભી રાખવાનું તબીબી દૃષ્ટિઅે અશક્ય છે. અેમાન જાતે બેસીને ઇજિપ્ત પાછી જશે એવું મેં વચન અાપ્યું હતું, મેં મારું વચન પાળ્યું છે. એમાનનું શરીર વારંવાર જકડાઈ જાય છે, પરંતુ તેનું વજન હજુ પણ વધારે હોવાના કારણે ડોક્ટરો તેનું સિટી સ્કેન કરી શકતા નથી. એમાનનું સિટી સ્કેન કરી શકાય તે માટે તેનું વજન ૫૦ કિલો ઘટાડવાની તૈયારી ચાલી રહી છે.

એમાનની ન્યૂરોલોજિકલ ટ્રીટમેન્ટ પૂર્ણ થશે ત્યારબાદ તેને ઇજિપ્ત લઈ જવાશે. એમાનની તબિયતની કાળજી લઈ શકાય તેવી વ્યવસ્થા ઇજિપ્તમાં નથી. તેથી ન્યૂરોલો‌િજકલ સારવાર દરમિયાન તેને સૈફી હોસ્પિટલમાં જ રાખવામાં અાવશે.
http://sambhaavnews.com/

You might also like