ઈમાનની બહેનના આક્ષેપ બાદ તબીબ અપર્ણા ગોવિલનું રાજીનામું

નવી દિલ્હી: ઈજિપ્તથી ભારતમાં ઈલાજ કરાવવા આવેલી વિશ્વની સૌથી વજનદાર મહિલા ઈમાન અહેમદની સારવાર અંગે તેની બહેને કરેલા આક્ષેપ બાદ ઈમાનનો ઈલાજ કરતા તબીબ અપર્ણા ગોવિલ ભાસ્કરે તેમનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ઈમાનની બહેન સાયમા સલિમે કરેલા આક્ષેપ બાદ આ તબીબે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે તેમનાં રાજીનામા અંગેની માહિતી ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી. તેમાં અપર્ણાએ જણાવ્યું છે કે ત્રણ મહિના પહેલાં જ્યારે ઈમાન ભારત આવી હતી ત્યારે અમે તેની સારવારમાં કોઈ જ કસર રાખી ન હતી. અમે ખૂબ જ સારી રીતે ઈમાનની સારવાર કરી હતી. જેમાં અમારી ટીમના એક ફિઝિયોથેરાપિસ્ટ અને નર્સ ઈમાનની સેવામાં સતત વ્યસ્ત રહેતાં હતાં. પરંતુ હવે જ્યારે તેની બહેને અમારા પર આવા આક્ષેપ કર્યા છે તે કોઈ શારીરિક યાતનાથી કમ નથી. તેથી ઈમાનની બહેને જે આક્ષેપ કર્યા છે તે ખરેખર બેબુનિયાદ છે.

ઈમાનની તબિયતમાં 25 વર્ષ બાદ સારો સુધારો થયો છે. અમે અમારી ફરજ બજાવી છે અને આ બાબતે અમે કાંઈ સાબિત કરવા માગતા નથી. પરંતુ જે રીતે ઈમાનની બહેન દ્વારા અમારી સારવાર અંગે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના વિરોધમાં હું મારા પદ પરથી રાજીનામું આપું છું. હું જાણું છુ કે મેડિકલ સૌથી મોટી જવાબદારીવાળું ક્ષેત્ર છે, અને તેમાં ભાગ્યે જ કોઈ તબીબને જશ મળે છે. તેથી હું મારા પુત્રને કયારેય ડોકટર નહીં બનાવું.

ઈમાનની બહેન સાયમા સલિમે એવો આક્ષેપ કર્યો હતો કે ડો. લાકડાવાલા ખોટા છે. તેઓ તેની બહેનની તબિયત અંગે સાચી માહિતી આપતા નથી. શરૂઆતના 15 દિવસમાં બધું બરાબર ચાલ્યું હતું અને બાદમાં તેની બહેન અંગે સાચી વિગતો આપવામાં આવતી નથી,અને તેની સ્થિતિમાં સુધારો થયાની વાત ખોટી છે તેવા આક્ષેપ બાદ વિવાદ થયો છે. જ્યારે બીજી તરફ તબીબોએ જણાવ્યું છે કે ઈમાનની બહેન માત્ર નાટક કરે છે, અને તબીબ પર ખોટા આક્ષેપ કરે છે.

http://sambhaavnews.com/

You might also like