અનેક કષ્ટ દૂર કરે છે શ્રી ગણેશજી

માતા મેના તથા પિતા હિમાલયની પુષ્કળ મનાઇ છતાં પાર્વતીએ શિવને પતિ તરીકે પામવા પુષ્કળ તપ કર્યું. તપથી શિવ પ્રસન્ન થયા. બંનેનાં લગ્ન થયાં. બંને આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યાં. એક વખત શિવ એકાંતમાં તપ કરવા ચાલ્યા ગયા. પાર્વતી એકલાં પડી ગયાં. તેમને સ્નાન કરવાનું મન થયું. તેઓ અન્ય દેવીઓ સાથે હિમાલયના માનસરોવર ખાતે સ્નાન કરવા ગયાં. સ્નાન પહેલાં તેમણે તેલ માલીશ તથા ઉબટન કરાવ્યાં. તે સાફ કરતાં મેલ પડયો. તે મેલની એક પુરુષાકૃતિ બનાવી. તેને પાસે વહેતાં ગંગાજીમાં મૂકી દીધી. ગંગાજીના શીતળ જળનો સ્પર્શ થતાં જ માતા પાર્વતીના હાથે બનેલ મૂર્તિ વિશાળ થઇ અને તેમાં પ્રાણ આવ્યા. ગંગાજી તથા મા પાર્વતી ગાઢ સખી છે.

પુરુષાકૃતિમાં પ્રાણ આવ્યા. તેથી પાર્વતીએ તેને પુત્ર માની ગળે લગાવ્યો. ગંગાજીએ પણ તેને ગાંગેય કહ્યો. તેમનું સન્માન કર્યું. કોઇ દેવે તેમને પાર્વતીનંદન કહ્યા. આવા સુંદર પુરુષાકૃતિ સ્વરૂપ દેવ જોઇ બ્રહ્માજીએ તેમને સઘળા દેવના અધિપતિ ગણપતિ બનાવ્યા. આ ગણપતિને સઘળા દેવતાઓએ પુષ્કળ વરદાન આપ્યાં છે. તેમને સઘળી પૂજાના અગ્રેસર બનાવ્યા છે. તમામ પૂજામાં તેમની પહેલી પૂજા થાય તેવાં વરદાન આપ્યાં છે. જો અન્ય દેવની પૂજા પહેલી કરી પછી ગણેશજીને પૂજવામાં આવે તો તે પૂજા ફળતી નથી. આ કથા પદ્મપુરાણના સૃષ્ટિખંડમાં સંપૂર્ણ આલેખાયેલી છે. ગણેશજી આપણાં દરેક કાર્ય નિર્વિઘ્ને પાર પાડે છે. તેથી તો તેમનું એક નામ વિઘ્નહર્તા છે. તેમને એક દાંત હોવાથી તેમનું નામ એકદંત પણ છે. તેમનું પેટ મોટું હોવાથી તેમને ઘણા ભકતો લંબોદર પણ કહે છે. સૂપડાં જેવા કાન હોવાથી તેઓ ગજકર્ણ તરીકે પણ વિખ્યાત થયા છે.

જે મનુષ્ય દૂર્વા વડે દરરોજ ગણેશજીને પૂજે છે તે મનુષ્ય કુબેર જેવો ધનવાન થાય છે. જે મનુષ્ય ડાંગરથી તેમને પૂજે છે તે યશસ્વી તથા મેઘાવી થાય છે. જે મનુષ્ય ૧,૦૦૦ લાડુ વડે ગણેશજીને પૂજે છે તે મનુષ્યને જગતનું તમામ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ગણેશજીને સમિધા વડે પૂજે છે તે મનુષ્યને જગતની તમામ દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. શ્રી ગણેશજી તમામ દુઃખ દૂર કરનાર છે. તેમની આરાધના જે મનુષ્ય વિધિસર કરે છે તેની જે તે ઇચ્છિત ઇચ્છાઓ અલ્પ સમયમાં ફળે છે.

ગણેશજી એટલે વિઘ્નહર્તા. તેમનું નામ નિત્ય જપનારનું જીવન નિર્વિઘ્ન થઇ દુઃખરહિત થાય છે. તેમની પૂજા સર્વ દેવમાં પ્રથમ કરવી પડેે છે. શ્રી ગણેશજીનાં અનેક નામ છે. તેમનું ગમે તે એક નામ જીવનભર જપનારનો ઉદ્ધાર થાય છે. ગણેશજી બહુ વિચક્ષણ છે. તેમણે વેદવ્યાસના બોલેલા શબ્દેશબ્દનો અર્થ સમજી સરળ ભાષામાં લખતાં જે ગ્રંથ તૈયાર થયો તેનું નામ મહાભારત છે. ગણેશ ભકતોએ તથા સત્પુરુષોએ દારૂ, જુગાર, માંસનો ત્યાગ કરવો જોઇએ. આમ કરવાથી તમામ જીવનમાં કોઇ વિઘ્ન નહીં આવે.

જો કોઇ ભયંકર વિઘ્ન આવશે તો પણ ગણેશજીની અપાર કૃપા વડે તે દુર થઇ જશે. બને તેટલા ગણેશજી અધર્વશીર્ષના પાઠ કરવા. બને તેટલા ગણેશ ગાયત્રી મંત્રના જપ જપવા. દેવું બહુ થઇ ગયું હોય તો ઋણહરણ ગણેશસ્તોત્રના ૧૦૦૧ પાઠ કરવા. પુષ્ય નક્ષત્રમાં કે રવિપુષ્ય નક્ષત્રમાં સફેદ આકડાનું જાડું મૂળ લઇ તેના ગણેશજી બનાવડાવી તેમની પૂજા કરવી. આમ કરવાથી સાધક, ઉપાસક અપાર શાંતિ અનુભવે છે તથા પરમ ઐશ્વર્ય પામે છે. આનો ઉલ્લેખ લિંગપુરાણમાં છે.• શાસ્ત્રી િહમાંશુ વ્યાસ

You might also like