આઈએસનો સફાયો કરવાના મુદ્દે યુએન સુરક્ષા પરિષદમાં સર્વસંમતિ

સંયુક્ત રાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આજે આતંકી સંગઠન આઈએસ સામે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો. આઈએસ સહિત અન્ય કટ્ટરપંથી જૂથોના હુમલા રોકવા માટે પોતાના પ્રયાસો બમણા કરવા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઠરાવ ફ્રાંસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
પેરિસ હુમલાના લગભગ એક અઠવાડિયા બાદ અને માલીની બામકો હોટલ પર થયેલા હુમલાના થોડાક કલાકો બાદ સંયુક્ત રાષ્ટ્રે આ ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવમાં જણાવાયું છે કે આઈએસ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે એક વૈશ્વિક અને અભૂતપૂર્વ ખતરો છે. આ ઠરાવમાં આ ખતરાનો તમામ માધ્યમોનો ઉપયોગ કરીને સામનો કરવા અંગે સુરક્ષા પરિષદની પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
ફ્રાંસે તેના ઠરાવમાં આતંકી સંગઠન આઈએસ અને પશ્ચિમ એશિયા માં સક્રિય અલ-કાયદાાના સહયોગી નુસરા ફ્રન્ટ વિરુધ્ધ કાર્યવાહી પર ખાસ કરીને ભાર મૂક્યો હતો. જોકે, જોખમોને ધ્યાનમાં લઈને આ યાદીમાં અન્ય સંગઠનોને પણ સામેલ કરવામાં આવે તેમ બને.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્રારા પસાર કરવામાં આવેલો ઠરાવ આઈએસ સામે લશ્કરી કાર્યવાહી માટે કોઈ કાયદેસરની પરવાનગી આપતો નથી. તેમાં સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના ચેપ્ટર ૭ હેઠળ અપાતી સત્તાઓનો

પણ ઉલ્લેખ નથી. તેના દ્રારા સુરક્ષા પરિષદ બળ પ્રયોગની મંજૂરી આપે છે.
ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઈરાક અને સીરિયામાં વિદેશી આતંકવાદી લડાકુઓના પ્રવાહને રોકવા માટે પોતાના પ્રયાસો ઝડપી બનાવે અને આતંકવાદને મળતી નાણાંકીય મદદને રોકે. સીરિયા સહિત વિવિધ મુદ્દા પર સુરક્ષા પરિષદમાં રશિયા અને પશ્ચિમી દેશો (અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન)નું અલગ અલગ વલણ રહ્યું છે. પરંતુ આ ઠરાવ પર સર્વસંમતિ ભવિષ્યની શક્યતાઓ તરફ ઈશારો કરે છે. જોકે, ઠરાવ પસાર થયા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના પ્રતિનિધિ વિટલી આઈ ચરકીને જણાવ્યું હતું કે આતંક વિરુધ્ધની લડાઈ મહત્વાકાંક્ષા પર આધારિત ન હોવી જોઈએ, તે મૂલ્યો પર આધારિત હોવી જોઈએ.

You might also like