ચૂંટણીપંચે મોદી સરકારને પૂછ્યું ‘બજેટ પાછું ઠેલી શકાય?’

નવી દિલ્હી: ચૂંટણીપંચે કેન્દ્રની મોદી સરકારને પત્ર લખીને બજેટની તારીખ પાછી ઠેલવા અંગે તેનો અભિપ્રાય માગ્યો છે. ચૂંટણીપંચે કેબિનેટ સચિવ પ્રદીપસિંહાને પત્ર લખીને ૧૦ જાન્યુઆરી સુધીમાં બજેટ પાછું ઠેલી શકાય કે તે અંગે ટિપ્પણી કરવા જણાવ્યું છે.
પાંચ રાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વિરોધપક્ષોએ એવી માગણી કરી છે કે ચૂંટણી બાદ બજેટ રજૂ કરવામાં આવે કે જેથી બજેટની દરખાસ્તો દ્વારા શાસક પક્ષ મતદારોને પ્રભાવિત કરી ન શકે. આમ ચૂંટણીપંચે વિરોધપક્ષના વિરોધ બાદ મોદી સરકારનો આ અંગે જવાબ માગ્યો છે.

ચૂંટણીપંચ કેબિનેટ સચિવનો જવાબ આવ્યા બાદ જ બજેટ અંગે નિર્ણય લેશે. આ અગાઉ વિરોધ પક્ષોનું એક પ્રતિનિધિ મંડળ ત્રણ ચૂંટણી કમિશનર નસીમ જૈદી, ઓ.પી. રાવત અને એ. કે. જ્યોતિને મળવા ગયું હતું. આ પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસના ગુલામનબી આઝાદ પણ હતા. ચૂંટણીપંચને મળનારા પ્રતિનિધિમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા, જનતા દળ (યુ) અને રાજદના નેતાઓનો સમાવેશ થતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ૪ ફેબ્રુઆરીથી યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ચૂંટણી યોજાનાર છે. એટલે કે ૧લી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત બાદ ૭૨ કલાક બાદ ચૂંટણી યોજાનાર છે. મતદાનનાં પરિણામો ૧૧ માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. વિરોધપક્ષોનું કહેવું છે કે બજેટ ચૂંટણી બાદ રજૂ કરવું જોઈએ. અન્યથા સરકાર લોકપ્રલોભક જાહેરાતોથી મતદારોને પ્રભાવિત કરી શકે છે.

કોંગ્રેસનું કહેવું છે કે ચંટણીપંચ એ જુએ છે કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી ન થાય જેનાથી નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન નિષ્ફળ રહે. જોકે ભાજપનું કહેવું છે કે બજેટની તારીખ પાછી ઠેલવવા માટે કોઈ નક્કર કારણ નથી. કારણ કે દર વર્ષે કોઈને કોઈ ચૂંટણી યોજાતી હોય છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં પણ બજેટ ચૂંટણી પહેલાં જ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ એ બંધારણીય પ્રક્રિયા છે.
http://sambhaavnews.com/

You might also like