અાંબાવાડીમાં કરંટ લાગતાં બે મહિલાનાં મોતઃ ટોરેન્ટ પાવર સામે બેદરકારીનો અાક્ષેપ

અમદાવાદ: શહેરમાં ગઈ કાલે સાંજે પડેલા ધોધમાર વરસાદના કારણે લોકોનાં ઘરમાં અને બહાર પણ પાણી ભરાઈ ગયાં હતાં. આંબાવાડી વિસ્તારમાં આવેલા મહેનતપુરાની ચીનુભાઈની ચાલીમાં વીજ કરંટ લાગવાથી બે મહિલાનાં મોત નીપજ્યાં છે. બંને પાડોશી મહિલા કરંટ લાગતાં તેમને બચાવવા જતી મહિલાને પણ કારણે લાગ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બે દિવસ પહેલાં જ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ જમીનમાં કેબલ નાખી ગયા હતા. વરસાદમાં જમીનમાંથી કરંટ બહાર ભરાયેલાં પાણીમાં આવ્યો અને જાળીને અડકતાં મહિલાને કરંટ લાગ્યો હતો. એલિસબ્રિજ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં અનેક જગ્યાએ મ્યુનિ તંત્ર અને ટોરેન્ટ પાવર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા બેદરકારીભર્યાં કામને કારણે લોકોને જીવ ગુમાવવો પડે છે. શહેરમાં ગઈ કાલે સાંજે પડેલા ધોધમાર વરસાદને કારણે આંબાવાડી વિસ્તારમાં આવેલા મહેનતપુરાની ચીનુભાઈની ચાલીમાં ઘરની બહાર પાણી ભરાઈ ગયાં હતાં. 280 નંબરના મકાનમાં રહેતા રતિબહેન જીવરાજભાઈ મહેશ્વરી (ઉ.વ.45) તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુના 282 નંબરના મકાનમાં શાંતાબહેન અશ્વિનભાઈ રાઠોડ (ઉ.વ.39) પણ તેમના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ રતિબહેન રેશનિંગની દુકાનેથી સામાન લઇ ઘરે આવ્યાં હતાં. તેમના ઘરની ચાવી શાંતાબહેનના ત્યાં હતી જેથી તેઓએ ચાવી લઇ અને ઘર ખોલ્યું હતું. રેશનિંગનું કાર્ડ ભૂલી જતાં શાંતાબહેનના ઘરે તેઓ કાર્ડ લેવા ગયાં હતાં.

દરમ્યાનમાં શાંતાબહેનના ઘરની જાળી પકડી અને ઘરમાં જવા જતાં અચાનક જાળીમાં કરંટ લાગ્યો હતો અને રતિબહેન તરફડિયાં મારવા લાગ્યાં હતાં. આ જોઈ અને શાંતાબહેન ઘરમાંથી બહાર દોડી આવ્યાં હતાં અને તેમને બચાવવા જતાં તેઓને પણ કરંટ લાગ્યો હતો. બે મહિલાઓને કરંટ લાગેલો જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેઓને બચાવવા એક વ્યક્તિ પણ પાણીમાં ગઇ હતી પરંતુ તેમને પણ કરંટની અસર થતાં તેઓ પરત આવી ગયા હતાં. બંને મહિલાઓને બચાવવા માટે પાણીમાં લાકડાં નાખી તેઓને બહાર લઇ આવ્યા હતા અને સારવાર માટે વી.એસ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બે દિવસ પહેલાં જ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ જમીનમાં ખોદકામ કર્યું હતું અને કેબલ નાખી ગયા હતા. વાયરિંગ બરાબર ન કરવાના કારણે જમીનમાંથી કરંટ વરસાદમાં બહાર ભરાયેલા પાણીમાં આવ્યો અને જાળીને અડકતાં રતિબહેનને કરંટ લાગ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બનાવ બાદ ટોરેન્ટ પાવરમાં ફોન કર્યો હતો પરંતુ તેઓનો એક પણ કર્મચારી ત્યાં આવ્યો ન હતો. પાવર બંધ કરવા અંગેની જાણ કરવા છતાં મોડી રાત સુધી કરંટ આવતો હતો.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ડી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે જાળીમાં કરંટ લાગવાથી એક મહિલાને બચાવવા બીજી મહિલા ગઈ હતી અને બંનેનાંં કરંટ લાગવાથી મોત થયાં છે. પરિવારજનોના જણાવ્યા મુજબ જમીનમાંથી જાળીમાં કરંટ આવ્યો છે. જેથી જમીનમાં ખોદકામ કરી એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like