ઈલેક્ટ્રિક-CNG વાહનોને પરમિટરાજમાંથી મુક્તિ

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક-સીએનજી વાહનો માટે હવે પરમિટ રાજ ખતમ થઇ જશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારે ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઇંધણોથી ચાલતાં વાહનોને પરમિટ લેવાની જોગવાઇમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

ગડકરીએ જણાવ્યું હતું કે ઓલા-ઉબેર જેવી કંપનીઓ માટે ચોક્કસ પ્રમાણમાં ઇ-વિહિકલ સામેલ કરવાની ફરજિયાત જોગવાઇ કરવામાં આવશે, જેથી ઇ-વિહિકલ્સના ઉપયોગને પ્રોત્સાહિત કરી શકાય.

તેમણે જણાવ્યું હતું કે અમે ઇલેક્ટ્રિક વાહનો અને ઇથેનોલ, બાયોડીઝલ, સીએનજી, મેથનોલ અને જૈવિક ઇંધણ જેવા વૈકલ્પિક ઇંધણથી ચાલતાં તમામ વાહનોને પરમિટની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે દર ત્રણ કિલોમીટરે ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી આપવા એફએએમએ પોલિસીની પણ જાહેરાત કરાશે.

You might also like