મતદાન અવશ્ય કરોઃ ચૂંટણી તંત્ર દ્વારા વાહનો પર સ્ટીકર લગાવાયાં

અમદાવાદ શહેર-જિલ્લામાં અંતિમ મતદાર યાદી મુજબ કુલ પ૪,૯પ,૮પ૯ મતદાર નોંધાયેલા છે. જેમાં ૧૮-૧૯ વર્ષના કુલ ૧,૦૧,રર૭ મતદારો આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. જેમાં ઘાટલોડિયામાં સૌથી વધુ ૩,૭૬,૧પ૯ મતદાર તો બાપુનગરમાં સાૈથી ઓછા ૧,૯૪,૭ર૩ મતદાર નોંધાયા છે. દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા આજથી મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ વાહનો પર સ્ટીકર લગાવાયાં હતાં.

જિલ્લા કલેકટરના હોદ્દાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા લોકસભાની આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી ચૂંટણી આડે હવે જ્યારે ગણતરીના દિવસ બાકી રહ્યા છે તેવા સમયે મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવા શહેર-જિલ્લાની શાળા-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેક સ્થળોએ મતદાન માટેની જન જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

મતદાન જન જાગૃતિ કાર્યક્રમ હેઠળ આજે સવારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા શાહીબાગના ડફનાળા ચાર રસ્તા પાસે વાહનો પર સ્ટીકર લગાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘અમદાવાદના એક પણ મતદાર રહી ન જાય’ તે સૂત્ર હેઠળ આંગળીના ટેરવા પર મતદાન કર્યાનું પ્રતીક દર્શાવતું શાહીનું ટપકું અને તેની નીચે સુગમ નિર્વાચન-ર૦૧૯, ગુજરાત તેમજ ર૩ એપ્રિલ, ર૦૧૯ મંગળવારનો મતદાન દિવસ દર્શાવતી માહિતી ધરાવતા સ્ટીકર તૈયાર કરાયાં છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર અમદાવાદ જિલ્લામાં પાંચ લાખ જેટલાં વાહનો પર મતદાન જાગૃતિ કેળવતા સ્ટીકર લગાવવાનું આયોજન છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ સ્થળોએથી ઝુંબેશમાં જોડાશે.

You might also like