૫૨ વર્ષમાં પ્રથમવાર વિહીપમાં ચૂંટણી યોજાશેઃ પ્રવીણ તોગડિયાને હટાવાશે

નવી દિલ્હી: વિશ્વ હિન્દુ પરિષદમાં લગભગ ૫૨ વર્ષ બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે આગામી ૧૪ એપ્રિલે ગુરુગ્રામમાં ચૂંટણી કરવામાં આવશે. આ પદ માટે બે ઉમેદવાર મેદાનમાં છે. પરિષદના સભ્યોમાં કોઈ એક નામ પર સહમતી નહિ થઈ શકતાં ચૂંટણી કરવાની ફરજ પડી છે.

આ અગાઉ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ગત વર્ષની ૨૯ ડિસેમ્બરે ભુવનેશ્વરમાં વિહિપના સભ્યોની બેઠક મળી હતી. તે વખતે પણ કોઈ એક નામ પર સહમતી સધાઈ શકી ન હતી ત્યારે આ વખતે પણ તે જ બે ઉમેદવાર સામસામે છે, જેમાં વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલના પૂર્વ ગવર્નર અને એમપી હાઈકોર્ટના પૂર્વ જજ વિષ્ણુ સદાશિવ કોકજે મેદાનમાં છે.

આ બંનેમાંથી જે ઉમેદવાર વિજેતા થશે તે વિહિપના આં.રા. કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાનું સ્થાન સંભાળી લેશે. છેલ્લાં કેટલાંક વર્ષથી તોગડિયા વિહિપનો ચહેરો બની બહાર આવ્યા છે ત્યારે આ વખતે આરએસએસના માનીતા ઉમેદવાર આ પદ સંભાળે તેવી શક્યતા છે. બીજી તરફ વિહિપના ચૂંટણીના નિર્ણયથી આરએસએસ, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચેના મતભેદ બહાર આવી ગયા છે.

એક અંદાજ મુજબ તોગડિયા આ પદ માટે રાઘવ રેડ્ડીને સમર્થન આપશે. રેડ્ડી આ પદ માટે સતત ત્રીજી વખત ઉમેદવારી કરી રહ્યા છે, જોકે તેની પાછળ કારણ એ છે કે રેડ્ડીએ આં.રા. કાર્યકારી અધ્યક્ષ માટે બંને વખત તોગડિયાને પસંદ કર્યા હતા.

આ અંગે ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે આ પદ માટે રેડ્ડીએ ઉમેદવારી કરી છે તે યોગ્ય છે, કારણ તેઓ યુવાન છે અને હિન્દુત્વ માટે સમર્પિત છે. આ ઉપરાંત તેમને અશોક સિંઘલે પસંદ કર્યા છે. તેમણે કોકજેની ઉમેદવારી અંગે અચરજ વ્યકત કરતાં જણાવ્યું હતું કે જો કોકજે ચૂંટાશે તો હું સંગઠનમાં નહિ રહું.

You might also like