ચૂંટણીપંચ જાહેર કરશે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ

નવી દિલ્હીઃ ચૂંટણીપંચ આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત કરી શકે છે. ચૂંટણીપંચે આજે બપોરે ૧ર-૩૦ કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે, જેમાં પાંચ રાજ્યનાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થવાની સંભાવના છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં આ વર્ષે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને આ રાજયોમાં ચૂંટણી યોજાવાનું નિશ્ચિત છે, જોકે તેલંગણાને લઇને પણ ચૂંટણીપંચ આજે જાહેરાત કરી શકે છે, કારણ કે ત્યાં પણ વિધાનસભાનું વિસર્જન થઇ ગયું છે.

આ અગાઉ એવા અહેવાલો હતા કે ચૂંટણીપંચ સોમવાર કે મંગળવાર સુધીમાં પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ બોલાવી શકે છે અને તેમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે, પરંતુ ચૂંટણીપંચે સોમવાર-મંગળવાર સુધી રાહ જોવાના બદલે આજે એકાએક પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો નિર્ણય કર્યો છે જેને લઇને હવે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શકયતા પ્રબળ બની છે.

એવું પણ માનવામાં આવે છે કે કર્ણાટક ચૂંટણીની તારીખ પ્રેસ કોન્ફરન્સ પહેલાં જાહેર થઇ ગઇ હતી અને તેથી આ વખતે આવો કોઇ વિવાદ ન છેડાય તે માટે ચૂંટણીપંચે તકેદારીના પગલાંરૂપે અણધારી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની જાહેરાત કરી દીધી છે.

ઉમેદવારનાં ક્રિમિનલ રેકોર્ડની જાહેરાતનું ફોર્મેટ તૈયાર ચૂંટણીપંચે કાયદા મંત્રાલયને ઉમેદવારના ક્રિમિનલ રેકોર્ડની જાહેરાતનું ફોર્મેટ ચકાસવા અનુરોધ કર્યો હતો. ચૂંટણીપંચ આ ફોર્મેટ હવે ઉમેદવારો માટે જારી કરવા માગે છે તેમાં ઉમેદવાર વિરુદ્ધ દાખલ થયેલા કેસની વિગતો જાહેર કરવામાં આવશે એવું ચૂંટણીપંચનાં એક અધિકારીએ જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર નોમિનેશન બાદ પોતાના વિરુદ્ધ પડતર ક્રિમિનલ રેકોર્ડની પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપશે કે જેથી લોકોને તેમના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની જાણ થઇ શકે.

You might also like