ચૂંટણીમાં વેપારીઓને મુશ્કેલી ન થાય તે માટે ઈલેક્શન કમિશનને રજૂઆત

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ટૂંક સમયમાં ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતા છે. જ્યારે દિવાળીના દિવસો પણ નજીક આવી રહ્યા છે. ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીના ખર્ચ અંગેના નિરીક્ષણ અંગેના દિશા સૂચનો થકી ફ્લાઇંગ સ્ક્વોડ, સર્વેલન્સ ટીમ વગેરે દ્વારા કોઇ પણ વાહન તથા વ્યક્તિને અટકાવીને પૂછપરછ કરી તેની સાથે રહેલ રોકડ રકમ તેમજ સોના-ચાંદી, ડાયમંડ જેવી કીમતી વસ્તુને ઝડપી તેની અટકાયત કરી તેની હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈનને આ અંગે રજૂઆત કરી છે.

ગુજરાત ચેમ્બરના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે આ અગાઉ વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મુખ્ય ચૂંટણી અધિકારીને આ પ્રકારની સૂચના અપાઇ હતી ત્યારે હાઇકોર્ટ દ્વારા ઇલેક્શન કમિશનને આ સૂચનાનો અમલ ન કરવા નિર્દેશ કરાયાે હતાે. કમિશન પાસે લેખિતમાં ચોક્કસ માહિતી મળ્યા સિવાય કોઇ પણ વાહન કે વ્યક્તિને રોકીને તેની ઝડતી કે તપાસને લઇને અનધિકૃત રીતે હેરાનગતિ ના કરવાના નિર્દેશ અાપવામાં આવ્યા હતા.

આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શૈલેશભાઇ પટવારીના જણાવ્યા પ્રમાણે ઇલેક્શન કમિશનરને આવનારી ચૂંટણીમાં ચોક્કસ માહિતી સિવાય કોઇ પણ વાહન રોકીને કે બિનજરૂરી પૂછપરછ ન કરવાની રજૂઆત કરાઇ છે, જેના કારણે વેપારીને બિનજરૂરી હેરાનગતિનો ભોગ ના બનવું પડે.

You might also like