પાંચ રાજ્યોની ચૂંટણી મિથક તૂટશે, વિક્રમ સર્જાશે

728_90

ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામ તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ચાર એપ્રિલથી સોળ મે દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાશે. આમાંના એક પણ રાજ્યમાં ભાજપની સત્તા કે મજબૂત હાજરી ન હોવા છતાં અને આ ચૂંટણીનાં પરિણામો કેન્દ્રના સત્તાનાં સમીકરણમાં કોઇ રીતે પ્રભાવી બનવાની શક્યતા ન હોવા છતાં રાષ્ટ્રીય રાજકારણની દશા-દિશાના સંકેત માટે આ ચૂંટણીની મહત્તાને નકારી શકાશે નહીં. ભાજપ આ તમામ રાજ્યોમાં પોતાની પ્રભાવી ઉપસ્થિતિ માટે પ્રયાસ કરશે. બલકે આસામમાં તો ભાજપ સત્તા કબજે કરવાનાં અરમાન સાથે ચૂંટણીમાં ઝુકાવી રહ્યો છે.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં આસામની ૧૪માંથી સાત બેઠકો મેળવનાર ભાજપનો દેખાવ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કેવો રહેશે એ જોવાનું રસપ્રદ બનશે. ભાજપે અહીં અસમ ગણપરિષદ અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ સાથે ચૂંટણી સમજૂતી કરી છે. ૨૦૦૧ની સાલથી આસામમાં સત્તા સંભાળી રહેલી કોંગ્રેસની તરુણ ગોગોઇ સરકારને ચૂંટણીમાં ‘એન્ટિ ઇન્કમબન્સી’ યાને શાસનવિરોધી માહોલનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે અહીં સર્વાનંદ સોનોવાલને પોતાના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે.

બિહારની ચૂંટણીના અનુભવને લક્ષમાં રાખીને આ ચૂંટણીઓમાં વડા પ્રધાનની રેલીઓની સંખ્યા મર્યાદિત રહેવાની છે. બિહારની ચૂંટણીમાં ભાજપના પ્રતિકાર માટે મહાગઠબંધન રચાયું હતું અને ભવ્ય સફળતા મેળવી હતી, પરંતુ બિહાર જેવું સ્વાભાવિક ચૂંટણી જોડાણ આ ચારમાંથી એક પણ રાજ્યમાં શક્ય બન્યું નથી. તામિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે એ વાત સાચી, પરંતુ અહીં પણ એક તબક્કે ડીએમકેએ કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણનો ઇનકાર કરી દીધો હતો.

રાજકીય વ્યવહાર કુશળતામાં માહેર ગુલામનબી આઝાદે એક પ્રયાસ કરવાની તક માગી અને અપાઇ એટલે તેમણે યુપીએના જૂના સાથી પક્ષ સાથે પુનઃ જોડાણ પાકું કરી બતાવ્યું. ભાજપ અન્ના ડીએમકે સાથે એવી સમજુતી કરી શક્યો નહીં. કોંગ્રેસને આ જોડાણથી કેટલો લાભ થશે એ સવાલ છે. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કે ડીએમકેને એક પણ બેઠક મળી ન હતી. ડીએમકે હજુ પણ તેમના નેતાઓ સામેના ભ્રષ્ટાચારના આરોપોમાંથી સંપૂર્ણ મુક્ત થઈ શક્યો નથી. ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે જ તેની ઇમેજ અને મતબેંકને ભારે નુકસાન થયું છે.

જ્યારે મુખ્યપ્રધાન જયલલિતાના પ્રભાવમાં કોઈ ઓટ આવી નથી. ચેન્નાઈમાં ભીષણ પૂરની પરિસ્થિતિ સમયના વહીવટી છબરડાઓએ રાજ્ય સરકારની ઇમેજ બગાડી જરૂર પણ એ અસર મહદંશે ચેન્નાઈ પૂરતી મર્યાદિત રહી છે. જયલલિતા સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસનો આખરી ફેંસલો બાકી છે. ડીએમકેના નેતાઓ પણ ભ્રષ્ટાચારમાં ખરડાયેલા હોવાથી જયલલિતાને આવા મુદ્દે નુકસાન કરી શકે તેમ નથી. તામિલનાડુમાં છેલ્લા ઘણા દાયકાથી પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ રહ્યું છે.

હવે શહેરી વિસ્તારોના મતદારો આ પક્ષોથી વિમુખ થઈને નવા વિકલ્પ તરફ વળી રહ્યા હોવા છતાં હજુ પ્રાદેશિક પક્ષોને પરાસ્ત કરી શકાય એટલો વ્યાપક પ્રભાવ સર્જી શક્યા નથી. એથી આ ચૂંટણીમાં એવા કોઈ નવા વિકલ્પની સંભાવના નથી.

કોંગ્રેસ અને ડાબેરી પક્ષો- બંને માટે પશ્ચિમ બંગાળ અને કેરળ મહત્ત્વનાં રાજ્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સામે સંયુક્ત લડત આપવા કોંગ્રેસ અને ડાબેરી મોરચાએ હાથ મિલાવવા જોઈએ એવી વાત વહેતી થઈ હતી.

ડાબેરીઓની પ્રબળ ઇચ્છા છતાં કોંગ્રેસ જાહેરમાં સત્તાવાર રીતે ડાબેરી પક્ષો સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર નથી. બંને વચ્ચે પડદા પાછળ કોઈક પ્રકારની સમજૂતી આકાર લઈ રહી હોવાના અહેવાલ છે. કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે સીધી સ્પર્ધા હોય છે. એ સ્થિતિમાં પણ કોંગ્રેસ માટે પશ્ચિમ બંગાળની સમજૂતી કેરળમાં નુકસાનકારક પુરવાર થઈ શકે છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની ઓમાન ચાંડીની સરકાર સત્તા ટકાવી રાખવાનો જંગ લડે છે.

મુખ્યપ્રધાન અને રાજ્ય સરકાર સામે સોલર એનર્જી કૌભાંડના ગંભીર આક્ષેપો વચ્ચે કોંગ્રેસે ચૂંટણી લડવાની છે. કેરળનો ઘટનાક્રમ એવો રહ્યો છે કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતૃત્વ હેઠળના ગઠબંધન અનુક્રમે યુડીએફ અને એલડીએફ વારાફરતી ચૂંટણીમાં વિજેતા બને છે. મતલબ દર પાંચ વર્ષે કેરળમાં શાસન બદલાઈ જાય છે. આ વખતે યુડીએફને ફરી વિજેતા બનાવીને ઓમાન ચાંડી આ મિથકને તોડી શકશે કે કેમ? એ જ મહત્ત્વનો સવાલ છે.

ડાબેરી પક્ષોએ તેમના બે પ્રતિસ્પર્ધી વયોવૃદ્ધ નેતાઓ ૯ર વર્ષના અચ્યુતાનંદ અને ૭૧ વર્ષના કે.પી.વિજયનને ટિકિટ આપી છે. પણ વિજયની સ્થિતિમાં વિજયન સરકારનું નેતૃત્વ સંભાળશે એ નિશ્ચિત્ત છે. પૂર્વ મુખ્યપ્રધાન અચ્યુતાનંદની લોકપ્રિયતાને કારણે તેમની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. કેરળમાં ભાજપે ભારતીય ધર્મજન સેના સાથે હાથ મિલાવ્યા છે. ભાજપનો પ્રયાસ કેરળમાં પોતાનાં પોકેટ્સ નિર્માણ કરવાનો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ વિધાનસભામાં પ્રભાવી ઉપસ્થિતિ મેળવવા પ્રયત્નશીલ બન્યો છે. ભાજપને રાજ્યમાં લોકસભાની ચાર બેઠકો મળી હતી. ડાબેરીઓ માટે તો પશ્ચિમ બંગાળ અને કેરળમાં તેમના કિલ્લા હસ્તગત કરવાની લડાઈ છે. પશ્ચિમ બંગાળમાં પૂર્વ મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય હવે ચૂંટણી લડવા ઈચ્છુક ન હોવા છતાં ડાબેરી મોરચા પાસે તેમની સમકક્ષ અન્ય કોઈ લોકપ્રિય નેતા નથી. આ ચૂંટણીમાં પણ બુદ્ધદેવ જ ડાબેરી મોરચાનું નેતૃત્વ કરશે.

મમતા બેનરજીને સારદા કૌભાંડ સૌથી મોટું નડતર છે. રાજ્યમાં પાંચ વર્ષમાં અપેક્ષિત પરિવર્તન લાવવામાં અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં મમતા નિર્બળ પુરવાર થયાં છે. બહુપાંખિયા ચૂંટણીજંગમાં તેમની આકરી કસોટી થવાની છે. પશ્ચિમ બંગાળનું ચૂંટણી રાજકારણ હિંસાના ઓછાયા હેઠળ જ ખેલાય છે. મમતા બેનરજીને ન ગમ્યું હોવા છતાં ચૂંટણીપંચે આ જ કારણસર સલામતી અને સુરક્ષાના હેતુસર રાજ્યમાં છ તબક્કામાં મતદાન આયોજિત કર્યું છે.

કેન્દ્રશાસિત પુડુચેરીમાં ર૦૧૧માં કોંગ્રેસમાંથી બળવો કરીને પોતાનો અલગ પ્રાદેશિક પક્ષ એનઆર કોંગ્રેસ બનાવનાર રંગાસામી પોતાનું શાસન ટકાવી રાખવા પ્રયાસ કરશે. જ્યારે કોંગ્રેસ અહીં ફરી સત્તા કબજે કરવા જોર અજમાયેશ કરશે.

એકંદરે આસામને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ભાજપ માત્ર પોતાનો જનાધાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે અન્ય પક્ષો પોતપોતાના પ્રભુત્વને ટકાવી રાખવાના અને સત્તામાં પુનઃસ્થાપિત થવાના પ્રયાસમાં કેટલા સફળ બન્યા છે એ ૧૯ મેના પરિણામોમાં જોઈ શકાશે.

You might also like
728_90