ચૂંટણી ભંડોળ અને ડોનેશનની ખરેખર સાફસૂફી થશે ખરી?

નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કરતી વખતે રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા ફંડમાં એક વ્યકિતને હવે ર,૦૦૦ની રોકડ રકમ ફંડ તરીકે આપી શકાશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે સરકારનાં આ પગલાંને ક્રાંતિકારી પગલાં તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બીજી તરફ આ અંગે એવી ચર્ચા ચાલે છે કે ખરેખર શું આ નિર્ણયનો વાસ્તવિક અમલ થઈ શકશે ખરો? અને છેલ્લાં કેટલાયે વર્ષથી રાજકીય નેતાઓને મળનારી આવી રકમની અથવા ડોનેશનની સાફસૂફી થઈ શકશે ખરી? હાલ તો આ નિર્ણયને ભાજપના સાસંદો અને અન્ય નેતાઓ આવકારી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં આ નિર્ણય વાસ્તવિક રીતે અમલી બનશે કે કેમ તે અંગે હાલ અનેક અટકળો ચાલી રહી છે.
સરકારે આ નિર્ણય કર્યો છે તેને નવી ક્રાંતિ લાવનારો નિર્ણય માનવામાં આવે છે ત્યારે ખરેખર આ બાબતે આગામી દિવસમાં શું થાય છે તે અંગે પણ વિવિધ અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ, ભાજપ, સીપીએમ, ટીએમસી, સમાજવાદી પાર્ટી અને બીએસપી સહિતની અન્ય પાર્ટીના નેતાઓ પણ જાણે છે કે આવા નિર્ણયથી કોઈપણ પાર્ટીને કોઈ જ નુકસાન થવાનું નથી. આ બજેટ પ્રસ્તાવને ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવી શકે છે કે આ તમામ પાર્ટીઓને આવા નિર્ણય બાદ પણ અગાઉ જે રીતે રોકડ ફંડ મળતું હતું તે મળતુ જ રહેવાનું છે અને કાળું નાણું પણ અગાઉ જે રીતે મળતું હતું તેમ જ મળતું રહેશે. તેથી બજેટમાં થયેલા આવા પ્રસ્તાવની કોઈ ખાસ અસર નહિ થાય તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. કાળુ નાણું પણ અગાઉની જેમ ચૂંટણી ફંડમાં જમા થતું જ રહેશે તેના પર ચૂંટણીપંચ પણ કોઈ ખાસ પગલાં કે કાર્યવાહી કરી નહિ શકે તે જે તે રાજકીય પક્ષના નેતાઓ સારી રીતે જાણે છે.

સવાલ એ છે કે આવી શક્યતા હોવા છતાં બજેટ પ્રસ્તાવમાં આ અંગે મર્યાદા જાહેર કરી સરકાર શું સાબિત કરવા માગે છે તે સમજાતું નથી. કારણ કે કોઈપણ રાજકીય પક્ષ ફંડ વિના ચૂંટણી લડી શકતા નથી તે અેક હકીકત છે. ત્યારે આ બાબતે અેક સવાલ એ પણ છે કે આવી જાહેરાત કરવાનો અર્થ શું ગણી શકાય ? જોકે અત્યાર સુધી ચૂંટણી લડતા રાજકીય પક્ષને આપવામાં આવતા ફંડની મર્યાદા રૂ.ર૦,૦૦૦ હતી તેને ઘટાડીને નાણાપ્રધાને રૂ.ર,૦૦૦ કરી છે. તેની પાછળ એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે રાજકીય પાર્ટીઓેને જે ફંડ આપવામાં આવે છે તે ફંડની રકમ કાળાં નાણાં દ્વારા આવે છે તેથી કાળાં નાણાં પર અંકુશ લાવવા સરકારે આવો નિર્ણય લીધો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે એવો બીજો પણ સવાલ છે કે જે તે રાજકીય પાર્ટીના કાર્યકરો કે નેતાઓ અેવા દસ કે વીસ લોકો શોધી નહિ શકે કે તેઓ પાર્ટીને ચૂંટણી ફંડની રકમ આપી ન શકે? દસ કે વીસ વ્યકિત અલગ અલગ રીતે રકમ આપે તો પણ જે તે પાર્ટીનો ટાર્ગેટ પુરો થઈ શકે તેમ છે. તેથી તે રીતે નાણાપ્રધાને બજેટમાં જે જાહેરાત કરી છે તે મુજબ રૂ.ર,૦૦૦-ર,૦૦૦ની રકમ અલગ રીતે લઈ શકાય તેમ છે. તેથી આવી જાહેરાત કરવા પાછળનો હેતુ સરી શકે તેમ લાગતું નથી. ખરેખર કાળાં નાણાં પર અંકુશ લાવવો જ હોય તો આવા ફંડ માટેના નિયમોને વધુ કડક બનાવવાની જરૂર છે.

જેટલીએ ભાષણમાં જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ ચેક અથવા ડિજિટલ પેમેન્ટથી ફંડ લઈ શકશે. ત્યારે સવાલ અે છે કે શું અત્યાર સુધી આવું ફંડ લેવા પર પ્રતિબંધ હતો. ફંડ તો લેવામાં આવે જ છે. પણ તેને કેવી રીતે લેવો તે અંગે સ્પષ્ટતા કરવાની આવશ્યકતા હોય તેમ લાગતું નથી. ડાબેરીઓ અને સીપીએમ (કે જે તેમના સિદ્ધાંતોના કારણે ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લેતી નથી. પણ તેમના પ૩ ટકા ફંડના સ્રોત અંગે કોઈ જ માહિતી નથી) ત્યારે તે કહે છે કે ચૂંટણી પંચની દેખરેખ હેઠળ અેક ચૂંટણી ફંડ બનાવવામા આવે જ્યા જે તે લોકો આવી ફંડની રકમ જમા કરાવી શકે. અને બાદમાં જે તે પાર્ટીને આવી રકમ આપવામાં આવે તો તેનાથી ખ્યાલ આવી શકશે કે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું છે. સરકાર રાજકીય પાર્ટીઓને બોન્ડ દ્વારા ફંડ આપવાની છૂટ આપી રહી છે અેટલે કે તેમાં કોઈપણ માન્ય બેન્કમાંથી બોન્ડ ખરીદી શકાશે. અને તે જે તે પાર્ટીને દાનમા આપી શકાશે. આવી જાહેરાતથી ઉદ્યોગપતિઓ ખુશ જણાય છે કારણ કે આ રીતે રકમ આપવાથી તેમની ઓળખ પણ બહાર આવી નહિ શકે. એક ઉદ્યોગપતિએ એમ પણ જણાવ્યુ‌ં હતું કે જે રીતે મત ખાનગી છે તેમ આવી ફંડની રકમ આપવાનું ખાનગી રહે તે એક સારી વાત ગણી શકાય. અામ રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા ફંડ અંગે બજેટમાં થયેલી જાહેરાતથી અનેક સવાલો થઈ રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like