ચૂંટણીમાં પરાજય છતાં રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની હિલચાલ

નવી દિલ્હી: પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તાજેતરમાં કોંગ્રેસનો ઘોર પરાજય થવા છતાં રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ બનાવવા હિલચાલ શરૂ થઈ ગઈ છે. આ અંગે પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાઅે રાહુલને અધ્યક્ષ બનાવવાની વાતને મુલતવી રાખવાના સવાલને ફગાવી દેતાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં પરાજ્ય છતાં રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવશે.

રાહુલ ગાંધીના અત્યંત નજીકના ગણાતા અેક કોંગ્રેસી નેતાઅે નામ ખાનગી રાખવાની શરતે જણાવ્યું હતું કે શક્ય તેટલી ઝડપથી રાહુલને પ્રમોશન આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં પણ ટૂંક સમયમાં ફેેરફાર કરવામાં આવશે. આ અગાઉ પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે રાહ‌ુલ ગાંધી આ વર્ષે કોંગ્રેસન‌ું પ્રમુખપદ સંભાળે તેવી પાર્ટીને આશા છે.

સૂરજેવાલાઅે જણાવ્યું હતું કે દરેક ચૂંટણીમાં અલગ મુદ્દા હોય છે. અમે કોઈ અેક વ્યક્તિ તરુણ ગોગોઈ અથવા ઓમાન ચાંડીની જેમ રાજ્યની ચૂૂંટણીને જોતા નથી. અમારે જે રાજ્યમાં વધુ મહેનત અને સારી કામગીરી કરવાની છે તેનાં કારણોનું વિશ્લેષણ કરીશું. અમે સૌહાદપૂર્ણ વાતાવરણમાં કામ કરવા માગીએ છીઅે.

દરમિયાન ચાર રાજ્યમાં કોંગ્રેસના પરાજય બાદ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવાની માગણી થઈ રહી છે.  હારથી નારાજ કાર્યકરોનું કહેવું છે કે અેઆઈસીસી સંગઠનમાં નવા લોકોને તક આપવી જોઈઅે. બીજી તરફ અેવું માનવામાં આવી રહ્યું છે કે હારથી નિરાશ થયેલા પક્ષના કાર્યકરોને ફરી ઉત્સાહમાં લાવવા પાર્ટી રાહુલને પક્ષના પ્રમુખ બનાવે તેવી સંભાવના છે. આ ઉપરાંત અેઆઈસીસીમાં જે તે પદાધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમના પદમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. પક્ષના સંગઠનમાં પણ પરિવર્તન કરવામાં આવે તેવી સંભાવના છે.

You might also like