ચૂંટણી આચારસંહિતા હળવી થતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફાર

ગઇ કાલે લોકસભાની અમદાવાદ શહેર જિલ્લાની ત્રણ બેઠક સહિત રાજ્યની તમામ ર૬ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતી ગયા બાદ જિલ્લા ચૂંટણી પંચના સત્તાવાળાઓએ થોડોક હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ ચૂંટણી આચારસંહિતા હળવી થવાથી મ્યુનિસિપલ તંત્રમાં વહીવટી ફેરફાર તોળાઇ રહ્યા છે.

આમ તો આગામી તા.ર૩ મેના રોજ ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ ચૂંટણી આચારસંહિતાની અમલવારી ઊઠી જશે. એટલે હજુ આદર્શ ચૂંટણી આચારસંહિતા મુજબ એક મહિના સુધી અમદાવાદ કોર્પોરેશનમાં આચારસંહિતા ચાલુ રહેશે.

જોકે ચૂંટણી સંપન્ન થવાના કારણે ચૂંટણી આચારસંહિતા અમુક અંશે હળવી બની હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓ ચૂંટણી પંચ પાસેથી લીલી ઝંડી મેળવીને વહીવટી તંત્રમાં ફેરફાર કરી શકશે. આના કારણે આગામી દિવસોમાં હેલ્થ, ઇજનેર, એસ્ટેટ જેવા વિભાગમાં ઉચ્ચ સ્તરેથી પત્તાં ચિપાઇને બદલીના ઓર્ડર નીકળે તેવી શક્યતા છે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં ‘ઝીરો અવર’ દરમ્યાન કમિટીના સભ્યો શહેરના પ્રશ્નો અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરતા હતા.

જેના કારણે અમુક લંબિત પ્રશ્નોમાં સત્તાવાળાઓ હરકતમાં આવતા હતા તો કેટલીક નવી સમસ્યાથી તંત્ર વાકેફ થતું હતું. જોકે આચારસંહિતાના કારણે સ્ટેન્ડિંગ કમિટીમાં ‘ઝીરો અવર’ પર ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાયું હતું. જે હવે આચારસંહિતા હળવી થતાં શક્ય બનશે. અન્ય કમિટીઓમાં પણ ‘ઝીરો અવર’ લઇ શકાશે. એટલે ચૂંટણી પત્યા બાદ હવે જેે તે કમિટીમાં જે તે સભ્યો મોકળાશપણે શહેરના કે વોર્ડના પ્રશ્નોને રજૂ કરી તંત્રને જવાબદેહ કરી શકશે.

You might also like