ચૂંટણીપંચે મમતા બેનરજીની નજીકના ઘણા પોલીસ અધિકારીની બદલી કરી

(એજન્સી) નવી દિલ્હી: ચૂંટણીપંચે ગઈ કાલે બે મોટી કાર્યવાહી કરી, જેમાં એક આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ અનિલચંદ્ર પુનેઠાને તાત્કાલિક હટાવવાના આદેશ આપવાની સાથે પંચે કોલકાતાના પોલીસ કમિશનર સહિત પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીના નજીક મનાતા ઘણા પોલીસ અધિકારીઓની બદલી કરી હતી.

ચૂંટણીપંચ પાસે આંધ્રના મુખ્ય સચિવ અનિલચંદ્ર પુનેઠા વિરુદ્ધ રાજકીય પક્ષપાત સહિતની ફરિયાદો આવી હતી. ત્યારબાદ પંચે રાજ્ય સરકારને આદેશ આપ્યાે કે ૬ એપ્રિલે સવારના ૬.૦૦ વાગ્યા સુધી પુનેઠાની બદલી બિનચૂંટણીની જવાબદારીવાળા હોદ્દા પર કરવામાં આવે. બાકી કાર્યવાહી તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે.

આ ઉપરાંત કોલકાતા પોલીસ કમિશનર અનુજ શર્માની પણ બદલી કરાઈ છે. તેમની જગ્યાએ રાજેશકુમારને જવાબદારી સોંપાઈ છે. સીબીઆઈ વિરુદ્ધ ધરણાં દરમિયાન અનુજ શર્મા મુખ્યપ્રધાન મમતા બેનરજી સાથે દરેક સમયે હાજર હતા. અનુજ શર્મા વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરાઈ હતી.

કોલકાતા પોલીસ કમિશનર ઉપરાંત મમતાના વધુ એક નજીક ગણાતા વિદ્યાનગરના પોલીસ કમિશનરની પણ બદલી કરી દેવાઈ છે. નટરાજન રમેશબાબુને નવા પોલીસ કમિશનર બનાવાયા છે, સાથે વીરભૂમ અને ડાયમંડ હાર્બનના એસ.પી.ની પણ બદલી કરાઈ છે. અવન્નુ રવીન્દ્રનાથને વીરભૂમ અને શ્રીહરિ પાંડેને ડાયમંડ હાર્બર મોકલાયા છે.

You might also like