ચૂંટણી પંચે ભાવ બાંધ્યાઃ અડધી ચાના રૂ.10, ગુજરાતી થાળી રૂ.120

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભા બેઠક માટે ૨૩મી એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર ખર્ચ ગત લોકસભા ચૂંટણી જેટલો જ એટલે કે રૂ.૭૦ લાખ સુધીનો કરી શકે તેવી જોગવાઇ છે. આ સાથે દરેક ચીજવસ્તુના લઘુતમ ભાવ પણ નક્કી કરી દીધા છે.

જે મુજબ આ ચૂંટણીમાં ઉમેદવારે અડધી ચાના રૂ.૧૦ અને ભોજનમાં ગુજરાતી થાળીના રૂ.૧૨૦ ખર્ચમાં બતાવવા પડશે. ગત ચૂંટણી કરતાં આ વખતે નાસ્તો અને જમણ ૧૫થી ૧૫૦ ટકા જેટલા મોંઘા થયા છે. ચૂંટણી વિભાગે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા વિવિધ ખર્ચના આંકડા મંગાવી દરેકના ભાવ નક્કી કર્યા છે.

જેમાં સાઉન્ડ સિસ્ટમથી માંડી બેસવાની ખુરશી, બેનર, હેન્ડબિલ, ટોપી, વીડિયોગ્રાફી, વાહનો ભાડે રાખવાં, જગ્યા ભાડે રાખવી વગેરે જેવી ૯૦થી વધુ બાબતો અને ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે અને તે ભાવ પ્રમાણે જ ઉમેદવારના ખર્ચમાં નોંધ કરવામાં આવશે. ચા, નાસ્તો અને ગુજરાતી થાળી સિવાયના મોટાભાગની વસ્તુઓનાં ભાડાં-ખર્ચમાં બે-પાંચ ટકાનો વધારો કરાયો છે.

વર્ષ ૨૦૧૪માં કટિંગ ચાના રૂ.૦૫, આખી ચાના રૂ.૧૦ અને નાસ્તાના રૂ.૨૦ નક્કી કરાયા હતા. જે વર્ષ ૨૦૧૯માં કટિંગ ચાના રૂ.૧૦, આખી ચાના રૂ.૧૫ અને નાસ્તાના રૂ.૩૦ નક્કી કરાયા છે. ગુજરાતી થાળી વિથ ફિસ્ટના રૂ.૧૨૦ ગણાશે. સાઉન્ડ સિસ્ટમ રૂ.૨૫૦૦૦, સીલિંગ ફેન રૂ.૧૫૦, રૂ.૨૦૦, પેડલ ફેન રૂ.૪૫૦, રૂ.૨૫૦, જનરેટર રૂ.૭૫૦, રૂ.૧૦૦૦,હેન્ડબિલ રૂ.૪૫૦, રૂ.૫૦૦,ખાદી ટોપી રૂ.૨૮ રૂ.૩૦, કેપ રૂ.૩૫, રૂ.૪૦, ગુજરાતી થાળી રૂ.૧૦૦ રૂ.૧૨૦, કિંગ ચા રૂ.૦૫ રૂ.૧૦ આખી ચા રૂ.૧૦, રૂ.૧૫, નાસ્તો રૂ.૨૦, રૂ.૩૦ આઇસ્ક્રીમ રૂ ૨૦, મિનરલ પાણી (૫૦૦એમએલ) ૦૬થી ૧૦, ટીવી ભાડે રાખવા (એક દિવસ) ૧૯૯થી ૩૦૦, પ્રોજેક્ટર (એક દિવસ) ૯૦૦, લેપટોપ ભાડે રાખવા (એક દિવસ) ૮૦૦, પ્રિન્ટર ભાડે (એક દિવસ)૭૦૦, વીડિયો કવરેજ (ચાર કલાક) ૪૦, હોર્ડિંગ્સ (એક સ્કેવર ફીટ, ૨૪ કલાકના) ૫૦, વ્હાઇટ ફૂલ પ્લેટ રૂ ૨૫,વ્હાઇટ ક્વાર્ટર પ્લેટ રૂ ૨૦ વ્હાઇટ હાફ પ્લેટ રૂ ૧૮, ચમચી રૂ ૩, થર્મોસ ૫૦૦ એમ એલ, રૂ ૪૦૦, ૫ લિટર થર્મોસ રૂ ૯૦૦, ટી એન્ડ કોફી વેન્ડિંગ મશીનના રૂ ૫૦૦૦નો ભાવ નક્કી કરાયો છે.

લોકસભા ચૂંટણીમાં પ્રચાર – પ્રસાર કરે તે અંગેના ખર્ચ ચૂંટણી પંચ રજૂ કરે ત્યારે નિયત કરાયેલા ભાવ પ્રમાણે જ ઉમેદવારે ખર્ચ રજૂ કરવાનો રહેશે. તમામ રાજકીય પક્ષોના આગેવાનોને ચૂંટણી ખર્ચ અંગેનું ભાવપત્રક આપી દેવામાં આવ્યું છે તેની સાથે લિસ્ટમાં જે ભાવ જણાવ્યા છે તે મુજબ જ ખર્ચ કરવાની ચૂંટણી પંચે સૂચના આપી છે.

You might also like