ઉમેદવારોએ ચૂંટણીપંચને ટિ્વટર-ફેસબુક એકાઉન્ટની માહિતી આપવી પડશે

728_90

નવી દિલ્હીઃ સરકારે ચૂંટણીને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં આગામી દિવસોમાં ઉમેદવારો માટે જે ઉમેદવારીપત્ર ભરવાનું થાય છે તેમાં કેટલાક વધારાના સવાલ સામેલ કર્યા છે. ચૂંટણીપંચે ઉમેદવારીપત્ર ભરવાના નિયમમાં ફેરફાર કરી જે તે ઉમેદવારોએ હવે ફેસબુક અને ટિ્વટર સહિત સોશિયલ મીડિયા પરના તેમના એકાઉન્ટ અંગેની માહિતી આપવાની રહેશે.

ચૂંટણીપંચે આ અંગે કેન્દ્રીય કાયદા મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ ઉમેદવારી અંગેના નિયમોમાં વિવિધ પ્રકારના ઉમેદવારી ફોર્મમાં કેટલાક વધારાના સવાલ સામેલ કરીને ઉમેદવારો માટે સોશિયલ મીડિયા પર તેમનાં વિવિધ અેકાઉન્ટ અંગે માહિતી આપવી ફરજિયાત બનાવી છે. આ અંગે મંત્રાલય દ્વારા નવા નિયમો લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આ‍વ્યું છે, જેમાં ચૂંટણીના નિયમ-૧૯૬૧ હેઠળ ઉમેદવાર દ્વારા ભરવામાં આ‍વતા ફોર્મ-૨૬માં સોશિયલ મીડિયા સંબંધી માહિતીનું કોલમ ઉમેરવામાં આવ્યુ છે, જેમાં ઉમેદવારોને તેમનો ટેલિફોન નંબર અને ઈ-મેઈલ આઈડી ઉપરાંત ત્રણ સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગેની માહિતી આપવી પડશે, જેમાં ટિ્વટર, ફેસબુક આઈડી અને ઈન્સ્ટાગ્રામ અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટની આઈડી આપી શકાશે.

જેમાં ફોર્મ-૨૬માં જ ઉમેદવારને તેમની અને જીવનસાથીની આવકના સ્રોત અંગેનો ખુલાસો કરવો પડશે. આ માટે ઉમેદવારી માટે ફોર્મ ૨-એમાં આઠ સવાલ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ઉમેદવારને રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં લાભના પદ પર તહેનાતી અંગે માહિતી આપવી પડશે. સાથોસાથ એ પણ જણાવવું પડશે કે શું તેમની સામે અદાલતમાં દેવાળિયાનો આરોપ હતો કે કેમ? તેમણે એ પણ જણાવવાનું રહેશે કે તેમને અગાઉ લોકપ્રતિનિધિત્વ કાનૂન હેઠળ રાષ્ટ્રપતિ અથવા ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી લડવામાં અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા કે નહિ ? સાથોસાથ એ પણ જણાવવાનું રહેશે કે સરકારી નોકરી દરમિયાન તેમને ભ્રષ્ટાચારના આરોપસર અગાઉ બરતરફ કરવામાં આવ્યા હતા કે કેમ? આવી તમામ માહિતી ઉમેદવારે ફરજિયાત આપવાની રહેશે.

http://sambhaavnews.com/

You might also like
728_90