કોણીની કાળાશ

દૂર કરવાના ઘરગથ્થુ નુસખા
વેક્સ કરવાથી હાથની રુવાંટી અને કાળાશ દૂર થાય છે પણ કોણીની કાળાશ દૂર કરવા માટે વિશેષ ધ્યાન આપવું પડે છે. હાથ ટેકવીને બેસવાને કારણે અને કેટલીક વાર કોણીની ત્વચા પર ધ્યાન ન આપવાને કારણે કોણીની ત્વચા કાળી અને બરછટ બની જાય છે અને હાથની ત્વચા કરતાં અલગ દેખાઇ આવે છે. કોણીની કાળાશ દૂર કરવા અને સુંવાળી બનાવે એવા કેટલાંક ઘરગથ્થુ ઉપચારની વાત કરીએ.

કોપરેલ
કોપરેલમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ઈ હોય છે. કોપરેલ ત્વચાની અંદર જઇને ત્વચામાં રહેલી ક્ષતિઓને દૂર કરવાનું કામ કરે છે અને ત્વચાને પોષણ બક્ષે છે. નાળિયેરના તેલથી કોણી પર થોડી વાર સુધી માલિશ કરો. દિવસમાં બે વાર માલિશ કરવાથી થોડા જ દિવસોમાં તમને કોણીની કાળાશ દૂર થતી જોવા મળશે. આ ઉપરાંત નાળિયેરના તેલમાં અખરોટનો પાઉડર ઉમેરીને સ્ક્રબ તૈયાર કરો. આ સ્ક્રબ કોણી પર લગાવવાનું રાખો.

લીંબુ
લીંબુ પ્રાકૃતિક બ્લીચિંગનું કામ કરે છે. લીંબુ વિટામિન સીથી ભરપૂર છે, જે ત્વચામાં રહેલા મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે અને ત્વચા નિખારે છે. કોણીની કાળાશ દૂર કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. લીંબુનો રસ લગાવવાથી કોણીની કાળાશ દૂર થાય છે. આ ઉપરાંત લીંબુના રસમાં મધ મેળવી એ મિશ્રણને કોણી પર લગાવી શકાય છે. આ મિશ્રણ વીસ મિનિટ સુધી રાખ્યા બાદ સ્વચ્છ પાણીથી ધોઇ લો. રોજ આ મિશ્રણ લગાવવાથી કોણીની કાળાશ થોડા દિવસોમાં જ દૂર થઇ જશે.

દહીં
દહીંમાં લીંબુનો રસ ઉમેરી તેને ચહેરા, ગરદન, કોણી, એડી અને હાથ પર લગાવવાથી ત્વચા ચમકી ઊઠે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ બ્લીચિંગનું કામ કરે છે. દહીંમાં એક ચમચી સરકો ઉમેરી આ પેસ્ટને થોડી વાર સુધી કોણી પર લગાવી રાખો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ નાખો અને કોણી પર મોઇશ્ચરાઇઝર લગાવી દો. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર આ પ્રયોગ કરવાથી કોણીની ત્વચાનો રંગ ખીલી જશે. ચણાના લોટમાં દહીં મિક્સ કરી તેને કોણી પર લગાવવાનું રાખો.

બેકિંગ સોડા
બેકિંગ સોડામાં એક ચમચી દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને આંતરે દિવસે કોણી પર લગાવવાનું રાખો. મિશ્રણને થોડી મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ હૂંફાળા પાણીથી કોણી સાફ કરી લો. થોડા દિવસો સુધી આ પ્રક્રિયા કરવાથી કોણીની ત્વચાનો રંગ નિખરવા લાગશે.

કુંવારપાઠું
કુંવારપાઠું ત્વચાને પોષણ અને તાજગી આપે છે. સાથે જ લાવણ્ય પણ બક્ષે છે. કુંવારપાઠાના ગરને અડધો કલાક સુધી કોણી પર લગાવી રાખો અને ત્યારબાદ પાણીથી સ્વચ્છ કરી લો. થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી કોણીની કાળાશ દૂર થવા લાગશે. કુંવારપાઠાનો નિયમિત રીતે ઉપયોગ કરતા રહો.

You might also like