ટાંકીની દુર્ઘટના બાદ બંધ એકતા ફ્લેટમાંથી પંખા, નળ, શાવરની ચોરી

અમદાવાદ: શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એકતા ફ્લેટના ધાબા પરની પાણીની ટાંકી ધરાશાયી હોવાની ઘટના બાદ આ ફ્લેટને સીલ કરી દેવામાં આવ્યો છે. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા શખસોએ જે ઘરમાં પાણીની ટાંકી તૂટી હતી બાકોરું થયું હતું તે ઘરમાં બાકોરામાંથી અથવા અન્ય રીતે ઘૂસી સીલિંગ ફેન, બાથરૂમના નળ અને શાવર ચોરી ફરાર થઇ ગયા છે. જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે.

ર૪ ઓગસ્ટના રોજ શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એકતા ફ્લેટના ધાબા પરની પાણીની ટાંકી ત્રણ માળના મકાનને વીંધી ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં પહેલા માળે રહેતા વિનોદભાઈ વ્યાસ (ઉ.વ ૬૦) સહિત બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.

હાઉસિંગ બોર્ડના આ મકાન હતા અને ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ફ્લેટને સીલ મારી દીધો હતો. દરમ્યાનમાં જે ત્રણ મકાનને વીંધીને ટાંકી તૂટી ગ્રાઉન્ડ ફ્લોર પર હતી તેમાં પ્રથમ માળે રહેતા વિનોદભાઈનું મકાન બંધ હતું. થોડા દિવસ અગાઉ તેમના સંબંધી ઘર ખોલી આણંદ ગયા ત્યારે મકાનમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘૂસી છ સીલિંગ ફેન, બાથરૂમના નળ અને શાવર ચોરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. તૂટેલા અને ખુલ્લા મકાનનો લાભ લઇ કોઈ વ્યક્તિએ ચોરી કરી લેતાં અન્ય બે મકાનની સલામતી સામે પ્રશ્ન ઊભા થયા છે.

You might also like