સ્વયંભૂ એકલિંગજી મહાદેવ, જેના આશિર્વાદથી મેવાડ અજેય રહ્યું છે

આપણાં ભારતમાં અનેક શિવતીર્થો આવેલાં છે. કેટલાંક પ્રસિદ્ધ છે. આવું જ એક પ્રસિદ્ધ શિવતીર્થ એટલે ‘એકલિંગજી મહાપ્રભુ’. જ્યાં અનેક દેવો,ગાંધર્વો, ઋષિઓએ તપશ્ચર્યા કરી છે. એવું આ તીર્થ પવિત્ર અને સ્વયંભૂ છે.‘એકલિંગજી મહાપ્રભુ’નું તીર્થ સ્થાન ઉદયપુરથી ઉત્તરમાં રાષ્ટ્રીય ઘોરીમાર્ગ ૮ ઉપર ૨૩ કિ.મી. દૂર આવેલ છે.

અરવલ્લીની આ સોહામણી પહાડીઓથી ઘેરાયેલું આ તીર્થ અત્યંત રમણીય, મનોહર, ભાવનાત્મક છે. કહેવાય છે કે ૧૪૦૦ હજાર વર્ષ પૂર્વે ‘હારિત’ ઋષિના કહેવાથી મેવાડ વંશના રાજાએ આ સ્વયંભૂ લિંગને શોધ્યું હતું. તેના પર પોતાની ગાય દૂધનો અભિષેક કરતી હતી એ વાતની જાન બાપ્પા રાવળને ખબર પડી. ત્યાર બાદ મેવાડના રાજાઓ પોતાને ‘એકલિંગજી દાદા’ના મંત્રીઓ ગણાવે છે. આ ‘એકલિંગજી દાદા’ની કૃપાથી મેવાડ અભેદ્ય અને અજેય રહ્યું છે.

સતયુગમાં એકલિંગજી લિંગાકાર હતા ત્યારબાદ મહારાણા ‘રાયમલજી’એ શ્યામ પાષાણથી ચતુર્મુખ શ્રીવિગ્રહની સ્થાપના કરી. દરરોજ લગભગ ચાર પ્રહર આ ચારે મુખની પૂજા આરતી થાય છે. પૂર્વ મુખ સૂર્ય, દક્ષિણ મુખ રુદ્ર સ્વરૂપ, પશ્ચિમ મુખ બ્રહ્માજી અને ઉત્તર મુખ વિષ્ણુ સ્વરૂપે પૂજાય છે. પૂર્વ દ્વાર પર પાર્વતી પરિવાર બિરાજમાન છે. સુંદર સભાગૃહ છે. મંદિરની પાછળનાં ભાગમાં થોડી ઉંચાઈએ અંબાજી, ગણપતિ તથા મહાકાલિનાં મંદિરો આવ્યાં છે.

વૈકુંઠ સમા પવિત્ર આ મંદિર ૧૦૮ મંદિરથી ઘેરાયેલું છે. આ મંદિરની આસપાસ જોવાલાયક સ્થળ છે. જેવાં કે કાલિકા મંદિર, ઐરાવત હાથી, નવનાથનું મંદિર, તુલસીકુંડ, પાતાલેશ્વર મહાદેવ, તક્ષકકુંડ , અર્બુદા માતાનું મંદિર વગેરે ઘણાં સ્થળો છે.
અહીં મહાશિવરાત્રિનાં દિવસે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા અનેક ભક્તજનો આવે છે.

અહીં ફાગણ વદ ચૌદશે ભવ્ય પાટોત્સવ ઊજવાય છે. કહેવાય છે કે સતયુગમાં દેવોના રાજા ઈંદ્રએ આ તીર્થમાં તપ કરી બ્રહ્મહત્યાનું નિવારણ કર્યું.

દ્વાપરયુગમાં તક્ષક નાગે રાજા જન્મેજયથી બચવા એકલિંગજીનું શરણું લીધું હતું. ત્રેતાયુગમાં કામધેનુની પુત્રી નંદિનીએ વિશ્વામિત્રના ભયથી બચવા તપશ્ચર્યા કરી હતી. આ તીર્થની મુલાકાત જરૂર લેજો. ત્યાંથી નાથદ્વારા શ્રીનાથજી જવાય છે.

You might also like