તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે.

તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે. ઉપરાંત સંતાનની ઇચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ. આમ પુરાણોમાં લખાયુ છે. દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે જે નીચે મુજબ જોઈએ.

“હે કેશવ !” ધર્મરાજા બોલ્‍યા, “હવે મને ભાદરવા માસના શુકલ પક્ષની એકાદશીનો મહિમા જણાવો.”

“હે અજાતશત્રુ”, ભગવાન શ્રીકૃષ્‍ણે કહ્યું : “ભાદરવા એકાદશી જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે, એ એકાદશીએ ભગવાન વિષ્‍ણુ પડખું ફેરવે છે એટલે એને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે અને તેની કથા હું કહું છું તે તમે સાંભળો. પૂર્વે બલિરાજા નામનો એક દાનવ થઇ ગયો.

તે દાની, સત્‍યવાદી અને બ્રહ્મણોની સેવા કરવાવાળો હતો. તે સદાય તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો. તે મારો પરમ ભકત હતો અને મારી પૂજા પણ કરતો હતો, પોતાની ભકિતના પ્રભાવે તેપે સ્‍વર્ગનું રાજય પ્રાપ્‍ત કરેલું, એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી એટલે મારે વામનરૂપે તેને છેતરવો પડયો.

હું તેના આંગણે ભીક્ષા માગવા ગયો. મેં તેની પાસે ત્રણ ડગલાં પૃથ્‍વી માગી અને તેણેે તે આપવા સંકલ્‍પ કર્યો. મેં મારું વિરાટ સ્‍વરૂપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં, જાંઘ ભુવન લોકમાં, કમર સ્‍વર્ગલોકમાં, પેટ મહ્રલોકમાં, હદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને સુખ સત્‍યલોકમાં ! મારું આવું સ્‍વરૂપ જોતાં બધા દેવો મારી સ્‍તુતિ કરવા લાગ્‍યા.

મેં એક ડગલાંથી પૃથ્‍વી અને બીજાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજુ ડગલું કયા મૂકવું તે પૂછયું. ત્‍યારે મારા પરમ ભકત બલિએ પોતાનું મસ્‍તક મારા ચરણોમાં મૂકી કહ્યું : “હે જગતપતિ ! આપ ત્રીજું ડગલું મારા મસ્‍તક પર મૂકો” અને મેં મારો પગ તેના માથા પર મૂકી તેને હું પાતાળમાં લઇ ગયો. ત્‍યાં તે મારા શરણે આવ્‍યો. ત્‍યારે મેં કહ્યું, “હે રાજન ! તારી ભકિતથી હું અત્‍યંત પ્રસન્‍ન થયો છું. તારે જે જોઇએ તે માગ.”

જવાબમાં બલિએ મને કહ્યું કે, “હે કમલનયન આપ હંમેશાં મારા પર પ્રસન્ન રહો તથા આપની કૃપા સદૈવ મારા પર બની રહે.”

મેં આ કાર્ય ભાદરવા સુદ અગિયારશના દિવસે કરેલું તે દિવસથી મારી એક મૂર્તિ બલિરાજા પાસેને બીજી ક્ષીરસાગરમાં છે, હે ધર્મરાજા ! એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી એકાદશી કરનારને તથા તેનું મહાત્‍મ્‍ય ભકિતપૂર્વક સાંભળનારને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે દહીંનું, દૂધનું અને ચોખાનું દાન કરનાર સમસ્‍ત પાપોથી મુકત થઇ સ્‍વર્ગલોકમાં જાય છે.•

You might also like