સેટલ થવું જરૂરી છે?

આપણે વણલખેલી પરંપરા પ્રમાણે અનેક નિયમો પાળતા હોઈએ છીએ. એ નિયમોથી અલગ કંઈ બને ત્યારે લોકોને વાતો કરવાની મજા પડે છે. થોડા દિવસો પહેલાં સાનિયા મિર્ઝાની આત્મકથા પ્રકાશિત થઈ. એ સમયે તેને ઈન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે, “તું સેટલ ક્યારે થઈશ?” પૂછનારનો મતલબ એવો હતો કે તું માતા ક્યારે બનીશ? તારા ઘરે પારણું ક્યારે બંધાશે?

સાનિયાએ બહુ સહજતાથી જવાબ આપ્યો કે તમને મારી પ્રગતિ અને ઈનામ નથી દેખાતાં? સાનિયાનો ઈન્ટરવ્યૂ જોઈ રહેલાં એક યુગલે તરત જ કહ્યું કે, “સેલિબ્રિટી હોય કે સામાન્ય વ્યક્તિ આપણે ત્યાં લગ્નની સફળતા અને તેનું સત્ય જુદા માપદંડોથી જ મપાય છે. કરીના કપૂરની પ્રેગ્નન્સી હોય કે પછી સાનિયા મિર્ઝા કે પછી શહેરમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી કોઈ સ્ત્રી હોય કે તમારા ઘરનું કામ કરતી કામવાળી હોય. દરેક સ્ત્રીનું સ્ત્રીત્વ એના માતા બનવા સાથે ક્યાંક ને ક્યાંક આપણે જોડી જ દઈએ છીએ.”

આ યુગલનું નામ દિવ્યા અને રિકેશ. દિવ્યા મલ્ટિ નેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. રિકેશનો પોતાનો બિઝનેસ છે. બંનેના લવ મેરેજ છે. મહિનામાં પંદર પંદર દિવસ સુધી આ યુગલને બહાર રહેવાનું થાય છે. સતત કામ કરીને દર છ મહિને આ યુગલ દસેક દિવસની એક ટૂર કરી આવે. તાજાંમાજાં થઈને ફરી કામમાં મહેનત કરવા માંડે.

દિવ્યા કહે છે, “લગ્નની શરૃઆતના ગાળામાં મને એવું થતું હતું કે જિંદગીમાં એક સંતાન હોવું જોઈએ. મારે મારી કરિયર છોડવી ન હતી. મારાં સાસુએ ઉંમર કદીય મને એવી હિંમત ન આપી કે, ‘હું છું ત્યાં એક સંતાન કરી લે.’ મારાં મમ્મી મારી પાસે આવી શકે તેમ ન હતાં. મારે આયાબહેનના ભરોસે કે ડે કેરમાં સંતાનને મૂકવું ન હતું. તમામ હકીકતો સમજીને લગ્નના એક જ વર્ષમાં નક્કી કરી નાખ્યું કે અમે ચાઈલ્ડલેસ બાય ચોઈસ રહીશું. લગ્નને આજે પંદર વર્ષ થઈ ચૂક્યાં છે પણ મારી સાથે જોડાયેલા કે નવા સંબંધો બનાવતા લોકોની જીભે એક સવાલ તો ચોક્કસ આવી જાય છે કે તમારે છોકરાં નથી થતાં ?”

રિકેશ કહે છે, “અરે, કેટલીય વાર તો સામેની વ્યક્તિ અમારી હાલત કફોડી કરી નાખે છે. પંદર વર્ષ બાદ પણ બાળકો નથી એટલે પહેલાં તો અમારી દયા ખાય અને પછી અમને સંતાનો કરવા માટે સલાહો આપે અને ઉપાયો પણ સૂચવવા માંડે. કોઈ વડીલ હોય તો અમે ચૂપચાપ સાંભળી લઈએ અને છેલ્લે કહીએ કે અમે પરસ્પર સંમતિથી બાળકો નથી કર્યાં. અમને એનો કોઈ અફસોસ નથી.”

આવી વાત કર્યાં પછી બીજા સવાલો પણ કેડો નથી મૂકતા. લોકો એવું કહેવા માંડે છે કે આ તે કેવું યુગલ છે જેને સંતાન નથી છતાંય કોઈ કમી નથી લાગતી! કમ્પ્લીટ ફેમિલી તો જ બને જો સંતાનો હોય. સ્ત્રીની સંપૂર્ણતા માતૃત્વ સાથે જોડાયેલી છે.
દિવ્યાના મોટાભાઈ તો હંમેશાં એવું કહે કે, “અત્યારે તમે બંને યુવાન છો. જિંદગીમાં એક સમય એવો પણ આવશે કે જ્યારે તમને સંતાનવિહોણી દુનિયા ખાવા દોડશે. જીવવાની મજા નહીં આવે. ભવિષ્યમાં બેમાંથી કોઈ એકલું પડ્યું તો બાળક હોય તો જીવવાનો સહારો રહે. આધુનિક જમાનામાં રૃપિયાની પાછળ દોડો છો પણ આખરે આ બધું કોના માટે? સંતાનો કર્યાં નથી કોના માટે બધું મૂકીને જશો?”

આ બધી વાતો સામે દિવ્યા પાસે પણ જવાબો છે કે “આ તમામ મુદ્દા અમે એકબીજા સાથે મળીને ડિસ્કસ કર્યાં છે. બંનેની સહમતી પછી જ સંતાન નહીં કરવાનો નિર્ણય અમે કર્યો હતો. ભવિષ્યમાં કોઈ એકબીજાને બ્લેમ નહીં કરે એ પણ અમારી સમજણમાં છે. બેમાંથી કોઈ વ્યક્તિ નહીં હોય ત્યારે કદીય નેગેટિવ વિચાર કરીને કે ભૂતકાળના નિર્ણયો પર કોઈ અફસોસ નહીં કરીએ.

આ તમામ સમજણો બાદ પણ જો કોઈ શારીરિક કે માનસિક તકલીફ પડશે તો એ જિંદગીને પણ જીવીશું એટલી મેચ્યોરિટી પછી કોઈ સવાલ થવાનો મુદ્દો જ
નથી આવતો.” હકીકત એ છે કે દિવ્યા અને રિકેશ જેવાં અનેક યુગલો છે. પણ સંતાનો વગરનું યુગલ આપણે ત્યાં એટલું સ્વીકાર્ય નથી. પ્રવાહથી થોડા અલગ ચાલવાનું શરૃ કરો ત્યારે સહન કરવાનું તો આવે જ. એટલે જ તમારી જિંદગીમાં જે જે નવા લોકો આવશે એ પૂછશે જ, સૅટલ ક્યારે થવાના?

જ્યોતિ ઉનડકટ

You might also like