સુખી નહીં કરી શકવાનો ડર સતાવે ત્યારે

આપણે જોઈએ અને જાણીએ છીએ છતાં લગ્ન કરીએ છીએ. આ એક વાક્ય વાંચવામાં આવ્યું. ભારતમાં ખાસ અને વિદેશમાં ઘણાખરા અંશે લગ્નસંસ્થાને મહત્ત્વ આપવામાં આવે છે. લગ્ન સફળ જાય તો ખાસ કોઈને સવાલો થતા નથી. સફળ નીવડેલા લગ્નજીવનનાં ઉદાહરણ આપવામાં આવે છે. રખેને લગ્નજીવન કે સગાઈ તૂટ્યા તો આક્ષેપબાજીમાં કોઈ કોઈને પહોંચી નથી શકતું. પરિવારજનોથી માંડીને મિત્રવર્તુળમાં એક જ સવાલ સૌના મોઢે ચર્ચાતો હોય છે, નક્કી કંઈક પ્રોબ્લેમ હશે. નહીં તો…

જેના માથે વીતી રહી હોય છે એના વિશે ખાસ કોઈ વિચારતું નથી હોતું. આવી મનોઃસ્થિતિમાંથી પસાર થઈ રહેલા એક-બે યુવકોના મનની વાત માંડવી છે. એક યુવકનું નામ છે શશી. એકત્રીસ વર્ષનો શશી ડિવોર્સી છે. લગ્ન થયાં ત્યારે દરેક યુવકની જેમ એની આંખોમાં અનેક સપનાં હતાં. એ પોતે સુખી થવા અને સામેના પાત્રને સુખી કરવા જ ઇચ્છતો હતો.

લગ્ન બાદ એ યુગલને એકબીજા સાથે ન ફાવ્યું. એકબીજા સાથે એડજસ્ટ થવાથી માંડીને બંનેના સ્વભાવ પણ બહુ જુદા હતા. વળી, શશીની પત્ની સાસરાપક્ષના લોકોને પોતાના ગણીને કદી સ્વીકારી જ ન શકી. શશીએ ચારેક વર્ષ ધીરજ રાખી છેવટે રોજેરોજ થતા ઝઘડાથી કંટાળીને એણે છૂટાછેડા લેવા અરજી કરી. શશીની પત્નીએ એને બહુ હેરાન કર્યો અને તગડી રકમ વસૂલીને ડિવોર્સ આપ્યા.

બીજો કિસ્સો પણ જાણવા જેવો છે. એ યુવકનું નામ ઋતુલ. ચોવીસ વર્ષના ઋતુલની સગાઈ પસંદગીના પાત્ર સાથે પરિવારજનોની સંમતિ અને હાજરીમાં નક્કી થઈ. સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો અને લગ્નબંધનમાં આગળ વધવાનું નક્કી કર્યું. વાત એમ બની કે ઋતુલની જે યુવતી સાથે સગાઈ કરી એ બહુ જુદા સ્વભાવની નીકળી. પોતે લગ્ન પછી અલગ રહેવા ઇચ્છે છે.

ઋતુલનાં મા-બાપ માટે ખાસ લાગણી ન ધરાવતી એ યુવતીની આવી વાતો સાંભળીને ઋતુલ એને સમજાવવાની કોશિશ કરતો કે એ એકનો એક દીકરો છે. પોતાનાં મા-બાપને એ મૂકી શકે તેમ નથી. મા-બાપ પ્રત્યે અત્યંત આદર અને પ્રેમ ધરાવતા ઋતુલ ઉપર એની ફિયાન્સીએ માવડિયોનું લેબલ લગાવી દીધું. એકબીજા પ્રત્યે પ્રેમ હોવા છતાં મા-બાપને લઈને થતી ચર્ચાઓથી ઋતુલે સગાઈ તોડવાની વાત કરી.

સગાઈ તૂટ્યા પછી ઋતુલ ડિપ્રેશનમાં આવી ગયો. પોતે પ્રેમમાં પછડાટ ખાધી અને સગાઈ પણ તૂટી ગઈ આથી એ બહુ હતાશા અનુભવવા લાગ્યો. સરસ મજાની નોકરી પણ મૂકવી પડી, કેમ કે એ યુવતી ત્યાં જ જોબ કરતી હતી. બધી બાજુથી ભીંસ અનુભવતા ઋતુલને જીવનસાથી અને પ્રેમ બંને પરથી ભરોસો ઊઠી ગયો છે.

શશી અને ઋતુલ બંને અલગઅલગ ઉંમરની વ્યક્તિ છે. પણ બંનેને એક ડર સતાવી રહ્યો છે કે પરિવારજનો અને જીવનમાં આવનારી વ્યક્તિને ખુશ નહીં રાખી શકાય તો? એક-બે વખત ખરાબ અનુભવ થવાથી દરેક વ્યક્તિ એવી જ નીકળશે એ વાત માની લેવી વધુ પડતી છે. રસ્તા ઉપર ચાલતાંચાલતાં એક-બે ઠોકર આવે તો આપણે ચાલવાનું બંધ નથી કરી દેતા. એક-બે અનુભવો થાય એટલે પ્રેમ, લગ્નસંસ્થા, જીવનસાથી વગેરે ઉપર ચોકડી ન મૂકી દેવાય. કોઈ પણ સંબંધની કદીય કોઈ ગેરંટી નથી હોતી. બધું જ આપણે ધાર્યું હોય એ રીતે નથી થવાનું. છતાંય જિંદગીને આગળ ધપાવવાની છે એ હકીકતથી કોઈ ભાગી નથી શકતું. કંઈ જ ન ચાલે ત્યારે આપણે નસીબને દોષ દઈને મન મનાવી લઈએ છીએ. હકીકત એ હોય છે કે એક-બે ખરાબ અનુભવો થવાથી એ રસ્તા ઉપર નો એન્ટ્રીનું પાટિયું મૂકી ન શકાય.

સમય પસાર થતો જાય અને માહોલ બદલાય ત્યારે મન પણ બીજા વિચારે બહુ સહજતાથી ચડી જાય છે. ખરાબ ઘટના બને ત્યારે એ જ પળમાં રહેવાને બદલે સરકી જતી પળોની સાથે જિંદગીને વહેવા દેવામાં જ સમજદારી છે. કંઈક ખરાબ બને ત્યારે એ ઘટના કે વાતને લઈને મનમાં ગાંઠ વાળી દેવાથી કદીય રસ્તો નથી નીકળવાનો.

એક વખત બનેલી ઘટના ફરીફરીને બને ત્યારે ડિસ્ટર્બ થઈ જવાય એ સ્વાભાવિક વાત છે. પણ એ અવસ્થાને સતત વાગોળ્યે રાખવાથી સૌથી વધુ પીડા તમને જ થતી હોય છે. તમને પીડાતા જોઈને તમારી સાથે લાગણી અને પ્રેમથી જોડાયેલા લોકો પણ દુઃખી થતા રહે છે. દરેક વ્યક્તિએ એક વાત ન ભૂલવી જોઈએ કે તમારી જિંદગી પર તમને ચાહતા હોય એવા લોકોનો પણ અધિકાર છે એ હકીકતથી કદી કોઈ ભાગી નથી શકતું.

જ્યોતિ ઉનડકટ

You might also like