સમયને પારખવો કેટલો જરૃરી છે?

એવી ભૂલો બહુ દર્દ આપે છે જેનો માફી માગવાનો સમય વહી ગયો હોય છે. જે સંબંધ દર્દ આપે ત્યાં પૂર્ણવિરામ મૂકી દેતા અચકાવું ન જોઈએ. સોશિયલ મીડિયાના કારણે સવારમાં અનેક મેસેજીસ ચાહવા ન છતાંય વાંચવા પડતા હોય છે. કોઈક વખત સાવ ફાલતુ જેવા મેસેજ મગજની નસો તાણી દે છે તો કોઈક વખત મેસેજની લાઈન્સ દિલ અને દિમાગ બંનેને વિચારતાં કરી મૂકે તેવી હોય છે. સોશિયલ મીડિયા પર આવતાં સુવાક્યો જોઈને ઘણાં લોકો તો એવું પણ કહે છે કે મને એટલા બધા સુવિચારો સંદેશા સ્વરૃપે મળે છે કે જાણે આખી દુનિયા સુધરી ગઈ હોય અને મારે એકે જ સુધરવાનું બાકી હોય. આવો જ એક મેસેજ વાંચીને એક કિસ્સો યાદ આવી ગયો.

એ યુવતીનું નામ સુરેખા. માતાપિતાએ ગોઠવેલાં લગ્ન બાદ સુરેખા સાસરે સુખી હતી. પતિનો બિઝનેસ હતો. જે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો હતો. સસરાનું અવસાન થતા બિઝનેસને ચારેય ભાઈઓમાં એકસરખા ભાગે વહેંચી દેવામાં આવ્યો. સુરેખાનો પતિ રમેશ સોફ્ટવેર એન્જિનિયર છે. પિતાના વ્યવસાયમાં જ્યારે પણ ટેક્નિકલ સમસ્યા આવે ત્યારે રમેશ એને બહુ સહજતાથી સૉલ્વ કરી દેતો.

વ્યવસાય અલગ થયા પછી રમેશ પોતાની રીતે બિઝનેસ સંભાળી ન શક્યો. બિઝનેસમાં ખોટ આવવા માંડી. આખરે એણે પોતાના ભાગે આવેલી આખી કંપની ખોટ ખાઈને વેચી દેવી પડી. સુરેખાએ પિતા પાસેથી એક બે નહીં અનેક વાર ઉછીના રૃપિયા લીધા. પતિનો બિઝનેસ સરખો ચાલશે એટલે પરત કરી દઈશ એવો વાયદો કરીને સુરેખાએ ઘર ચલાવ્યું. સુરેખાના પિતા એક રિટાયર્ડ સરકારી કર્મચારી છે. એક હદથી વધુ આર્થિક મદદ તેઓ કરી શકે તેમ ન હતા. આર્થિક વ્યવહારોને કારણે પિતાપુત્રી વચ્ચે અબોલા થઈ ગયા.

રૃપિયા પરત આપી ન શકતા જમાઈને ન કહેવાનું કહ્યું એમાં જમાઈ સાથે પણ તેમને બોલવાનો વહેવાર ન રહ્યો. એક પણ રવિવાર દીકરીના ડિનર વગર ન જતો ત્યાં બંને તરફે ફક્ત એક જ સંબંધ રહ્યો, નફરતનો.દીકરી અને જમાઈ કપરા કાળમાંથી પસાર થતાં હતાં. એક મર્યાદા સુધી મદદ મળી એ પણ સમય જતા બંધ થઈ ગઈ. આર્થિક તણાવમાં જમાઈને હાર્ટએટેક આવ્યો. એનું અવસાન થયું.

સંસારમાં એકલી પડી ગયેલી દીકરીને કેવી રીતે સાંત્વના આપવા જવી એ સવાલ મનમાં ચાલતો રહ્યો. સુરેખાના પિતા મન મક્કમ કરીને દીકરીના ઘરે ગયા.
પતિનું અપમાન કરનાર પિતાને પોતાના આંગણે આવેલા જોઈને સુરેખા હચમચી ગઈ. પતિના અવસાન બાદ પણ એ શબ્દો એના કાનમાં ગુંજતા હતા. પિતાને જોઈને એ કહેણ એના માનસપટ પર આવી ગયાં. પિતાના ગળે વળગીને સુરેખાને પોક મૂકીને રડવું હતું પણ વચ્ચે એ શબ્દો આવી ગયા. જે સેતુ બનવાને બદલે સંતાપ આપતા હતા.

પિતાએ કહ્યું કે, “મારા વર્તન માટે મારે બહુ પહેલાં માફી માગી લેવાની જરૃર હતી પણ હવે સમય જતો રહ્યો છે. બેટા, તું તો મને માફ કરી દે. મેં ન કહેવાનું કહ્યું. મારું ગુજરાન ચાલે એટલા જ રૃપિયા પેન્શનમાં આવતા હતા પણ ગમે તેમ કરીને આપણે એક ટંકનો રોટલો તો વહેંચી જ લેત. જીવતેજીવત તમારા લોકોની અવગણના કરી એ મારી ભૂલ છે. પણ હજુ મોડું નથી થયું. મને મારી ભૂલ સમજાઈ છે. તું મને માફ કરી દે એટલે આપણે બંને હળવાં થઈ જઈએ.”

સુરેખાએ પિતાને કહ્યું, “હું તમને માફ કરનારી કોણ? તમને એ સમયે જે યોગ્ય લાગ્યું એવું વર્તન તમે કર્યું. તમારી જગ્યાએ હું હોત તો કદાચ તમે કરી એટલી મદદ પણ ન કરત. તમે તમારી હેસિયત કરતાં વધુ મદદ કરતાં હતા એટલે જ કદાચ અમે તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા આશા કરવા લાગ્યા કે પપ્પા છે જને. એ મદદ કરવાના જ છે. તમે ત્યારે પણ હતા અને અત્યારે પણ છો અમને સમજણ મોડી આવી.”

સંંબંધોમાં માફી માગવામાં ઘણી વખત મોડું થઈ જતું હોય છે. પોતાનો અહં સૌથી મોટો અવરોધ બનતો હોય છે. દિલ તો સંબંધને જોડવા માટે તત્પર હોય છે ત્યારે દિમાગ દલીલો કરતું રહે છે. પોતે સાચા હોઈએ ત્યારે સંબંધ તૂટવાનું દર્દ વધુ તીવ્ર હોય છે. જિદ્દ પર ચડેલી વાતને દિલ માફી આપવા ઇચ્છતું હોય છે પણ દિમાગ એને રોકતું હોય છે. હા, થઈ ગયેલી ભૂલોની માફી માગવામાં મોડું થઈ જાય ત્યારે સંબંધ વધુ દર્દ આપે છે એ વાત સાચી. કદાચ આ વાક્ય તમારા સુષુુપ્ત થઈ ગયેલા સંબંધને જોડવામાં મદદરૃપ બની શકે.

જ્યોતિ ઉનડકટ

You might also like