સંબંધોને રિચાર્જ કરતાં રહેવા પડે

મધર્સ ડે, ફાધર્સ ડે, ફેમિલી ડે, ડૉટર્સ ડે આ અને આવા અનેક દિવસો આજકાલ ઉજવાવા માંડ્યા છે. કોઈ માટે આ દિવસો આનંદદાયક બની રહે છે તો કોઈને માટે પીડાદાયક. ફાધર્સ ડે વિશે ‘એકમેકનાં મન સુધી’ વાંચીને એક વડીલે ઈ-મેઇલ કર્યો છે. એમનું નામ રમણીકભાઈ.

એ લખે છે, હું ઈ-મેઇલ અને વોટ્સ એપનો ઉપયોગ કરું છું. ફેસબુક પર હજુ નથી. જે લોકોને ફેસ ટુ ફેસ જાણતાં ન હોઈએ એમની સાથે ફેસબુક ફ્રેન્ડ થવા માટે હજુ મન માનતું નથી. મારી પત્ની ફેસબુક પર છે. અમે બંને દીકરા-વહુ સાથે રહીએ છીએ. દીકરાને સંતાનમાં બે દીકરીઓ છે. હાઈસ્કૂલમાં ભણતી બંને પૌત્રીઓ સાથે અમને બંનેને બહુ બને. ગયા રવિવારે ફાધર્સ ડે હતો.

અમારા ઘરમાં રોનક કંઈ ઓર જ હતી. મારી બંને પૌત્રીઓએ એમના પપ્પા માટે અનેક સરપ્રાઈઝ રાખ્યાં હતાં અને પોતાની બચતમાંથી એ એના પપ્પાને બહાર ડિનર માટે લઈ ગઈ. આ જોઈને મારું દિલ બહુ રાજી થયું. દીકરો મોટો થયો, કમાતો થયો, પોતાના નિર્ણયો લેવા માંડ્યો ત્યારથી અમારા બંને વચ્ચે અંતર વધતું જ ગયું. કામ સિવાય ખાસ કોઈ વાતચીત અમારા વચ્ચે થાય નહીં.

મધર્સ ડે હતો ત્યારે મારી પુત્રવધૂ અને પત્ની બંનેને પોતપોતાનાં સંતાનો તરફથી ગિફ્ટ્સ અને પાર્ટી મળી. પણ ફાધર્સ ડે પર આ ફાધર જાણે અળખામણો હોય એવું લાગ્યું. કાનને એક વિશની આશા આખો દિવસ રહી.  પૂરી ન થઈ. મોડી રાત્રે બધાં બહાર જમવા ગયેલા ત્યારે મારી પત્નીએ મને દીકરાનું ફેસબુક સ્ટેટસ બતાવ્યું. દીકરાએ મારી સાથેના અનેક ફોટા મૂક્યા હતા. એકબે કિસ્સા લખીને એની જિંદગીમાં મારું હોવું કેટલું મહત્ત્વનું છે એ લખ્યું હતું. આ વાંચીને મારી આંખો ભરાઈ આવી.

મેં જલદીથી કપડાં બદલ્યાં. રિક્ષા કરીને ઘરની નજીક આવેલા શોપિંગ મૉલમાં ગયો. દીકરાને મનપસંદ પેસ્ટ્રી લઈ આવ્યો. એને ગમતી બ્રાન્ડનું પરફ્યૂમ ખરીદ્યું. ગિફ્ટ પેકિંગ કરાવ્યું. ઘરે આવીને હૉલમાં બેસીને એ લોકોની રાહ જોતો રહ્યો.  મોડી રાત્રે ઘરનો દરવાજો ખૂલ્યો. મને હૉલના સોફા પર સૂતેલો જોઈને બંને પૌત્રીઓએ હળવેથી મારા કપાળ પર હાથ મૂક્યો અને પૂછ્યું, “દાદુ, તમારી તબિયત ઠીક છેને?” મેં હસીને જવાબ આપ્યો, “હા. મને કંઈ જ નથી થયું. હું મારા દીકરાની રાહ જોઉં છું. એ ક્યાં છે?” પૌત્રીઓએ જવાબ વાળ્યો કે, “એ ગાડી પાર્ક કરીને આવે છે.” બાદમાં મારી બાજુમાં બેસીને એ લોકોએ કેટલું ઍન્જોય કર્યું તેની વાત કરવા માંડી.

દરવાજો ખુલ્લો જ હતો. દીકરો ઘરમાં આવ્યો એટલે એની આંખોમાં પ્રશ્નાર્થ દેખાયો કે બાપુ હજુ સુધી કેમ જાગે છે? મેં ઊભા થઈને એને મારા ગળે વળગાડી દીધો. ને એને ગિફ્ટ આપીને કહ્યું, “મેં એવું માની લીધું કે તું બહુ મોટો થઈ ગયો છે. પણ એ ભૂલી ગયો કે તું ગમે તેટલો મોટો થાય પણ મારો દીકરો થોડો મટી જવાનો છે? આપણા બંનેના સંબંધમાં ક્યાંક હું વધુ આગળ ચાલી નીકળ્યો એમાં આપણો સાથ ક્યારે છૂટી ગયો એની મને ખબર જ ન રહી.”

રમણીકભાઈ લખે છે, સંબંધ ગમે તેવો હોય એેને થોડોથોડો રિચાર્જ કરતાં રહેવું પડે છે. ક્યાંક કંઈક અંતર આવી ગયું હોય તો એ નાનકડી અમથી પહેલથી દૂર થઈ શકે છે. પોતાની જ ધારણા અને વિચારોને બાંધી લેવાથી એ સંબંધ એક કોચલામાં પુરાઈને ક્યારે ખતમ થઈ જાય છે એની આપણને ખબર નથી રહેતી. જિંદગીમાં અનેક સંબંધો તૂટતા હોય છે તથા અનેક નવા સંબંધો જોડાતા હોય છે. મનમાં ગાંઠ બાંધી રાખીએ તો ક્યારેય કોઈ સંબંધ જીવંત ન રહે.

ઘણી વખત ગાંઠ બાંધેલી રાખવાથી વધુ પેઇન થતું હોય છે. ગાંઠને જેટલી જલદી રિલીઝ કરી દઈએ તો એ બંને તરફેના સંબંધમાં નવો પ્રાણ પૂરવાનું કામ કરે છે. એકની એક વાતને મનમાં ઘૂંટ્યે રાખવાથી કદીય સંબંધમાં ભરતી નથી આવવાની. સંબંધમાં કાળાશ વધતી જશે. તમારે એ નક્કી કરવાનું છે કે સંબંધમાં કાળાશ જોઈએ છે કે ભીનાશ.

હા, કોઈ વખત એવું બને કે એક તરફે પહેલ થતી રહેતી હોય અને સામેથી તેનો કોઈ રિસ્પોન્સ ન મળે. સંબંધને રિચાર્જ કરવાની વેલ્યૂ ચૂકવાઈ હોય પણ બેલેન્સ ઝીરોનું ઝીરો જ બતાવે.  એ સમયે સંબંધ એક પીડા બનીને આંખમાં ઊભરી આવે છે. ત્યારે તમે તમારી જાત સાથે આંખ મેળવી શકશો કે તેં તો સંબંધને જોડવાની પૂરી કોશિશ કરી છે. એ રિચાર્જ ઝીરો થઈને રિટર્ન આવ્યું એમાં તારો કોઈ વાંક નથી.

જ્યોતિ ઉનડકટ

You might also like