આજની પેઢી વ્યક્ત થવામાં સહજ

થોડા દિવસો પહેલાં વર્લ્ડ ફેમિલી ડે ગયો. સમાજમાં ઘણા પરિવારો સંયુક્ત રીતે જીવે છે. આપણી આસપાસ વિભક્ત પરિવારોની સંખ્યા જોઈને આપણે સહેજે એવું બોલી ઊઠીએ છીએ કે પરિવારો તૂટી રહ્યા છે. હકીકત પણ એ જ છે કે પરિવારો તૂટી રહ્યા છે. આવા જ કેટલાક સંયુક્ત પરિવારમાં ઉછરી રહેલી નવી પેઢીની વાત કરવી છે. બાળકને વ્યક્ત થવાનું આવે તો એ સંયુક્ત પરિવારમાં સહજતા અનુભવે કે વિભક્ત પરિવારમાં?

સવાલ જરા વિચાર માગી લે તેવો છે, કેમ કે આખરે પરિવારમાં તેની કેળવણી અને ઉછેર કેવી રીતે થાય છે તેના ઉપર જ સૌથી મોટો આધાર રહેલો છે. પરિવારના વડીલો જ જો મર્યાદાના નામે નિયમો બાંધી દે તો બાળકમાં વ્યક્ત થવાની સહજતા ક્યાં આવવાની?

વાત કરવી છે એક પરિવારમાં ઉછરી રહેલી નવી પેઢીની. મધર્સ ડે ઊજવાયો અને એ પછીના થોડા દિવસોમાં જ વર્લ્ડ ફેમિલી ડે ઊજવાયો. આ શાહ પરિવારમાં દીકરા-દીકરીઓની સંખ્યા લગભગ સરખી.

શાહ પરિવારની એક પુત્રવધૂએ વાત કહી કે આજની પેઢી વ્યક્ત થવામાં સહજ છે. કેટકેટલાંય દિવસો આવે, તહેવારો આવે અને સેલિબ્રેશન થાય. રોજ એકબીજાને ગળે મળવું. લવ યુ અને ટેક કેર કહેવું તો જાણે એકદમ સહજ થઈ ગયું છે. ઉંમરનો કોઈ બાધ એમને નડતો નથી. દાદા-દાદી હોય કે પપ્પાથી મોટા ભાઈ-ભાભી હોય એટલી નિખાલસતાથી અમારા પરિવારની નવી પેઢી એમને વાત કહી શકે, પોતાના મનની વાત શૅર કરી શકે તેમજ કંઈ ન ગમે કે પસંદ ન પડે તો પણ પોતાનો ઓપિનિયન આપતા ખચકાય નહીં.

આ જ પરિવારની સૌથી મોટી પુત્રવધૂને સાસરે આવ્યે ત્રીસ વર્ષ થઈ ગયાં છે. એ કહે છે, મેં મારા ભાઈને મતલબ કે મારા પપ્પાને છેલ્લે ક્યારે હગ કર્યું હતું તે મને યાદ નથી. અમે લોકો તો પપ્પાને પપ્પા કહીને પણ ન બોલાવી શકતા. મમ્મીને પણ બા કહેવાનું અને એમને તમે કહીને જ બોલાવવાનું. અમારા પરિવારમાં મારા દિયરનો દીકરો મારા પતિને નામથી બોલાવે અને તુંકારે બોલાવે.

પંદર વર્ષનો એ દીકરો એટલી સહજતાથી તુંકારો વાપરે છે કે અમને કોઈને કંઈ અજુગતું લાગતું નથી. વર્ષો પહેલાં આ પરિસ્થિતિ હું મારા પરિવાર માટે નહોતી વિચારી શકતી. આજે પણ મારા પિયરમાં એ જ માન મોભો અને મર્યાદા પ્રમાણે જિંદગી જિવાય છે. પિયરમાં બધાં જ વિભક્ત પરિવારોમાં જીવે છે, પરંતુ ઉછેરમાં રહેલી અમુક આદતો હજુ સુધી કોઈનાથી છૂટતી નથી. તેની સામે અમારો સત્યાવીસ લોકોનો પરિવાર સૌને ફોરવર્ડ લાગે છે.

અલગઅલગ પરિવારોમાં ઉછરીને આ પરિવારમાં પુત્રવધૂ બનીને આવેલી ત્રણેય વહુઓ, સાથે રહેતા કાકાજી સસરાનો પરિવાર તથા તેમની પુત્રવધૂઓને જોઈને કોઈ પણ અજાણી વ્યક્તિને એમ જ લાગે કે આ પરિવારનું તંત્ર ભગવાન ભરોસે ચાલે છે. કોઈ એકના હાથમાં કંટ્રોલ સિસ્ટમ નથી પણ દરેકને પોતપોતાની મર્યાદા ખબર છે અને એ જ રીતે એ જીવે છે.

પરિવારના વડીલ એવા દાદા કહે છે, “મિત્રોમાં આપણને ચોઈસ મળે છે. પરિવારજનોમાં આપણને કોઈ પસંદગી મળતી નથી. આથી જે છે તે સ્વીકારી લેવાથી જ પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે.” નવી પેઢીને તો તમે બહુ છૂટ આપી છે એવી વાતના જવાબમાં એ દાદા કહે છે, “ના, બહુ છૂટ આપી દીધી છે એવી વાત જરાય સાચી નથી. નવી પેઢીને જોઈતી સ્પેસ અમે આપીએ છીએ એટલે એ તમામ વડીલો સાથે સહજ છે. એમને કોઈ રોકટોક નથી પણ કંઈ ખોટું કરે તો અમે કાન આમળતાં અમે અચકાતાં નથી.

હા, એને રોકવામાં કે ટોકવામાં એટલું ધ્યાન રાખીએ છીએ કે એમનું દિલ ન દુભાય. કંઈ કમી ન રહે એનું ધ્યાન પણ રાખીએ છીએ. પરિવારમાં બાર વર્ષથી માંડીને પચીસ વર્ષ સુધીનાં દીકરાદીકરીઓ છે. તમામને સાચવી રાખવાં એક કળા છે. મેં મારાં દીકરાઓ અને દીકરીઓ સાથે સ્નેહનું સાંનિધ્ય નથી માણ્યું એ હું પૌત્રો અને પૌત્રીઓ સાથે માણી શકું છું. મારા પોતાના દીકરાઓ મને તથા મારી પત્નીને ફરિયાદો કરે છે કે અત્યારે તમે અમારાં સંતાનોને જેટલી છૂટ આપો છો એટલી છૂટ અમને નહોતી આપી. જો આપી હોત તો અમે પણ આટલા જ સહજ રીતે વ્યક્ત થઈ શકતા હોત.

દીકરાની ટકોર સાંભળીને એ દાદાએ તરત જ કહ્યું, “જમાના અને ઉંમર બંને પ્રમાણે બદલી શકે એને જ નવી પેઢી સાથે ફાવે. તમે જ્યાં છો તેમના તેમજ રહો તો સમય પણ આગળ સરી જશે. અને પેઢીઓ વચ્ચેનું અંતર વધતું જ રહેશે.”

જ્યોતિ ઉનડકટ

You might also like