સંતાનોની જિંદગીમાં દખલઅંદાજી

લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક યુગલો પરિવાર અને સમાજની સાક્ષીએ નવી જિંદગીની શરૂઆત કરે છે. દીકરી સાસરે જતી હોય કે ઘરમાં વહુ આવતી હોય બંને પક્ષે માબાપના મનમાં અનેક વાતો-સવાલો રમતાં હોય છે. સંતાનને ઉછેર્યું હોય અને લગભગ આખી જિંદગી સંતાનને આમ કરવું કે તેમ કરવું તેવી સલાહો આપી હોય, સૂચનો કર્યાં હોય એ આદત જિંદગીભર રહેવાની જ. બાળકનો જન્મ થાય ત્યારથી માંડીને બધાં જ લોકોની એક માનસિકતા એવી રહેલી હોય છે કે ભણી લે એટલે આપણી જવાબદારી પૂરી. ભણીને સારી નોકરીએ લાગે કે બિઝનેસ શરૂ કરે એટલે માબાપ એવું વિચારે કે હવે એ કરિયરમાં સેટ થઈ જાય એટલે ભયોભયો, આપણી જવાબદારી પૂરી.

કમાવા લાગે એટલે એનાં લગ્નની ચિંતા. લગ્ન બાદ સંતાન દીકરો હોય કે દીકરી એની જિંદગીમાં આવનાર નવી વ્યક્તિ સારી હોય એટલે જવાબદારી પૂરી. હકીકત એ છે કે માબાપ બનીએ ત્યારથી માંડીને તમે જીવો ત્યાં સુધી સંતાનની જવાબદારી મન પર રહેવાની જ. છોકરું મોટું થઈ જાય એટલે કોઈ માબાપ જવાબદારીમાંથી હાથ ખંખેરી નથી નાખતાં અને એમ કરી પણ નથી શકાતું.

તમારી ફરજ અને જવાબદારી તમારા જ સંતાનના માથે હાવી થવા માંડે ત્યારે તકલીફ શરૂ થાય છે. માબાપ એવું ચાહે છે કે એ કહે એવું જ સંતાન કરે. જોકે, આજના જમાનામાં તો આવું જરા પણ શક્ય નથી. દબડાવીને કે તતડાવીને તમે નાના બાળકને વશમાં રાખી શકો પણ જેમ સમજ આવતી જાય એમ એને આ રીતે કંટ્રોલ કરવું લગભગ અશક્ય બને છે.

એક યુવકનાં હજુ થોડા સમય પહેલાં જ લગ્ન થયાં. એનું નામ રોહન. એ સમજણો થયો ત્યારથી એ એની મમ્મીનું લગભગ બધું જ માને. પપ્પા એની જિંદગીનો આદર્શ એટલે પપ્પા જેવો બનવાની કોશિશ કરે. રોહનનાં લગ્ન નક્કી થયાં. પોતાની પસંદગીની યુવતી માટે એણે માબાપને રાજી કરી લીધાં. એકના એક દીકરાને પોતાના પ્રેમ અને છત્રછાયામાં ઉછેરેલો હોય એમાં અચાનક એક નવી વ્યક્તિ બહુ જ મહત્ત્વની બની જાય એટલે એ માતાને થોડો સમય તો દીકરો પરાયો થઈ ગયો હોય એવું લાગવાનું જ છે. વળી. જેમ દરેક દીકરીને સાસરે જવાનું છે એમ દીકરાની વહુને પણ ઘરમાં વેલકમ કરવાની છે એ જિંદગીનું સત્ય અને સાથોસાથ લહાવો પણ છે.

રોહને જ્યારથી ઘરમાં પોતાની પસંદગીની યુવતીની વાત કરી ત્યારથી એને એની મમ્મી તરફથી રોજ એક નવી સૂચના મળે છે. આવનારી વહુને મળવા જાય, એની સાથે ડિનર પર જાય, એ ઘરે આવે કે પછી મિત્રો સાથે એ લોકો ક્યાંક ફરવા જાય રોહનને દર વખતે એની મમ્મી કહે કે, તારે આમ કરવાનું છે તારે તેમ નથી કરવાનું. ફલાણી વાત તારે એને નથી કરવાની. ઢીંકણું સિક્રેટ તો કોઈ દિવસ એને ખબર ન પડે એ જોજે.

રોહન કહે છે,”હું રીતસર થાકી ગયો છું કે મમ્મીએ આ શું માંડ્યુ છે. હું પચીસ વર્ષનો થઈ ગયો છું. છતાંય એ મને શીખવવાનું ભૂલતી નથી. લગ્ન સમયે પણ મમ્મીની સૂચનાઓએ તમામ હદો વળોટી નાખી. મમ્મીને થોડી અસલામતી લાગતી હશે કે કેમ એ સવાલ મને સતત ઘેરી રહેતો. મમ્મી એની પુત્રવધૂને સરસ રીતે સમજી શકે અને મારી જીવનસાથી પણ ઘરમાં એડજસ્ટ થઈ જાય એ હેતુથી અમે લગ્ન પછી તરત જ હનીમૂન પર ન ગયાં. છ મહિના પછી ફરવા માટે ગયાં. એ સમયે તો મમ્મીએ હદ જ કરી નાખી. મમ્મીની કેટલીક સહજ વાતો હતી તો કેટલીક મને ખૂંચતી હતી.

સંતાન એક ઉંમરનું થઈ જાય પછી માબાપ એને કેમ એની રીતે થોડી છૂટછાટ નહીં લેવા દેતાં હોય? મમ્મી કદાચ એની જગ્યાએ સાચી હશે પણ બધું જ દર વખતે મને ગમે એવું ન પણ હોયને! એનાં પ્રેમ, સ્નેહ, લાગણીની મને કદર છે પણ મને ગૂંગળામણ થાય એ કેટલા અંશે વાજબી? એનાં સલાહ-સૂચનો મને થકવાડે છે. હું મોટો થઈ ગયો છું એનાથી એ મારી મમ્મી મટી નથી જવાની. મારી જિંદગીમાં પત્નીના આવી જવાથી મમ્મીનું મહત્ત્વ ઘટી નથી જવાનું. પણ મને મારી રીતે જિંદગીમાં આગળ ધપવાનો અધિકાર ખરો કે નહીં ?” અતિ પ્રેમ જ્યારે તમારી જિંદગીમાં દખલઅંદાજી કરવા માંડે ત્યારે ગભરામણ અને ગૂંગળામણ જ થાય.

You might also like