કી એન્ડ કા માફક જીવી શકાય ખરું?

તમારા દીકરાને રસોઈ બનાવતા આવડે છે?
આવો સવાલ કોઈ કરે ત્યારે દર દસમાંથી નવ લોકોને આશ્ચર્ય થવાનું જ, કેમ કે એ આપણી માનસિકતા સાથે મેચ નથી થતું. દીકરીના પપ્પા મુરતિયાની મમ્મીને પૂછે છે કે તમારા દીકરાને ઘર સંભાળતા આવડે છે? શું તમારો દીકરો જમવાનું બનાવી શકે છે? એ મુરતિયાની મા બહુ પોરસાઈને કહે છે કે, અરે, મારો દીકરો તો કોઈ વાર નૂડલ્સ બનાવી જાણે બસ. એને કંઈ ખાવાનું બનાવતા નથી આવડતું. દીકરીના પિતા લગ્ન માટે ના કહે છે. પણ મુરતિયો કહે છે, દસ દિવસ પછી તમે મારા ઘરે આવો. હું કંઈક શીખી જઈશ.

ચેન્જ ઈઝ બ્યુટીફૂલ. વાત તો એકદમ સાચી છે. પણ આવો ચેન્જ લાવનારા લોકોની સંખ્યા કેટલી ? બહુ જ ઓછી. બદલાવ જરૂરી છે તેની સાથોસાથ સ્વીકાર પણ એટલો જ જરૂરી છે. કેટલીય એવી માતા છે જે પોતાનો જમાઈ દીકરીને ઘરકામમાં મદદ કરે એવી અપેક્ષા રાખે છે પણ જો પુત્રવધૂ દીકરાને કંઈ કામ સોંપે તો મોં મચકોડે છે. અલબત્ત, પોતાની દીકરી સાથે લાગણી જોડાયેલી હોય ત્યારે આવું થઈ જાય એ સ્વાભાવિક છે, પરંતુ એ વાત કેમ ભુલાઈ જાય છે કે તમારા ઘરે આવેલી પુત્રવધૂ પણ કોઈની દીકરી છે. જો એ એના પતિ પાસે મદદની અપેક્ષા રાખતી હોય તો એમાં ખોટું શું છે?

એક પરિવારની વાત છે. મા, દીકરો- દીકરી અને પુત્રવધૂ એ ઘરમાં રહે. દીકરો, દીકરી અને પુત્રવધૂ ત્રણેય નોકરી કરે. ઘરમાં રસોઈ બનાવવાવાળાથી માંડીને ઘરકામ કરનારા માણસો છે. પણ કોઈ વાર તહેવારોમાં કે રજાના દિવસોમાં માણસો ન આવે ત્યારે ઘરકામની આગેવાની પુત્રવધૂ લઈ લે. ઓફિસેથી થાકીને લોથપોથ થયેલી એ પરિવારની વહુ વાસણ સાફ કરતી હોય કે ઘરની સાફસફાઈ કરતી હોય ત્યારે એનો પતિ એની સાથોસાથ કામ કરાવે. પતિની સરખામણીમાં નણંદ અને સાસુ ઓછી મદદ કરે.

પુત્રવધૂ વાસણ માંજતી હોય તો દીકરો વાસણ વીછળવા માંડે. આવો સિનારિયો સર્જાય ત્યારે એ માતા કે બહેન કિચનમાં આવીને તરત જ દીકરાને કહે કે, “તું ક્યાં થાક્યોપાક્યો આવીને ઘરકામમાં લાગી ગયો. જા તું ટીવી જો હું વહુને મદદ કરાવું છું.”

આવું એક-બે વાર થયું એટલે પત્નીએ પતિને કહ્યું કે, “હવે જો હું કામ કરતી હોઉં અને મમ્મી કે બહેન આવેને તો તું કામ એમને છોડીને જતો ન રહેતો. હું ઇચ્છું છું કે ઘરકામ કરતી વખતે થોડી મિનિટો સાથે ગાળવા મળે તો મજા આવે છે. આખો દિવસ ઓફિસના કામમાંથી થાકીને આવું છું પછી તારી સાથે ગાળેલા સમયમાં મારો બધો જ થાક ઊતરી જાય છે. ઘરકામની આદત નથી પણ ફરજિયાત કરવું પડે છે ત્યારે તારો સાથ એ કામના બોજને હળવો કરી દે છે.”

થોડા દિવસો પછી ફરી આ જ ઘટનાક્રમ થયો. દીકરો-વહુ કામ કરતાં હતાં અને સાસુ કિચનમાં આવ્યાં અને બહુ સહજતાથી દીકરાને આરામ કરવા કહ્યું. ત્યારે વહુએ કોઈ અણગમા વગર સાસુને કહ્યું, “બા, ઓફિસથી કામ કરીને થાકીને હું પણ આવી છું. તમને કેમ કોઈ દિવસ એવો વિચાર નથી આવતો કે વહુ તું જા આરામ કર હું અને દીકરો કામ પતાવી દઈશું.”

વહુના મોઢેથી પ્રેમથી નીકળેલી વાત સાંભળીને સાસુએ એના હાથમાંથી એટલું પ્રેમથી કામ લઈ લીધું અને કહ્યું, “સોરી બેટા. હું ફક્ત દીકરાનું જ વિચારી રહી છું. તારો વિચાર નથી કરતી. સારું થયું તેં મને ફરિયાદ કરી નહીં તો મને કદીય આઈડિયા જ ન આવત કે દીકરી અને દીકરાની માફક પુત્રવધૂ પણ થાકીને આવી હશે. તું જા આરામ કર હું અને દીકરો બધું જ કામ પૂરું કરી દઈશું.”

મારા-તમારા સહિત તમામ લોકોનો ઉછેર સમાજમાં વણલખાયેલા નિયમોને ધ્યાને રાખીને જ થયો છે. એટલે જ એ નિયમોથી વિરુદ્ધ કંઈ કરવામાં આવે ત્યારે લોકોની આઈબ્રો ખેંચાઈ જાય છે. વળી પાછું આ જ પ્રકારની જિંદગી વિદેશમાં જિવાતી હોય તો કોઈને કંઈ સવાલ નથી થતો હોતો. વિદેશમાં બંને જણાં કામ કરતાં હોય અને કામવાળા ન મળે એટલે બધું જ કામ દરેક યુગલે સહિયારી જવાબદારી સમજીને કરવું પડે છે.

એમાં કોઈને નવાઈ પણ નથી લાગતી. સવાલ ફક્ત આપણી માનસિકતા બદલાવવાનો છે. આ કામ ફક્ત સ્ત્રીઓએ જ કરવાનું અને પેલું કામ ફક્ત પુરુષો કરી શકે આવા નિયમોમાં બંધાવાને બદલે જેટલું સહજ છે એટલું ભલેને સ્ત્રીના હાથમાં કે પુરુષના હાથમાં શોભતું પણ પહોંચી ન વળાય ત્યારે સહિયારી કામગીરી બંને કરે તો એમાં ખોટું શું છે?

જ્યોતિ ઉનડકટ

You might also like