ભ્રષ્ટાચારમાં પરિવારજનોની ભાગીદારી કેટલી?

આજની આ ગ્લેમર ભરેલી દુનિયામાં બધાંને એકદમ ચળકતાં, મહેકતાં અને બીજાથી હટકે દેખાવું છે. દેખાદેખીની દોટમાં રસ્તો ક્યારે ચૂકી જવાય છે એ વિશે ભાગ્યે જ કોઈ વિચારે છે. સવલતો સાથેની જિંદગી બધાંને ગમે છે. એવી જ રીતે જીવવું હોય છે. સવલતો કયા રસ્તે આવી છે એ વિશે આપણે બહુ વિચારતાં નથી.

ક્યાંક વાંચ્યું હતું કે પતિનો જેટલો પગાર આવે એમાં ત્રીસેય દિવસ કોઈ ફરિયાદ વગર ઘર ચલાવી આપે એ સાચી ગૃહિણી. પણ પતિના પગારથી વધુ આવક જ્યારે ઘરમાં આવવા લાગે ત્યારે એ ગૃહિણીને એક પણ સવાલ ન થાય એને તમે કઈ કુશળતા કે સમજદારી કહો? ઘરમાં કમાનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ જો એની કમાણી કેટલી છે એ એનાં ઘરની જવાબદાર વ્યક્તિઓને ન ખબર હોય તો એ સૌથી મોટી ચૂક ગણી શકાય. સીધી રીતે નહીં તો આડકતરી રીતે ઘરની સમજદાર વ્યક્તિઓને કમાણી કરનાર વ્યક્તિની આવક વિશે ખબર હોય જ છે. જ્યારે એ અંદાજ કરતાં વધુ આવક થાય ત્યારે એને નજરઅંદાજ કરવામાં આવે છે. આ નજરઅંદાજીને તમે ખોટી કમાણીમાં ભાગીદાર ગણો કે નહીં?

દિલ્હીમાં એક અધિકારી લાંચ લેતાં પકડાયો. થોડા દિવસો પહેલાં એની પત્ની અને દીકરીએ આત્મહત્યા કરી. ગયા અઠવાડિયે એ અધિકારી અને એના દીકરાએ પણ પોતાનો જીવ લઈ લીધો. ચિઠ્ઠીમાં એમને પરેશાન કરવામાં આવતાં હતાં એવી વાત પણ તેમણે લખી છે.

વિચાર એ આવે છે કે ખોટું કરતાં અચકાતાં નથી પછી એ જાહેર થાય ત્યારે જીવવું બધાંને બહુ અઘરું લાગે છે. ખોટા રસ્તે આવક શરૃ થાય ત્યારે બધાંને સારું લાગે છે. સંતાનો, જીવનસાથી, માબાપને સારી સવલતોવાળી જિંદગી આપવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. તમારાં અને તમારાં પરિવારજનોનાં સપનાં કયા રસ્તે પૂરાં થાય છે એ સૌથી વધુ મહત્ત્વનું છે. સપનાં પૂરાં થવાં ને સપનાંને જીવવાં એ બહુ અલગ અલગ અનુભૂતિ છે.

વાલિયા લૂંટારાની વાત બધાંને ખબર છે. એના પરિવારજનોએ ચોખ્ખું કહી દીધું હતું કે, “તારાં પાપના ભાગીદાર અમે નથી. તું જે કંઈ કરે છે એના માટે તું અને માત્ર તું જ જવાબદાર છે.” અત્યારે હાલત એ થઈ ગઈ છે કે ખોટાં રસ્તાની કમાણી કે લાંચ આપવી અને લાંચ લેવી એ જાણે એક સહજ પ્રક્રિયા થઈ ગઈ છે. કોઈ વ્યક્તિ ચોખ્ખી રહેવા ચાહે તો પણ તેને પોતાના સ્વચ્છ વ્યક્તિત્વને જાળવવા મહેનત કરવી પડે છે. પોતે ચોખ્ખી હોય તો એ બીજાં ખોટી કમાણી કરીને લાવતાં સહકર્મચારીમાં એટલો જ અળખામણો હોય છે.

એક પરિવારની વાત છે. ઉચ્ચ હોદ્દા પર કામ કરતાં એ અધિકારીનો બહુ તગડો પગાર છે. ફરજના ભાગરૃપે કેટલીક ફાઈલ્સ પાસ થાય ત્યારે નાનીમોટી ગિફ્ટ આવે. ઘરે લઈ આવે ત્યારે ઘરના બધાં જ રાજી થાય. ધીમે ધીમે એવું થવા લાગ્યું કે એ અધિકારી કોઈ ડિમાન્ડ ન કરે તો પણ એને મોંઘીદાટ ગિફ્ટ અને સોનાની ચીજો ગિફ્ટમાં આવવા લાગી. થોડાં વર્ષો પછી કૅશ પણ આવવા માંડી. ઘરમાં સવલતો વધવા માંડી, ઘરના લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. વિદેશની ટૂર્સ ને બ્રાન્ડેડ ચીજોનું શોપિંગ આમવાત બની ગઈ.

બહુ ઓછી જરૃરિયાતો વચ્ચે જીવનારાં આ દંપતીથી ખોટા રસ્તે આવતી કમાણી પસંદ ન હતી. લાલચ ન હોવા છતાં ઘણુંબધું સામેથી જ આવવા લાગે ત્યારે કોઈ પણ માણસને શરૃઆતમાં તો એ પસંદ પડે જ. સમય જતાં ખોટા રસ્તે આવેલી એ બેનંબરની કમાણી બંને આંખો અને દિલને ખૂંચવા માંડે છે. જો અંતરાત્મા સાબૂત હોય તો કંઈક ખોટું કર્યાની લાગણી ક્યારેક સવાલ કરી ઊઠે છે.

આ દંપતીએ પોતાની લગ્નતિથિના દિવસે એક સંકલ્પ કર્યો કે હવેથી કોઈ ભેટ-સોગાદ કે રૃપિયા લેવા નથી. પગારની જે આવક છે એમાંથી જ ઘર ચલાવીશું. એ પરિવારની સ્ત્રી કહે છે, “સમય જતાં સમજદારી આવી અને એક નિર્ણય કર્યો.

મને થયું કે હું તો કોઈ દિવસ વધુ સવલતોની ડિમાન્ડ કરતી નથી. કંઈ ન હતું ત્યારે સંતોષ હતો હવે વધુ પડતું છે ત્યારે જીવને ઉચાટ કેમ રહે છે? આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરી અને એ જવાબને અમલમાં મૂક્યો. એ પછી જે દિવસે પતિના પગારનો મેસેજ ઈનબોક્સમાં રિફલેક્ટ થયો એ દિવસે મને ફરી એ જ રોમાંચ થયો હતો જ્યારે પતિએ એના પહેલાં પગારનો ચેક મારા હાથમાં મૂક્યો હતો. જીવનસાથીને ખોટા રસ્તેથી વાળીને મેં મારી જાત સાથે ન્યાય કર્યો હોય એવું મને લાગે છે.”

You might also like