આવા લોકોની બહુમતી થવી જોઈએ

એક વીડિયો સોશિયલ મીડિયા પર જોયો. બાળકો ઘરના ગાર્ડનમાં લઘરવઘર વેશમાં રમી રહ્યાં છે. ઓફિસેથી આવેલો પિતા તેમને જોઈને ચિંતિત થઈ જાય છે. ઘરમાં પ્રવેશીને જુએ છે તો આખું ઘર ખેદાનમેદાન પડ્યું છે. એક પણ ચીજ એની જગ્યાએ નથી. રસોડું વેરણછેરણ પડ્યું છે. ઘરમાં ટીવી લાઉડ અવાજે ચાલી રહ્યું છે. ઘર સંભાળતી પત્નીને કંઈ થયું તો નથીને એવું વિચારીને પતિ હાંફળોફાંફળો બેડરૂમ તરફ દોડે છે. ઓરડામાં જઈને જુએ છે તો પત્ની આરામથી પલંગ ઉપર બેઠી છે. કાનમાં ઈયરપ્લગ ભરાવીને ગાયન સાંભળી રહી છે. પતિ-પત્ની વચ્ચે સંવાદ રચાય છે, અને પત્ની કહે છે, “તું રોજ મને કહે છેને કે આખો દિવસ તારે ઘરમાં શું કામ હોય છે? બસ, આજે એ તમામ કામ મેં કર્યાં નથી.”

અંતે સંદેશો એવો આવે છે કે ઘર સંભાળતી હોમમેકરને આદર આપો. ઘર સંભાળવાના કામમાં કદીય રજા નથી હોતી. આ કિસ્સો એટલે યાદ આવ્યો કે, થોડા દિવસો પહેલાં દિવાળીની રજાઓમાં બહારગામ જવાનું થયું. હોટેલમાં જમવા માટે આવેલાં કેટલાંક યુગલ એમનાં માતાપિતા હોવાને બહુ આનંદથી માણી રહ્યાં હતાં. છ-સાત મહિનાના બાળકથી માંડીને ચાર વર્ષનું બાળક એમ મળીને કુલ પાંચ બાળકો હતાં. ત્રણ યુગલ અને પાંચ બાળકો. હોટેલમાં આવ્યાં ત્યારથી માંડીને બિલ ચૂકવાયું ત્યાં સુધી આ યુગલમાં બાળકની સારસંભાળ ત્રણેય ભાઈઓએ નિભાવી. એક પણ બાળકે કજિયો નહોતો કર્યો.

એક બાળક તો બહુ જ નાનું હતું. તેને ભૂખ લાગી ત્યારે ગરમ પાણી લઈને તેમાં દૂધનો પાઉડર નાખવાથી માંડીને તમામ કામ એ બાળકના પિતાએ જ કર્યું. કુતૂહલવશ આ ત્રણેય યુગલ પાસે ગઈ. તેમની વાતમાંથી કંઈક અનોખી જ હકીકત મળી.

ચાર વર્ષ અને સાત મહિનાના બે દીકરાના પિતાએ કહ્યું, “અમે ત્રણેય સ્કૂલના દિવસોથી મિત્રો છીએ. ત્રણેય અત્યારે બહુ જ સરસ રીતે નોકરી-ધંધો કરીએ છીએ. હું એવા માહોલમાં ઉછર્યો છું કે ત્યાં બાળકોની અને ઘરકામની તમામ જવાબદારીઓ માતાના શિરે હતી. ત્રણ-ચાર સંતાનોવાળો અને સંયુક્ત પરિવાર એટલે રાત પડે મા થાકીને ટેં થઈ જતી. માતાની દયા આવી જાય એ હદે એના માથે કામનો બોજ રહેતો. માતાને પડતી તકલીફો સહન ન થતી.

ઘરમાં વડીલોના ડરથી માતાને મદદ ન થઈ શકતી. એ સમયે જ નક્કી કર્યું કે હું મોટો થઈશ, કમાવા લાગીશ એટલે માતાપિતા સાથે અલગથી રહેવા લાગીશ. માતાની હાલત જોઈ હતી એટલે પત્નીને એવી પીડા ન સહન કરવી પડે એની તકેદારી રાખવી એવું મનોમન નક્કી કર્યું હતું. ઘરમાં હાજર હોઉં ત્યારે પત્નીને ઘરના દરેક કામમાં હું મદદ કરું છું. કંઈ સારું વાંચવાનું હોય તો અમે સાથે વાંચીએ છીએ. મજા પડે એવી કોઈ વીડિયો ક્લિપ પણ અમે સાથે માણીએ છીએ. રાત્રે બાળકો રડે કે સૂએ નહીં ત્યારે બંને વારાફરતી તેમની સંભાળ લઈએ છીએ.”

સામે બેઠેલા ભાઈબંધ સામે આંગળી ચીંધીને એ કહે છે, “આ દોસ્ત કોઈ દિવસ ઘરમાં કોઈ કામ ન કરાવતો. પોતે બહુ લાડકોડમાં ઉછર્યો છે. એની પત્ની નોકરી કરે છે. એમના ઘરે બે વર્ષની દીકરી છે. બંંને વિભક્ત કુટુંબમાં રહે છે. નોકરીએ જાય ત્યારે મારો દોસ્ત એની દીકરીને સાસુના ઘરે મૂકી આવે છે. ઘરનું બધું કામ મેનેજ કરવાનું, ઘરની ચીજવસ્તુઓ લાવવાની આ તમામ જવાબદારીઓે મિત્રપત્ની ઉપર છે. એકાદ વખત એમના ઘરે અમે મિત્રો એકઠાં થયા ત્યારે ભાભીની હાલત જોઈને મને દુઃખ થયું. અમે બંને મિત્રોએ મળીને એને સમજાવ્યો. જલદીથી એને વાત ગળે ન ઊતરી. પણ કમાતી હોય કે ન કમાઈ લાવતી પત્ની હોય પતિ એને ઘરકામમાં થોડીઘણી મદદ કરે તો એને રાહત તો મળે જ છે.”

મજાની વાત એ છે કે આવી હકીકત સમજનારા લોકો લઘુમતીમાં છે. ઓફિસ કામ કરતાં પણ ઘર મેનેજ કરવું વધુ અઘરું છે. ઘરની નાનીમોટી દરેક વ્યક્તિની પસંદ નાપસંદથી માંડીને ઘરની તમામ ચીજવસ્તુઓની સાચવણી અને તેની ગોઠવણ બધું જ મહેનત માગી લે તેવું છે. કડવી હકીકત એ છે કે આપણે કોઈ આખો દિવસ ઘરમાં રહીને બધું જ જાળવતી, સાચવતી સ્ત્રીની કદર નથી કરતાં. એમાં શું? એવું કહીને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી લઈએ છીએ. ઘરની સ્ત્રીની કદર કરનારા અને તેને મદદ કરનારા લોકોની બહુમતી થવી જોઈએ આ બાબતે તમારું શું મંતવ્ય છે?

You might also like