શબ્દ નહીં ભાવના બદલાવી જોઈએ

અમારી વહુને તો અમે બધું જ પહેરવા ઓઢવાની છૂટ આપી છે. જેવી અમારી દીકરી એવી અમારી વહુ. તમે ચિંતા ન કરો વેવાઈ, તમારી દીકરીને અમે વહુ નહીં પણ દીકરીની જેમ જ રાખશું. આવા ચવાઈને ચૂથો થઈ ગયેલા ડાયલોગ્સ
અનેક ઘરોમાં સાંભળવા મળે છે. હકીકત કંઈક જુદી જ હોય છે. આ વાત કરવાનો ચાન્સ એટલે મળ્યો કે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પોતાની પુત્રવધૂ સાથે એક તસવીર સોશિયલ મીડિયામાં મૂકી અને કહ્યું કે ડૉટર્સ વીકમાં બધાં જ એની પુત્રવધૂ સાથે તસવીરો પાડીને મૂકો. તેમણે ઉમેર્યું કે ડોટર ઈન લૉ શબ્દપ્રયોગમાંથી ઈન લૉ શબ્દપ્રયોગ ન કરો. કહેવાનો હેતુ અને તાત્પર્ય બહુ ઉમદા છે એ વાતમાં બે મત નથી. જો આવું દરેક ઘરમાં થાય તો ઘણીબધી સમસ્યા હલ થઈ જાય.

આ પોઝિટિવ વાતને વધાવવા જેવી છે. કોઈ કહે અને એ વાતને જીવનમાં ઉતારીએ એ કરતાં સમજીને એ વાતને દિલથી વર્તનમાં રિફ્લેક્ટ થવા દઈએ તો એ લાંબા સમય સુધી જળવાઈ રહેવાની છે. ખાટલે મોટી ખોડ એ છે કે આવી
પહેલ બંને તરફે થાય અને સમજી શકાય તો જ સંપૂર્ણ સફળતા મળે. રાતોરાત આવો ફેરફાર થઈ શકે નહીં. આ વર્તન આપણે આપણાં હાથમાં રહેલી નવી જનરેશનને શીખવશું અને પાળીશું તો જ ભવિષ્યમાં એ એક સહજ વર્તન લાગવા માંડશે. અચાનક થયેલો બદલાવ જો દિલથી હોય તો વાંધો નથી આવતો પણ થોડા સમય પૂરતો હોય તો એ અસહજ અને અલ્પજીવી નીવડશે.

આપણે નાનપણથી ઘરમાં જ જોતાં આવીએ છીએ કે નવીસવી પરણીને આવેલી વહુ શરૂઆતના ગાળામાં તો બહુ સહજતાથી ઘરમાં રહેતી હોય છે. સાસુ-સસરા અને પરિવારના બીજા સભ્યો માટે પણ એ શરૂઆતનો ગાળો ગોલ્ડન પિરિયડ બની રહેતો હોય છે. એ ગોલ્ડન પિરિયડને ધીમેધીમે ઝાંખપ લાગવા માંડે છે. એકબીજાના માઇનસ પોઈન્ટ અને પોતાની સમજ પ્રમાણેનું લૉજિક જ્યારે તેમાં ઉમેરાવા માંડે ત્યારે સંબંધોમાં રહેલી હળવાશ ગાયબ થતી જાય છે.

દીકરી અને વહુ સાથેના વર્તનનાં મૂળ આપણાં ઉછેરમાં જ રહેલાં છે. નાના હોઈએ ત્યારથી આપણે આપણી મમ્મીને નાની અને દાદી સાથેના વર્તનમાં ભેદ કરતાં જોઈએ છીએ. મમ્મી કહે એ જ સાચું એવું આપણે માનીએ છીએ અને
બાળસહજ માનતા પણ હોઈએ છીએ. જાણેઅજાણે નાની અને દાદી સાથેનો ભેદ આપણી અંદર રોપાતો જાય છે. દીકરી હોય તો એ પહેલેથી એવું જ માનવા માંડે છે કે સાસુ હંમેશાં આકરી જ હોય અને નાની હંમેશાં સારી જ હોય. અલબત્ત,
ઘણા કિસ્સામાં તો બાળકો દાદીને અને દાદી બાળકોને સરખો જ પ્રેમ કરતી હોય છે. જ્યારે કેટલાંક ઘરોમાં દીકરીનાં સંતાનો અને દીકરાનાં સંતાનો વચ્ચે પણ ફરક રાખવામાં આવે છે.

નાનપણથી આપણી સામે સાસુનું બિહામણું ચિત્ર મૂકી દેવામાં આવે છે. જે આપણા મોટા થયા પછી અને સાસુ સારી મળી હોય તો પણ ભૂંસાતું નથી. એક યુવતી સાથે વાત થતી હતી. પરણેલી સ્ત્રીઓ અને બહેનપણીઓ વચ્ચે સૌથી વધુ પ્રિય એવો ગોસિપનો વિષય હોય તો એ સાસુ અથવા વહુ પુરાણ છે. બહુ ઓછી વહુઓ તથા સાસુઓ એકબીજા વિશે સારું બોલતાં જોવા મળે છે.

એ યુવતી પોતાની સાસુ વિશે વાતો કરતી હતી. દેખીતી રીતે એવું કંઈ ખરાબ વર્તન નહોતું લાગતું, પરંતુ એની વાતો સાંભળીને એટલું કહ્યું કે તારી ભાભી જો તારી મમ્મી માટે આવી જ ગોસિપ કે ખરાબ વાતો કરશે તો એણે તરત જ કહ્યું કે
બની શકે કે એ મારી જેમ જ મારી મમ્મીના વાંક કે નેગેટિવ પાસાં જ જોશે. આગે સે ચલી આતી હૈ એટલે જ તો હું મારાં સાસુને કદીય મારી મમ્મીની જગ્યાએ નથી મૂકી શકતી. એવી જ રીતે હું કેવી રીતે અપેક્ષા રાખી શકું કે મારી ભાભી મારી મમ્મીને એની સાસુ નહીં પણ માની જેમ જુએ અને ટ્રીટ કરે!

દરેકને નાનપણથી સાસુ અને મા વચ્ચેનો ભેદભાવ દેખાતો હોય છે. એ દીકરી વહુ અને બાદમાં સાસુ બને ત્યારે સમજતી હોવા છતાં પણ એક હદથી વધારે ઈન લૉનું છોગું નથી ફગાવી શકતી. જે સંબંધ જેવો છે એવો જ રહેવા દઈને
એની ગરિમા જળવાઈ રહે તો બાળપણથી આપણાં મગજમાં સાસુ નામે એક બિહામણી વ્યક્તિ ચિતરવામાં આવી છે એ ડરવા જેવી નહીં પણ આદર આપવા જેવી ચોક્કસ લાગે.

જ્યોતિ ઉનડકટ

You might also like