હું તો સંતાનોને ખાતર નિભાવું છું

જેને પ્રેમ કર્યો હોય એ ન મળે ત્યારે એ વ્યક્તિ વગર જીવવાની વેદના કેવી હોય છે એની તમને શું ખબર? આવો સવાલ કરીને એક યુવકે ઈ-મેઇલ કર્યો છે. એના વગર જીવી ન શકાય અને એની સાથે પણ જીવી ન શકો ત્યારે મન કેટલું વ્યથિત રહે એ અનુભવ તો જેને થાય એને જ અંદાઝ આવે. એ વ્યક્તિને મેળવવા ખાતર ઝનૂન ઊપડી જાય. કેટલાંક લોકો એ ઝનૂનને વ્યક્ત કરી દે છે, કેટલાંક લોકો એ ઝનૂનને વેદના બનાવીને જીવી લે છે.

આ યુવકની વેદના એના શબ્દોમાં ટપકે છે. સાથોસાથ બીજા એક યુવકે પણ સવાલ લખીને મોકલ્યો છે. એ યુવકનું નામ રાકેશ. લગ્નને દસ વર્ષ થયાં છે. આઠ વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. રાકેશનાં લગ્ન મા-બાપે ગોઠવ્યાં હતાં. લગ્ન થયાં ત્યારથી એની પત્ની પ્રીતિએ એને દિલથી સ્વીકાર્યો જ ન હતો. લગ્નની શરૂઆતના ગાળામાં કે હનીમૂન દરમિયાન પણ પ્રીતિએ રોમેન્ટિક બનેલા પતિનું દિલ તોડી નાખ્યું હતું. પત્નીનો સ્વભાવ આવો જ હશે એવું માનીને રાકેશે પ્રીતિ જેવી છે એવી સ્વીકારીને મન મનાવી લીધું. ગોઠવેલું લગ્ન જે રિધમમાં જતું હોય તે રીતે જિંદગી પસાર થઈ રહી છે.

રાકેશ લખે છે, દીકરીનો જન્મ થયો એ સમયે પ્રીતિ લાંબો સમય પિયર રહી. સંતાન જન્મની ખુશી સ્ત્રીને થવી જોઈએ એવી ખુશી પ્રીતિના ચહેરા અને વર્તનમાં મિસિંગ હતી. મને થયું કે બાળકના જન્મ પછી ઘણી વખત સ્ત્રીને ડિપ્રેશન જેવું ફીલ થતું હોય એવું કંઈક હશે. દીકરી મોટી થતી રહી. પ્રીતિનો મોબાઈલ એક વખત રણકતો હતો. નો રિપ્લાય થયો. થોડી જ વારમાં મેસેજ બ્લિંક થયો. સ્ક્રીન લોક્ડ હતી છતાં હું એટલું વાંચી શક્યો કે મિસ યુ ડિયર. પ્રીતિને હાથમાં ફોન આપીને પૂછ્યું કે, “તને કોણ મિસ કરે છે?” એણે વાત ઉડાવી દેવાની કોશિશ કરી. મેં તંત ન મૂક્યો અને ફરીફરીને પૂછ્યું ત્યારે એણે કબૂલી લીધું કે એ મેસેજ એના બોયફ્રેન્ડનો હતો. ડિલિવરી માટે પિયર ગઈ ત્યારે અકસ્માતે લગ્ન સુધી ન પહોંચી શકેલો પ્રેમ મળ્યો અને બંને બાજુ વેદના ઊઠી એટલે ફરી કૉન્ટેક્ટમાં રહેવાનું શરૂ થઈ ગયું.

પત્નીને સમજાવવાની કોશિશ કરી કે આ પ્રેમની કેવી વેદના છે જેમાં તું તારું ઘર ફૂંકી રહી છે અને સામેવાળાનું ઘર પણ એ ઝાળમાં આવી રહ્યું છે. આપણે એક સંતાન છે એનો તો વિચાર કર. રાકેશના કાઉન્સેલિંગની થોડો સમય અસર રહી. વળી, પ્રીતિને બીજું સંતાન પણ આવે એમ હતું એટલે એ થોડી પોતાની તબિયતની સંભાળ રાખવામાં પણ બિઝી રહેવા માંડી. દીકરાનો જન્મ થયો. બધાંએ બહુ વધામણી આપી. મિત્રોએ તો કહ્યું કે હવે તમારો પરિવાર કમ્પ્લીટ થયો. રાકેશ મનોમન એક પીડામાંથી પસાર થઈ રહ્યો હતો કે આ સંપૂર્ણતામાં પત્ની પૂર્ણ રીતે સાથે નથી.

સોશિયલ માધ્યમના કારણે પ્રીતિ અને એના પૂર્વ પ્રેમીનો સંપર્ક ઓર વધી ગયો. બે બે સંતાનોની જવાબદારીમાંથી છટકીને પ્રીતિ શક્ય ન હોય એવા સંબંધને સમય આપવા માંડી. સંતાનોની સારસંભાળની ઘણી ખરી જવાબદારી રાકેશે લઈ લીધી. રાકેશનાં સંતાનો એવી ઉંમરમાંથી પસાર થઈ રહ્યાં છે જે સમયે એમને મમ્મીની સૌથી વધુ જરૂર હોય.

રાકેશ લખે છે કે સમય એવો આવી ગયો કે પ્રીતિ મને ગણકારતી બંધ થઈ ગઈ. આથી મેં એનાં માતાપિતાને વાત કરી. મારાં સાસુ-સસરાએ તો એને બહુ સમજાવી અને જરૂર પડી ત્યારે એને વઢ્યાં પણ ખરાં. અગેઈન, પ્રીતિ પર આ વાતોની અસર થોડા દિવસ રહી. ફરી એનું એ જ ચક્કર ચાલુ થઈ ગયું. મેં એને દિલથી સમજાવવાની કોશિશ કરી. એના પ્રેમને ભૂલીને વર્તમાનમાં જીવવું જોઈએ એવી વાત કરીને અનેક એવી વાતો કરી જેનાથી એનું મન ખુશ રહે, પરંતુ બધું જ વ્યર્થ છે.

આ વાતને સાત વર્ષ થવા આવ્યાં છે. બંને બાળકોને એની મમ્મીની જરૂર છે એટલે હું સંયમથી રહું છું. કોઈક વખત ધીરજ ગુમાવી બેસું ત્યારે છૂટાં પડી જવાનો વિચાર આવે છે. પણ દિલ અને દિમાગ બંને સંતાનો માટે અચકાઈ જાય છે અને હું અટકી જાઉં છું. સમાજની દૃષ્ટિએ મારો કમ્પ્લીટ પરિવાર સમતોલન ગુમાવી રહ્યો છે. હું અમારા સંસારનો મુખ્ય વાહક હોવા છતાં મારી જાતને મજબૂર અને લાચાર ફીલ કરું છું. સંતાનને ખાતર આખરે ક્યાં સુધી?

જ્યોતિ ઉનડકટ

You might also like