આ આઠ ટીમ Fifa World Cupની ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે

મોસ્કોઃ ૨૧ ફિફા વિશ્વકપનો પ્રી-ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે. આ પ્રી-ક્વાર્ટર રાઉન્ડ દરમિયાન સ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી દિગ્ગજ ટીમોની સફર સમાપ્ત થઈ ગઈ, જ્યારે યજમાન રશિયા ઇતિહાસમાં પહેલી વાર આ વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું. કુલ આઠ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. ક્વાર્ટર ફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે તેના પર એક નજર કરીએઃ

પ્રથમ ક્વાર્ટર ફાઇનલઃ ઉરુગ્વે V/s ફ્રાંસ (૬ જુલાઈ, સાંજે ૭.૩૦ વાગ્યે)
ટૂર્નામેન્ટની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ જબરદસ્ત ફોર્મમાં રમી રહેલી બે ટીમ- ઉરુગ્વે અને ફ્રાંસ વચ્ચે રમાશે. ઉરુગ્વેએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને ૨-૧થી પરાજય આપ્યો હતો, જ્યારે ફ્રાંસે લિયોનેલ મેસીના નેતૃત્વવાળી આર્જેન્ટિનાની ટીમને ૪-૩થી હરાવી હતી. અત્યાર સુધીની સફરની વાત કરવામાં આવે તો ઉરુગ્વેએ પોતાના ત્રણેય મુકાબલામાં જીત હાંસલ કરતા ગ્રૂપમાં ટોપ પર રહી અને પોર્ટુગલને આસાનીથી હરાવીને ક્વાર્ટર ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી.

બીજી ક્વાર્ટર ફાઇનલઃ બ્રાઝિલ V/s બેલ્જિયમ (૬ જુલાઈ, રાત્રે ૧૧.૩૦ વાગ્યે)
પાંચ વ‍ખત વિશ્વ ચેમ્પિયન બનેલી બ્રાઝિલ અને બેલ્જિયમ વચ્ચે બીજી ક્વાર્ટર ફાઇનલ રમાશે. રાઉન્ડ ઓફ-૧૬ના મુકાબલામાં બ્રાઝિલે ભૂતપૂર્વ ચેમ્પિયન જર્મનીને વિશ્વકપમાંથી બહાર ફેંકી દેનારી મેક્સિકોની ટીમને ૨-૦થી હરાવી હતી. એવું સાતમી વાર બન્યું છે કે જ્યારે બ્રાઝિલી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ બેલ્જિયમે જાપાનને ૩-૨થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ત્રીજી ક્વાર્ટર ફાઇનલઃ સ્વિડન V/s ઈંગ્લેન્ડ (૭ જુલાઈ, સાંજે ૭.૩૦ વાગ્યે)
ફિફા વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. હવે ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો સ્વિડન સામે થશે. સ્વિડને સ્વિટ્ઝર્લેન્ડને ૧-૦થી હરાવીને ૨૪ વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ચોથી ક્વાર્ટર ફાઇનલઃ રશિયા V/s ક્રોએશિયા (૭ જુલાઈ, રાત્રે ૧૧.૩૦ વાગ્યે)
યજમાન રશિયા અને ક્રોએશિયા વચ્ચે ટૂર્નામેન્ટની અંતિમ ક્વાર્ટર ફાઇનલ સોચિ સ્ટેડિયમમાં રમાશે. રશિયાએ ૨૦૧૦ની ચેમ્પિયન અને સ્ટાર ખેલાડીઓ ધરાવતી સ્પેનની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવી દીધી હતી, જ્યારે ક્રોએશિયાએ ડેનમાર્કને પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૨થી હરાવી દીધું હતું. રશિયા પહેલી વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે અને ઘરેલુ દર્શકોની આશાઓ પર આ ટીમ અત્યાર સુધીમાં ખરી ઊતરી છે.

You might also like