આસામની હોસ્પિટલમાં ૨૪ કલાકમાં આઠ નવજાત શિશુનાં મોત નીપજ્યાં

ગુવાહાટી: આસામના બારપેટા સ્થિત ફકરુદ્દીન અલી અહમદ મેડિકલ કોલેજમાં ૨૪ કલાકમાં આઠ નવજાત બાળકોનાં મોત થયાં છે. રાજ્યના આરોગ્ય પ્રધાન હેમંતા બિશ્વ શર્માએ જણાવ્યું છે કે ગઈ કાલે પાંચ નવજાત શિશુઓનાં મોત થયાં હતાં, જ્યારે કોલેજના આચાર્ય દિલીપ દત્તે જણાવ્યું છે કે ત્રણ બાળકોનાં મોત ગુરુવારે સાંજે થયાં હતાં. આ બાળકો લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતાં.

એવી શક્યતા છે કે બાળકોના જન્મ પૂર્વે આ મહિલાઓનું ચેકઅપ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું, કારણ કે સામાન્ય બાળક કરતાં આ બાળકો નબળાં હતાં. બીજી બાજુ લોકોનો એવો આક્ષેપ છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકોનાં મોત થયાં છે. આ મેડિકલ કોલેજની સ્થાપના ૨૦૧૧માં થઈ હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ બાળકોના મોતના મામલામાં તપાસના આદેશ જારી કર્યા છે.

આસામમાં બાળ મૃત્યુદર ઘણો ઊંચો છે. કોલેજના આચાર્ય અને સુપરિટેન્ડેન્ટ દિલીપકુમાર દત્તાએ બાળકોનાં મૃત્યુ લાપરવાહીના કારણે થયાં હોવાના આક્ષેપને ર‌િદયો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નવજાત શિશુના મૃત્યુનું કારણ તેમને જન્મથી જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેથી તેમનાં મૃત્યુ થયાં છે. જન્મ સમયે બાળકોનું વજન પણ ઓછું હતું. આ બાળકોની માતાઓને હોસ્પિટલમાં સમયસર દાખલ કરવામાં આવી ન હતી, જેના કારણે તેમની સ્થિતિ વધુ કથળી હતી. કમનસીબે અમે બાળકોને બચાવી શક્યા ન હતા.

રાજ્યના આરોગ્ય પ્રધાન હેમંતા બિશ્વ શર્માએ જણાવ્યું હતું કે બાળકોને નવજાત શિશુ સંભાળ કેન્દ્રમાં રાખવામાં આવ્યાં હતાં અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી, પરંતુ નાજુક સ્થિતિના કારણે તેમનાં મૃત્યુ થયાં હતાં.

You might also like