આઠ મહિનામાં ગુજરાતમાં એક લાખ પડતર કેસોનો નિકાલ

અમદાવાદ: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુર ગુજરાતની મુલાકાતે છે ચીફ જસ્ટિસ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટની બાજુમાં નવનિર્મિત ગુજરાત જ્યુડિશિયલ એકેડમીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત બિ‌લ્ડિંગ અને ગુજરાત હાઇકોર્ટની બિલ્ડિંગ અંગે પાવર સ્ટેશનથી તમામ માહિતી આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસે હાઇકોર્ટની બાજુમાં આવેલા ગેસ્ટહાઉસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં રાજ્યકક્ષાના જ્યુડિશિયલ ઓફિસર કોન્ફરન્સનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરે ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ આર. સુભાષ રેડ્ડીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઝડપી બની છે. આઠ માસમાં રાજ્યમાં એક લાખ પડતર કેસનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે હાઇકોર્ટમાં છ હજાર કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરે જણાવ્યું હતું કે ગુજરાતએ ભગવાન કૃષ્ણ, મહાત્મા ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદીની જન્મભૂમિ છે.

કોર્ટમાં વર્ષો જુના પડતર કેસોનો નિકાલ થવો જરૂરી. ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા ઉપરાંત તપાસ કરતા અધિકારીઓને તાલીમ આપવી જરૂરી. જેથી તપાસ ઝડપી અને સાચી દિશામાં થાય અને કેસોનો ઝડપથી નિકાલ આવે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી અને આરોગ્યની અસુવિધા છે. તમારી પાસે રહેલી માળખાકીય સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જો માળખાકીય સુવિધાનો ઉપયોગ નથી કરતા તો એ ક્રિમિનલ વેસ્ટ ગણાશે. ટી.એસ. ઠાકુરે હાઈકોર્ટની નવી વેબસાઈટ અને સોવેનિયરનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કોન્ફરન્સ આજે અને આવતી કાલે એમ બે દિવસ યોજાશે. આવતી કાલે આ કોન્ફરન્સનું સમાપન થશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય અને કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી તેમજ હાઇકોર્ટના તમામ જજ હાજર રહ્યા હતા.

You might also like