ઈદ બાદ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો ફરીથી શરૂ થઈ જશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈદ બાદ આતંકીઓ પર તૂટી પડવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે રમજાન બાદ આતંકીઓના સફાયા માટે ઓપરેશન ઓલઆઉટ ફરીથી શરૂ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં યુદ્ધ વિરામ ખતમ કરવા અંગે ચર્ચા થઈ હતી. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર યુદ્ધ વિરામ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરશે નહીં.

ગૃહ મંત્રાલય દ્વારા ઈદ સુધી આતંકીઓ વિરુદ્ધના અભિયાન પર રોક હતી. જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિ સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કેન્દ્રમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના વડાઓની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહસચિવ, આઈબીના ડાયરેક્ટર અને કાશ્મીર વિભાગ સાથે સંકળાયેલ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકાર હવે યુદ્ધ વિરામ લંબાવવાના મૂડમાં નથી. સરકાર હવે સેનાના હાથ બાંધી દેવા માગતી નથી. આમ ઈદ બાદ યુદ્ધ વિરામની સમાપ્તિ બાદ કાશ્મીર ખીણમાં સેના ફરી એકવાર આતંકીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન કાઉન્ટર ઈમર્જન્સી શરૂ કરી શકે છે.

એક અહેવાલ એવો પણ છે કે સેનાનો વિરોધ હોવા છતાં સરકાર જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધ વિરામને લંબાવી શકે છે. યુદ્ધ વિરામના સંદર્ભમાં અમરનાથ યાત્રાની સુરક્ષાનો સવાલ પણ ઊભો થયો છે. કેન્દ્રીય એજન્સીઓ હુર્રિયતની સાથે વાતચીત માટે તૈયાર છે અને આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ સેના હવે યુદ્ધ વિરામ લંબાવાની તરફેણમાં નથી.

You might also like