દેશભરમાં ઇદની રોનકઃ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ દેશભરમાં આજે ઇદ-અલ ફિતર મનાવવામાં આવી રહી છે. કેરલ અને જમ્મુ-કશ્મીરમાં બુધવારે અનેક જગ્યાઓ પર ઇદ મનાવવામાં આવી હતી. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં આજે ઇદની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ઇદના તહેવાર નિમિત્તે દેશવાસિઓને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે.

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પણ લોકોને ઇદની શુભ્ચેછા પાઠવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે ઇદ-અલ-ફિતરના શુભ અવસર પર હું મારા તમામ દેશવાસીઓ ખાસ કરીને ભારત અને વિદેશમાં રહી રહેલા તમામ મુસલમાન ભાઇઓ અને બહેનોને હાર્દિક  શુભેચ્છા અને શુભકામનાઓ આપું છું. તેમણે જણાવ્યું છે કે ઇદ-અલ-ફિતરનો તહેવાર રમજાનના એક મહિનાની ઇબાદત બાદ આવે છે. આપણે આ પ્રસંગે માનવતાની સેવા માટે પોતાને પુનઃ સમર્પિત કરવા સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે ખુશી મનાવવી  જોઇએ.

તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું છે કે ઇદના ઉલ્લાસપૂર્ણ અવસર પર દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ આર્પણ કરૂ છું. રમજાનના પવિત્ર મહિનાનો આ તહેવાર લોકોમાં ભાઇચારા અને આતંરીક સમજૂતીની પરંપરાને અભિવ્યક્તિત કરતું પ્રતિક છે. તે કરૂણા, પરોપકાર અને ઉદારતાની ભાવનાને મજબુત કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઇદના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરિફ સહિત દુનિયાના અન્ય દેશોના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે. સાથે જ તહેવાર શાંતિ અને સદભાવના સાથે મનાવવામાં આવે તેવી અપીલ કરી છે.

You might also like